રેલવે મંત્રાલય

"નવનિયુક્ત યુવાઓને આઝાદીના અમૃતકાળના શ્રેષ્ઠ ભારતના નિર્માણમાં સહયોગી બનવાની તક સાંપડશે"- કેન્દ્રીય રાજ્ય મંત્રીશ્રી દર્શનાબેન જરદોશ


રાજકોટમાં આયોજિત રોજગાર મેળામાં પોસ્ટ, રેલવે અને એઇમ્સના કુલ 203 ઉમેદવારોને નિમણૂંક પત્ર એનાયત કરાયા

Posted On: 16 MAY 2023 2:16PM by PIB Ahmedabad

દેશના રેલવે અને કાપડ વિભાગના કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશની અધ્યક્ષતામાં આજરોજ રાજકોટ ખાતે રોજગાર મેળો યોજાયો હતો, જેમાં મંત્રીશ્રી તથા મહાનુભાવોના હસ્તે પોસ્ટ વિભાગના 174  અને રેલવે તથા એઈમ્સના 29 મળી કુલ 203 ઉમેદવારોને નિયુક્તિ પત્રો એનાયત કરાયા હતા.

આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશે રોજગાર નિમણૂંક પત્ર મેળવનાર યુવાઓને શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે, આજે નિમણૂંક પત્ર મેળવ્યા બાદ તમારા જીવનમાં એક નવો અધ્યાય શરૂ થવા જઈ રહ્યો છે. વર્ષ 2023માં પ્રધાનમંત્રીશ્રીના કાર્યકાળને સફળતાપુર્વક 9 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે ત્યારે આઝાદીના 75 વર્ષ નિમિત્તે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી કરેલી 10 લાખ લોકોને સરકારી નોકરી આપવાની ઘોષણાને પરિપૂર્ણ કરવાની દિશામાં આગળ વધતાં દેશભરમાં આજે આવા રોજગાર મેળાનું આયોજન કરાયું છે.

તેમણે ઉમેર્યું હતું કે, આજે આઝાદીના 75 વર્ષના "અમૃત મહોત્સવ"ના સમયકાળમાં 100 વર્ષ પછી ભારત કેવું હશે તેનું નિર્માણ કરવાની તક નવનિયુક્ત યુવાઓને તક સાંપડી છે. ત્યારે કર્તવ્યનિષ્ઠ અને પ્રામાણિકતા જેવા ગુણ સાથે નોકરી કરીને નાગરિક કર્તવ્ય નિભાવવું જોઈએ. આ તકે "એક ભારત, શ્રેષ્ઠ ભારત" અને સાંસ્કૃતિક વિરાસત જાળવી રાખવાના ભાવ સાથે કાર્ય કરવા ઉપરાંત સતત નવું શીખવા અને આવડતને વધુ મજબૂત કરવા પર ભાર મૂક્યો હતો.

સાંસદશ્રી મોહનભાઈ કુંડારીયાએ જણાવ્યું હતું કે ભણી-ગણીને સરકારી નોકરી મેળવવાનું અનેક યુવાનોનું સપનું હોય છે. અહીં ઉપસ્થિત ઉમેદવારોએ સરકારી નોકરી પ્રાપ્ત કરી છે. ત્યારે અરજદારો પરેશાન ન થાય અને તેઓની અપેક્ષાઓ પૂર્ણ થાય, તેનું ખાસ ધ્યાન રાખે. તેમજ નિષ્ઠાપૂર્વક ફરજ નિભાવી સરકારી નોકરી કરવાની અમૂલ્ય તક દીપાવે.

સાંસદશ્રી રામભાઈ મોકરીયાએ દેશમાં થઈ રહેલા અવિરત વિકાસ વિશે વાત કરતા કહ્યું હતું કે, વર્ષ 2014થી દેશમાં અનેક ક્ષેત્રે વિકાસ થયો છે. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીના કાર્યકાળમાં અનેક લોકોને રોજગારી પ્રાપ્ત થઈ છે અને આગળ પણ રોજગાર મેળા થકી અનેક યુવાઓના સ્વપ્નો સરકાર સાકાર થશે. અમૃત ભારતના નિર્માણમાં દરેક નવનિયુક્ત યુવાઓ પૂરા દિલથી કામ કરે અને દેશની સેવા કરવા અનુરોધ કર્યો હતો.

કાર્યક્રમનો આરંભ મંચસ્થ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્યથી કરાયો હતો. ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પગુચ્છ અને મોમેન્ટો આપી સ્વાગત કરાયું હતું. સૌરાષ્ટ્ર-કચ્છ ઝોનના પોસ્ટમાસ્ટર જનરલશ્રી બી. એલ. સોનલ એ શાબ્દિક સ્વાગત કર્યું હતું. ઉપસ્થિતોએ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં આયોજિત રાષ્ટ્રીય કક્ષાના રોજગાર મેળાનો કાર્યક્રમ તથા શોર્ટ ફિલ્મ નિહાળી હતી.

YP/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1924456) Visitor Counter : 172