માહિતી અને પ્રસારણ મંત્રાલય
azadi ka amrit mahotsav

એકતાનગર ખાતે આકાશવાણીના મુદ્રાલેખ “બહુજન હિતાય બહુજન સુખાય” મંત્રને સાકાર કરતું નવું રેડિયો સ્ટેશન કાર્યરત


દેશમાં રેડિયો કનેક્ટિવિટીને પ્રોત્સાહન આપવાના પગલા રૂપે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આજે 91 FM ટ્રાન્સમિટર્સનું ઓનલઈન વર્ચ્યુઅલ માધ્યમથી ઉદ્ઘાટન કર્યું

એકતાનગર ખાતેના 100 વોટનું FM રેડિયો ટ્રાન્સમિટર ઉપલબ્ધ થતા હવે નાગરિકો 100.1 MHZ પર રેડીયો, કાર રેડીયો, મોબાઈલ સહિતના ઉપકરણો થકી આકાશવાણીની પ્રસારણ સેવાનો લાભ લઈ શકશે

નીતિ આયોગ દ્વારા નક્કી કરાયેલા મહત્વાકાંક્ષી જિલ્લાઓ અને સરહદી વિસ્તારોમાં કનેક્ટિવિટી વધારવાના ભાગરૂપે નર્મદા જિલ્લામાં વધુ એક સુવિધામાં ઉમેરો થયો

Posted On: 28 APR 2023 4:45PM by PIB Ahmedabad

એકતા નગર -દેશમાં રેડિયો કનેક્ટિવિટીને પ્રોત્સાહન આપવાના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના દુરંદેશી પ્રયાસોથી આજે  સમગ્ર દેશમાં 91 FM ટ્રાન્સમિટર્સનું ઉદ્ઘાટન કરવામાં આવ્યા છે. જેમાં ખાસ કરીને દેશના મહત્વાકાંક્ષી જિલ્લાઓ અને સરહદી વિસ્તારોમાં કનેક્ટિવિટી વધારવા પર વિશેષ ધ્યાન આપવાના ભાગરૂપે નીતિ આયોગ દ્વારા નક્કી કરાયેલા મહત્વાકાંક્ષી જિલ્લાઓ પૈકીના ગુજરાતના નર્મદા જિલ્લામાં આવેલી સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી વિરાટ પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીના સાનિધ્યમાં પણ નવું 100 વોટનું આકાશવાણી FM રેડિયો ટ્રાન્સમિટર 100.1 MHZ નું પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગના વર્ચ્યુઅલ માધ્યમથી ઉદ્ઘાટન કર્યું. આ રેડિયો સ્ટેશન થકી 15 કિ.મી.ના વિસ્તારને કનેક્ટિવિટીથી આવરી લેવામાં આવશે અને આકાશવાણીના મુદ્રાલેખ “બહુજન હિતાય બહુજન સુખાય” મંત્રને સાકાર કરશે.

એકતાનગર ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં ભરૂચના સાંસદશ્રી મનસુખભાઈ વસાવા, છોટાઉદેપુરના સાંસદ શ્રીમતી ગીતાબેન રાઠવા, નાંદોદના ધારાસભ્યશ્રી ડો. દર્શનાબેન દેશમુખ અને પદ્મશ્રી એવોર્ડ 2022 વિજેતા શ્રીમતી રમીલાબેન ગામીત તથા પદ્મશ્રી પરેશભાઈ રાઠવા અને  વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીશ્રીઓ તથા પ્રસાર ભારતીના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સમગ્ર દેશમાં FM કનેક્ટિવિટી વધારવા માટે કેન્દ્ર સરકાર પ્રતિબદ્ધ છે. 18 રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોના 84 જિલ્લાઓમાં કુલ 91 નવા 100 વોટના FM ટ્રાન્સમીટર સ્થાપિત કરવામાં આવ્યા છે. જેમાં ગુજરાત સહિત બિહાર, ઝારખંડ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, આંધ્ર પ્રદેશ, કેરળ, તેલંગાણા, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, લદ્દાખ અને આંદામાન અને નિકોબાર ટાપુઓ સામેલ છે. ઓલ ઈન્ડિયા રેડિયોની એફ.એમ. સેવાના આ વિસ્તરણ સાથે વધારાના 2 કરોડ લોકો કે જેમની પાસે માધ્યમનો ઉપયોગ ન હતો, તેમને હવે આવરી લેવામાં આવશે. આ નવા રેડિયો સ્ટેશનનના માધ્યમથી દેશના અંદાજે 35000 ચોરસ કિલોમીટર વિસ્તારમાં રેડિયો કવરેજનું વિસ્તરણ થશે. આજે  શરૂ થયેલી  આ સેવાથી નાગરિકો 100.1 MHz ફ્રિક્વન્સી ઉપર રેડીયો, કાર રેડીયો, મોબાઈલ સહિતના ઉપકરણોમાં આકાશવાણીની પ્રસારણ સેવાનો સવારે 6.00 કલાકથી રાત્રિના 11.00 વાગ્યા સુધી નિયમિતપણે આનંદ માણી શકશે.

YP/GP/JD


(Release ID: 1920530) Visitor Counter : 154