પર્યાવરણ અને વન મંત્રાલય

"મિશન લાઈફ - પર્યાવરણલક્ષી જીવનશૈલી" વિષય પર વિશેષ સંવાદ કાર્યક્રમ યોજાયો


"પર્યાવરણ શરણં ગચ્છામિ" સમયની તાતી જરૂરિયાત: નિવૃત્ત આઈ એ એસ આર જે પટેલ

આપણા માટે જ આપણે પૃથ્વીને બચાવવાની છે: ડીસીપી ગઢવી

Posted On: 05 JUN 2023 2:19PM by PIB Ahmedabad

આજે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીનાં ભાગરૂપે કેન્દ્રીય સંચાર બ્યૂરો અને સનરાઈજ આર્મી અને પોલીસ પ્રશિક્ષણ સંસ્થાન, સુરત દ્વારા શ્રી છત્રપતિ શિવાજી મહારાજ સ્પોર્ટ્સ સંકુલ, ઉધના ખાતે "મિશન લાઈફ - પર્યાવરણલક્ષી જીવનશૈલી" વિષય આધારિત સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 100થી વધુ તાલીમાર્થીઓની સાથે લોકપ્રતિનિધિઓ, અઘિકારીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતાં.

આજે વિશ્વભરમાં પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ભારત સરકારનાં માહિતી અને પ્રસારણ મંત્રાલય અંતર્ગત કાર્યરત કેન્દ્રીય સંચાર બ્યૂરો અને સનરાઈજ આર્મી અને પોલીસ પ્રશિક્ષણ સંસ્થાન દ્વારા ઉધનામાં આવેલા શ્રી છત્રપતિ શિવાજી મહારાજ સ્પોર્ટ્સ સંકુલમાં "મિશન લાઈફ - પર્યાવરણલક્ષી જીવનશૈલી" વિષય પર વિશેષ સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમનાં મુખ્ય વક્તા એવા નિવૃત્ત આઈએએસ શ્રી આર. જે.પટેલે ઉપસ્થિત યુવાશક્તિને પર્યાવરણ જાળવણી માટે અપીલ કરી હતી. સાથે જ કેટલી સરળતાથી આપણે પ્રકૃતિને સાચવી શકીએ છીએ તેના ઉદાહરણ પણ આપ્યા હતા. પોતાની ફરજ દરમિયાન તેમને 1 લાખથી વધુ વૃક્ષો વાવવાનો વિક્રમ સર્જ્યો હતો તે અનુભવ અને કઈ રીતે સુરતમાં પ્રથમ રિચાર્જ થતો કૂવો તૈયાર કર્યો એની વિગત પણ રજૂ કરી હતી.

શ્રી પટેલે પર્યાવરણ સંરક્ષણ માટે વિજ્ઞાન અને ધર્મનો સમનવય જરૂરી ગણાવ્યો હતો અને તે માટે તેમને વૃક્ષનારાયણ દેવની કથા, ભજનો તૈયાર કર્યા હોવાનું પણ જણાવ્યું હતું. તેમણે "પર્યાવરણ શરણમ ગચ્છામી" એ આજના સમયની તાતી જરૂરિયાત હોવાનું પણ ઉમેર્યું હતું.

કાર્યક્રમનાં મુખ્ય અતિથિ ઝોન 2ના  ડીસીપી શ્રી ભગીરથ ગઢવીએ તાલીમાર્થીઓને શરીરની સાથે પૃથ્વીનું જતન કરવાની પણ જવાબદારી આપણી હોવાનું સમજાવી એ માટે પ્રયત્નો કરવા અપીલ કરી હતી.

વિસ્તારનાં નગરસેવક શ્રી સોમનાથભાઈ મરાઠેએ પોતાનાં વિસ્તારમાં 5 હજારથી વધુ વૃક્ષ વાવેતર કર્યાની માહિતી આપી હતી. સાથે જ પર્યાવરણ માટે નવી પેઢીની સક્રિયતા જરૂરી હોવા પર ભાર મૂક્યો હતો.

કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી. તેમજ અતિથિઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને ઉપસ્થિત તાલીમાર્થીઓને પણ સરગવાનો રોપ ભેટ આપવામાં આવ્યો હતો.

કાર્યક્રમ સંબંધી ચિત્રકળા, નિબંધ અને પ્રશ્નોત્તરી સ્પર્ધાનાં વિજેતાઓને અતિથિઓ દ્વારા પુરસ્કાર પ્રદાન કરવામાં આવ્યા હતા. કાર્યક્રમની રૂપરેખા ક્ષેત્રિય પ્રચાર અઘિકારી, શ્રી ઈન્દ્રવદનસિંહ ઝાલાએ તેમજ આભારવિધિ સનરાઇજ આર્મી & પોલીસ પ્રશિક્ષણ સંસ્થાનનાં પ્રમુખ શ્રી પ્રદિપભાઈ શિરસાઠે કરી હતી.

આ કાર્યક્રમમાં જિલ્લા યુવા વિકાસ અધિકારી, કુ.રાધિકાબેન લાઠીયા, આર એફ ઓ શ્રી જીગ્નેશભાઈ ગામિત, ભેસ્તાન ફાયર ઓફિસર શ્રી હિતેશભાઈ પાટીલ, નગરસેવકશ્રી બળવંતભાઇ પટેલ,ભૂતપૂર્વ નગરસેવકશ્રી સુરેશભાઈ કણસાગરા, બીજેપી મહામંત્રી શ્રીમતી માયાબેન બારડ, ઉધના પોલીસ સ્ટેશનના પિ.એસ.આઇ ડી.એમ.મૂળયાસિયા ,એલ આઈ બી નાં હે.કો. હરીશભાઈ સોલંકી અને પેનલ વકીલ એડવોકેટ રિલેશભાઈ લિમ્બાચિયા ઉપસ્થિત રહ્યા હતા.

YP/IJ/GP/

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1929897) Visitor Counter : 262