માહિતી અને પ્રસારણ મંત્રાલય

'મન કી બાત' દ્વારા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દેશને એકતાના તાંતણે બાંધ્યો છેઃ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી


રાજભવનમાં 'મન કી બાત' ના 100મા એપિસોડના વિશેષ પ્રસારણ સમારોહનું આયોજન થયું

કેન્દ્રીય સંચાર બ્યુરો દ્વારા મન કી બાત ઉપર આયોજિત પ્રદર્શન રાજ્યપાલ દ્વારા ખુલ્લું મુકાયું

'મન કી બાત'માં ઉલ્લેખ કરાયો છે એવા 18 મહાનુભાવોનું રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી દ્વારા સન્માન

Posted On: 30 APR 2023 4:22PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના લોકપ્રિય રેડિયો કાર્યક્રમ મન કી બાતની 100મી કડીનું આજે ગાંધીનગરમાં રાજભવન ખાતે વિશેષ સ્ક્રીનીંગ રાખવામાં આવ્યું હતું. મન કી બાત કાર્યક્રમના પ્રસારણને અંતે પોતાના સંબોધનમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે જણાવ્યું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમના માધ્યમથી દેશની સાંસ્કૃતિક, ધાર્મિક અને ભૌગોલિક વિરાસત અને વિચારધારાઓનો પરસ્પર પરિચય કરાવવાનું કાર્ય કર્યું છે. તેમને ભારતની ગરીમાને વૈશ્વિક સ્તરે પુનઃસ્થાપિત કરવામાં મન કી બાત કાર્યક્રમની ભૂમિકાને મહત્વપૂર્ણ ગણાવી હતી. રાજ્યપાલે જણાવ્યું કે પ્રધાનમંત્રીનું ધ્યેય માત્ર અને માત્ર ભારત નિર્માણનું છે અને મન કી બાત જેવા લોકપ્રિય કાર્યક્રમથી દેશના લોકો તેમની સાથે જોડાઈ રહ્યા છે.

આ પહેલા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે કેન્દ્ર સરકારના કેન્દ્રીય સંચાર બ્યુરો-ની ગુજરાત કચેરી દ્વારા આયોજિત મન કી બાતના 100મા એપિસોડ ઉપરના એક વિશેષ પ્રદર્શનનું ઉદઘાટન કર્યું હતું. આ પ્રદર્શનમાં મન કી બાતમાં પ્રધાનમંત્રી દ્વાર રજુ કરાયેલી સામાન્ય લોકોની સફળતાની કહાની તેમજ કેન્દ્ર સરકારની ઉપલબ્ધિઓ સચિત્ર પ્રદર્શિત કરવામાં આવી છે. પ્રદર્શન નિહાળ્યા બાદ રાજ્યપાલે તેમના પ્રતિભાવમાં જણાવ્યું હતું કે આ પ્રદર્શન છેવાડાના અને સામાન્ય લોકો માટે પ્રેરણા રૂપ બની રહેશે.

કાર્યક્રમમાં પોતાનો પ્રતિભાવ આપતા પત્રકાર અને લેખક શ્રી દેવેન્દ્ર પટેલે જણાવ્યું કે પ્રધાનમંત્રીનો મન કી બાત કાર્યક્રમ લોકો મંત્ર મુગ્ધ બનીને સાંભળે છે અને એક ધ્યાનથી સાંભળે છે તે તેની મોટી સફળતા છે. ભારતના કોઈ પ્રધાનમંત્રીએ આ રીતે લોકો સાથે સીધો સંવાદ કર્યો હોય તેવું ભાગ્યે જ બન્યું છે. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રીએ મન કી બાત કાર્યક્રમને રાજકીય મંચ બનવા દીધો નથી અને સામાન્ય લોકોને સ્પર્શતા મુદ્દાઓની જ ચર્ચા કરી છે. પદ્મશ્રી મુકતાબેને જણાવ્યું કે પ્રજ્ઞા ચક્ષુ અને દિવ્યાંગ માટે ઉલ્લેખનીય કાર્યની પ્રધાનમંત્રી દ્રારા મન કી બાત કાર્યક્રમમાં નોંધ લેવાતા સેવા કાર્ય માટે મનોબળ વધ્યું છે. કચ્છના રોગાન કલાના કારીગર પદ્મશ્રી અબ્દુલ ગફુર ખત્રી એ પોતાના સંબોધનમાં મહિલાઓ અને ગરીબ કુટુંબોને જોડીને તેમને આત્મનિર્ભર બનાવવાના પોતાના પ્રયાસોની જાણકારી આપી હતી. જયારે સામાજિક કાર્યકર મિત્તલ પટેલે મન કી બાતના ઉલ્લેખ દ્રારા જણાવ્યું કે સમાજના વંચિત લોકોના ઉત્થાનની જવાબદારી માટે સરકારે જ નહીં પરંતુ સમાજે પણ આગળ આવવું પડશે.

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતની વિશેષ ઉપસ્થિતિમાં આયોજિત આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જે સામાજિક સંસ્થાઓ તથા સામાજિક કાર્યકર્તાઓ તેમજ છેવાડાના લોકોનો અગાઉના મન કી બાત કાર્યક્રમમાં ઉલ્લેખ કર્યો હતો તેવા મહાનુભાવો ખાસ ઉપસ્થિતરહ્યા હતા. આઉપરાંત પદ્મ પુરસ્કારથી સન્માનિત મહાનુભાવો તેમજ વિવિધ ક્ષેત્રના ગણમાન્ય લોકો પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સમારોહના અંતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત દ્વારા જેમને મન કી બાતમાં પ્રધાનમંત્રીએ યાદ કર્યા છે તેવા 18 મહાનુભાવોનું સ્મૃતિચિન્હ આપીને સન્માન કરવામાં આવ્યું હતું. 

સમારોહના આરંભે સૂચના અને પ્રસારણ મંત્રાલયના એડીજી શ્રી પ્રકાશ મગદુમે સ્વાગત ઉદબોધન કર્યું હતું. 'મન કી બાત'ના 100મા એપિસોડના આ વિશેષ પ્રસારણમાં કલા અને સાહિત્ય ક્ષેત્રના આગેવાનો, આગેવાન ખેડૂતો, અગ્રણી ઉદ્યોગપતિઓ, શિક્ષણ અને મેડિકલ ક્ષેત્ર સાથે સંકળાયેલા મહાનુભાવો અને મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.

YP/GP/JD

 

 

 

 



(Release ID: 1920932) Visitor Counter : 158