સંસ્કૃતિ મંત્રાલય
azadi ka amrit mahotsav

આંતરરાષ્ટ્રીય યોગ દિવસના ઉપલક્ષ્યમાં ભાવનગરના સુભાષનગર ખાતે યોગ અભ્યાસ કાર્યક્રમ યોજાયો


યોગ ઉત્સવ અંતર્ગત કેન્દ્રીય સંચાર બ્યુરો, જુનાગઢ દ્વારા કરાયું વિશેષ કાર્યક્રમનું આયોજન

Posted On: 26 MAY 2023 4:33PM by PIB Ahmedabad

આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે ત્યારે આ દિવસની ઉજવણીના પૂર્વ પ્રચાર અર્થે તેમજ યોગ અંગે લોકજાગરૂતા ફેલાય તે માટે ભાવનગરના સુભાષનગર ખાતે પરશુરામ પાર્કમાં યોગ અભ્યાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના કેન્દ્રીય સંચાર બ્યુરો જુનાગઢ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં રાજ્ય યોગ બોર્ડના ભાવનગરનાં યોગ પ્રશિક્ષક તેમજ પતંજલિ યોગ મહિલા મહામંત્રી રેખાબેન ડોબરિયાના માર્ગદર્શન હેઠળ ઉપસ્થિત લોકોને યોગ અભ્યાસ કરાવવામાં આવ્યો.

કાર્યક્રમ અંગે જાણકારી આપતા કેન્દ્રીય સંચાર બ્યુરો, જુનાગઢના અધિકારી શ્રી દેવેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે વર્ષ 2014થી વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીની શરૂઆત થઈ છે ત્યારે આ વર્ષે નવમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ઉમંગ અને ઉત્સાહ સાથે ભારત સહિત સમગ્ર વિશ્વમાં થાય તે માટે તેમજ લોકોમાં યોગ અંગે જાગૃતતા કેળવાય તેવા આશય સાથે વર્તમાન સમયમાં દેશભરમાં યોગ ઉત્સવ અંતર્ગત વિભિન્ન કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ભાવનગર ખાતે પણ આજરોજ આજ ઉદ્દેશ્ય સાથે યોગ પ્રશિક્ષકના માર્ગદર્શન હેઠળ યોગ અભ્યાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

યોગ એ આપણી પ્રાચીન સંસ્કૃતિની દેન છે અને નિયમિત યોગ કરીને પ્રત્યેક વ્યક્તિ નિરોગી રહી તંદુરસ્ત જીવન જીવી શકે છે તેવું કહેતા રાજ્ય યોગ બોર્ડના ભાવનગરના યોગ પ્રશિક્ષક રેખાબેન ડોબરીયાએ યોગ આસનો દ્વારા થતા લાભો અંગે જાણકારી આપવાની સાથે ઉપસ્થિત લોકોને યોગ અભ્યાસ કરાવ્યો હતો.

બાળકો અને મહિલાઓ સહિત મોટી સંખ્યામાં ભાવનગરના શહેરીજનોએ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી યોગ અભ્યાસ કર્યો હતો તેમજ કાર્યક્રમના અંતે  'કરો યોગ રહો નિરોગ' ના સૂત્રને સાથે લઈ નિયમિત યોગ કરવા માટેનો સંકલ્પ લીધો હતો.

YP/GP/JD


(Release ID: 1927504) Visitor Counter : 166