સંસ્કૃતિ મંત્રાલય

રાજભવનમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં સિક્કિમ સ્થાપના દિવસની ઉજવણી


'એક ભારત-શ્રેષ્ઠ ભારત'ની સંકલ્પનાથી રાષ્ટ્રની એકતા અને અખંડતા વધુ સુદ્રઢ બની છે : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત

સિક્કિમના નાગરિકોને સ્થાપના દિવસના અભિનંદન અને શુભકામનાઓ પાઠવી

Posted On: 16 MAY 2023 4:05PM by PIB Ahmedabad

રાજભવનમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં સિક્કિમ રાજ્યના ૪૮મા સ્થાપના દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આ અવસરે કહ્યું હતું કે, ભારતમાં અનેક ભાષા, અનેક બોલી અને સંસ્કૃતિ છે, ખાન-પાન પણ ભિન્ન છે, પરંતુ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની એક ભારત શ્રેષ્ઠ ભારતની સંકલ્પના રાષ્ટ્રની એકતા અને અખંડિતતાને વધુ મજબૂત બનાવી રહી છે.

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, ૧૬મી મે ૧૯૭૫ના દિવસે ભારતમાં ભળેલું સિક્કિમ રાજ્ય દેશનું સૌથી નાનું અને સૌથી પ્રિય રાજ્ય છે. પરિવારમાં નાની વ્યક્તિને વિશેષ મહત્વ મળે એ રીતે સિક્કિમ પણ ભારતમાં વિશેષ મહત્વ ધરાવતો પ્રદેશ છે. તેમણે સિક્કિમના નાગરિકોને સ્થાપના દિવસના અભિનંદન અને શુભકામનાઓ પાઠવ્યા હતા.

પુષ્કળ પ્રાકૃતિક સંપદા ધરાવતા સિક્કિમે પોતાની શ્રેષ્ઠતા અને આગવી ઓળખથી તમામ ભારતીયોના દિલમાં વિશેષ સ્થાન બનાવ્યું છે. સિક્કિમની મહિલાઓએ 'સેલ્ફ હેલ્પ ગ્રુપ' થકી પ્રદેશને નવી ઊંચાઈએ પહોંચાડ્યો છે, એમ કહીને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, સિક્કિમ સંપૂર્ણપણે પ્રાકૃતિક ખેતી કરતું રાજ્ય છે. સિક્કિમને વિધિવત રીતે ઑર્ગેનિક પ્રદેશ ઘોષિત કરવામાં આવ્યો છે. પર્યટન, સ્વચ્છતા, શિક્ષણ, મહિલા ભાગીદારી અને સુંદરતાથી સિક્કિમે દેશમાં નોંધનીય સ્થાન મેળવ્યું છે. સિક્કિમ રાજ્ય હજુ વધુ ઉન્નતિ કરે અને એક ભારતને શ્રેષ્ઠ ભારત બનાવવામાં યોગદાન આપતું રહે એવી શુભકામનાઓ તેમણે પાઠવી હતી.

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી સાથે લેડી ગવર્નર શ્રીમતી દર્શના દેવીજી, મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, મંત્રી શ્રી બળવંતસિંહ રાજપુત, શ્રી કુંવરજીભાઈ બાવળીયા, શ્રી મુળુભાઈ બેરા, રાજ્યમંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, શ્રી પ્રફુલભાઈ પાનસેરીયા, ગુજરાત વિધાનસભાના ઉપ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણા, મુખ્ય સચિવ શ્રી રાજકુમાર, ગાંધીનગરના મેયર શ્રી હિતેશભાઈ મકવાણા, અમદાવાદના મેયર શ્રી કિરીટકુમાર પરમાર, વરિષ્ઠ અધિકારીઓ, ગુજરાતમાં રહેતા સિક્કિમના આગેવાન નાગરિકો અને મહાનુભાવોએ સિક્કિમથી પધારેલા કલાકારોની પ્રસ્તુતિ માણી હતી. સિક્કિમના કલાકારોએ રણચંડી, તમાંગ સેલો અને ઘંટુ જેવા પરંપરાગત નૃત્ય પ્રસ્તુત કર્યા હતા. ગુજરાતના કલાકારો સાથે મળીને સિક્કિમના કલાકારોએ 'એક ભારત-શ્રેષ્ઠ ભારત' થીમ નૃત્ય પ્રસ્તુત કર્યું હતું.

આ અવસરે સિક્કિમ વિષેની એક ફિલ્મ પણ મહાનુભાવોએ માણી હતી. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ સિક્કિમના કલાકારોના પ્રતિનિધિ શ્રીમતી કલા શુમા અને ગુજરાતના શ્રી કલ્પેશ દલાલનું સન્માન કર્યું હતું. કાર્યક્રમના આરંભે યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના કમિશનર શ્રી હર્ષદભાઈ પટેલે સ્વાગત ઉદબોધન કર્યું હતું. રાજ્યપાલશ્રી તમામ કલાકારો સાથે સમુહ તસવીરમાં પણ જોડાયા હતા.

સિક્કિમના એ ટેક્સી ચાલક જેટલી જવાબદારી ભારતનો દરેક નાગરિક નિભાવે તો આખું ભારત સિક્કિમ જેવું સ્વચ્છ થઈ જાય

'સ્વચ્છ ભારત મિશન'ને વ્યવહારમાં મૂકનારું સિક્કિમ સૌપ્રથમ રાજ્ય છે. સિક્કિમે સિંગલ યુઝ પ્લાસ્ટિક પર સૌથી પહેલો પ્રતિબંધ મૂક્યો હતો, એમ કહીને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ પોતાનો અંગત અનુભવ વર્ણવતા કહ્યું હતું કે, " હું મારા પરિવાર સાથે સિક્કિમના પ્રવાસે હતો. અમે સિક્કિમની ટેક્સીમાં બેઠા હતા. આગળ જતી એક કારમાંથી કોઈએ નાસ્તો કર્યા પછી ખાલી પડીકું બહાર ફેંક્યું. એ કાર તો આગળ ચાલી ગઈ, પણ અમારી કારના ડ્રાઈવરે તરત કાર ઊભી રાખી. ડ્રાઈવર નીચે ઉતર્યો. પહેલાં તો મને લાગ્યું કે કારમાં કંઈ ખરાબી થઈ છે, પરંતુ અમારી કારના ડ્રાઈવરે ઉતરીને આગળવાળી કારમાંથી બહાર ફેંકાયેલું એ પડીકું ઉપાડ્યું અને પોતાની કારમાં એક કોથળીમાં ભરીને વ્યવસ્થિત મૂક્યું."

"ડ્રાઇવરની આવી ચેષ્ટા માટે મેં અહોભાવ વ્યક્ત કર્યો, તો તરત જ સિક્કિમના એ ડ્રાઇવરે કહ્યું કે, "હું જ માત્ર નહીં, સિક્કિમની દરેક વ્યક્તિ આટલી જ ચોકસાઈપૂર્વક અને જવાબદારી પૂર્વક સ્વચ્છતા માટે કામ કરે છે. અમારો પ્રદેશ બહારથી આવતા પ્રવાસીઓનો આભારી છે. જો અમારું સિક્કિમ સુંદર નહીં હોય તો કોણ અહીં આવશે ?"

"સિક્કિમના એક સામાન્ય નાગરિકની આ વાત મને અત્યંત સ્પર્શી ગઈ. સમગ્ર દેશનો દરેક વ્યક્તિ જો આવી જવાબદારી લે તો આખો દેશ સિક્કિમ જેવો સ્વચ્છ થઈ જાય." એમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું.

YP/GP/JD



(Release ID: 1924503) Visitor Counter : 185