ગૃહ મંત્રાલય
કેન્દ્રીય ગૃહ તથા સહકારિતા મંત્રી શ્રી અમિત શાહ દ્વારા અમદાવાદમાં એએમસીના વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ
ગુજરાતના સુપુત્રી તથા સ્વાતંત્ર્ય સેનાની લીલાવતી મુનશીને કેન્દ્રીય ગૃહ મંત્રીએ શ્રદ્ધાંજલિ પાઠવી
અમદાવાદ શહેરમાં રૂપિયા 300 કરોડના કાર્યોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરાયું
2500 લોકોને ઘરનું ઘર મળવા અંગે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીએ અભિનંદન આપ્યા
વિશ્વભરમાં પ્રધાનમંત્રી શ્રી મોદીને મળતું સન્માન 130 કરોડ દેશવાસીઓનું, ખાસ કરીને ગુજરાતનું સન્માન છેઃ શ્રી અમિત શાહ
Posted On:
21 MAY 2023 8:00PM by PIB Ahmedabad
કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે અમદાવાદ શહેરમાં 300 કરોડના વિકાસ કાર્યોના લોકાર્પણ અને શિલાન્યાસ કરીને કહ્યું હતું કે ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર અંતર્ગત વિકાસ કાર્યોની વણઝાર ચાલી રહી છે. તેમણે કહ્યું હતું કે અન્ય કોઈ રાજ્યમાં 25-50 કરોડના વિકાસ કાર્યો થાય તો પણ ખૂબ પ્રશંસા કરવામાં આવતી હોય છે પરંતુ ગુજરાતમાં તો દર મહિને હજારો કરોડના વિકાસ કાર્યો થતા રહે છે.
શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે ગુજરાતમાં ગાંધીનગર લોકસભા વિસ્તારમાં અત્યાર સુધીમાં 16563 કરોડના વિકાસ કાર્યો થયા છે. આ વિકાસકાર્યોમાં પૂરા થયેલા અને શરૂ થયેલા એમ બંને પ્રકારના કાર્યોનો સમાવેશ થાય છે. આ 16563 કરોડના વિકાસ કાર્યોમાંથી 13000 કરોડના વિકાસ કાર્યો પૂરા થઈ ગયા છે અને તેનું ઉદ્ઘાટન પણ થઈ ચૂક્યું છે. અન્ય બીજા 2000 કરોડ રૂપિયાના વિકાસ કાર્યો પણ શરૂ થવા જઈ રહ્યા છે એમ કુલ 18000 કરોડના વિકાસ કાર્યો ગાંધીનગર લોકસભા વિસ્તારમાં હાથ ધરાયા. શ્રી અમિત શાહે કહ્યું હતું કે આ જ દર્શાવે છે કે જે રીતે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં વિકાસ કાર્યોની શરૂઆત કરી હતી તેમાં ઊર્જા ભરીને આપણે ચાલુ રાખી છે.
શ્રી અમિત શાહે જણાવ્યું કે શહેરના ચાંદલોડિયામાં સીવરેજ પંપિંગ સ્ટેશન 400 કરોડના ખર્ચે, નારણપુરામાં જિમ્નેશિયમ અને પુસ્તકાલય, છારોડીમાં ચોખ્ખા પાણીના તળાવનું કાર્ય આજે પૂર્ણ થયું છે. આ ઉપરાંત વાડજમાં 18 કરોડના ખર્ચે રૈન બસેરાનુ નિર્માણ કરવામાં આવ્યું છે. ગોતામાં નવું ફાયર બ્રિગેડ તેમજ થલતેજમાં તળાવનો જિર્ણોદ્ધાર જેવા કાર્યો આજે અહીં થયા છે. 2501 પરિવારોને ઘરનું ઘર મળે એ માટે આજે ડ્રો થવાનો છે. કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું હતું કે અમદાવાદ શહેરમાં જ 48000 જેટલા ઘરો ગરીબો માટે બની રહ્યા છે.
ઓર્ગેનિક ફૂડના સર્ટિફિકેશન અને ઉત્પાદનકર્તાઓને સારો ભાવ મળે એ માટે આધુનિક લેબોરેટરીનું પણ આજે ઉદ્ઘાટન કેન્દ્રીય ગૃહ મંત્રીના હસ્તે થયું હતું. આનાથી ઓર્ગેનિક ખેતી કરનારા ખેડૂતોની આવકમાં વધારો થશે. આ ઉપરાંત ચાંદખેડામાં એસટીની 300 બસોનું 103 કરોડના ખર્ચે લોકાર્પણ થયું છે. 65000થી વધુ લારી ગલ્લાવાળા લોકો અમદાવાદમાં ગુજરાન ચલાવે છે તેમને પીએમ સ્વનિધિ હેઠળ તેઓને 10000 રૂ.ની લોન આપી છે.
સોલિડ વેસ્ટ વિભાગે 57 લાખ ટનથી વધુ કચરો દૂર કર્યો અને 35000 એકર જમીન ચોખ્ખી કરી છે. કેન્દ્રીય મંત્રી શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં વિકાસ કાર્યોની વણઝાર મોકલી છે અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા અમદાવાદના મેયર શ્રી આ વિકાસકાર્યોને આગળ ધપાવી રહ્યા છે અને પીએમ મોદી તો એક દિવસમાં છ-છ દેશોની મુલાકાત લઈને તેઓ આખી દુનિયામાં ભારતનો ડંકો વગાડી રહ્યા છે. તેમણે કહ્યું કે આજે જે રીતે વિશ્વભરમાં પીએમ મોદીને સન્માન મળી રહ્યું છે એ માત્ર તેમનું જ સન્માન નથી પરંતુ દેશના 130 કરોડ લોકોનું સન્માન છે અને ખાસ કરીને ગુજરાતનું સન્માન છે.
YP/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1926142)
Visitor Counter : 177