સંસ્કૃતિ મંત્રાલય

મદુરાઈથી ટ્રેનમાં વેરાવળ આવી પહોંચેલા તમિલ બાંધવોને મંત્રીશ્રીઓએ લાગણીભેર આવકાર્યા


અમારા મનમાં વતનને મળવાનો હરખ છે અને અહીં બધા લોકો અમારા છે એવી ભાવના મનમાં લઈ પહોંચ્યા સોમનાથ

ઝારખંડના રાજ્યપાલ શ્રી સીપી રાધાકિષ્ણન સહિત મંત્રીશ્રીઓ શ્રી પરષોત્તમભાઈ રૂપાલા, શ્રી એલ.મુરૂગન અને ઋષિકેશભાઈ પટેલ તેમજ તંજાવૂર સ્ટેટ મહારાજા શ્રી બાબાજી રાજા ભોંસલેએ તમિલ મહેમાનોને ગુલાબ આપી સત્કાર્યા

Posted On: 26 APR 2023 2:44PM by PIB Ahmedabad

અમારા મનમાં વતનને મળવાનો હરખ છે અને અહીં બધા લોકો અમારા છે એવી ભાવના મનમાં લઈ મદુરાઈથી ટ્રેનમાં વેરાવળ આવી પહોંચેલા તમિલ બાંધવોને ઝારખંડના રાજ્યપાલ શ્રી સીપી રાધાકિષ્ણન, કેન્દ્રીય મંત્રીશ્રી પરષોત્તમભાઈ રૂપાલા, કેન્દ્રીય માહિતીપ્રસારણ, મતસ્ય, પશુપાલન અને ડેરી ઉદ્યોગ રાજ્યમંત્રી શ્રી એલ.મુરૂગન તથા આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલ સહિત અગ્રણીઓએ હરખભેર આવકાર્યા હતાં.

કુમકુમ તિલક કરી ૩૦૦થી વધુ મૂળ સૌરાષ્ટ્રના તમિલિયન મહેમાનોનું લાલ જાજમ પર ઉમળકાભેર ગુલાબ આપી મંત્રીશ્રીઓ સહીતના મહાનુભાવો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સમયે 'ભારત માતા કી જય' અને 'જય સોમનાથ'ના જયઘોષથી વાતાવરણ ઉર્જાસભર બન્યું હતું. ભવ્ય સ્વાગત કરાતા પ્રવાસીઓએ હર્ષની લાગણી વ્યક્ત કરી હતી અને આ તકે સૌરાષ્ટ્રીયન તમિલોએ વતન સાથે ફરી જોડાવાની તક આપવા બદલ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનો ખુબ આભાર માન્યો હતો.

વતનની મુલાકાતે આવેલા બંધુઓ હરખભેર આવકાર પામી ભાવવિભોર થયા હતાં. દસ દિવસીય કાર્યક્રમના ભાગરૂપે છેલ્લા દિવસે તમિલ મહેમાનોને આવકારવા માટે પૂર્વ મંત્રીશ્રી જસાભાઈ બારડ, બીજ નિગમના પૂર્વ ચેરમેનશ્રી રાજશીભાઈ જોટવા સહિતના અગ્રણીશ્રીઓ વિવિધ કોલેજો અને શાળાઓના શિક્ષકો, વિદ્યાર્થીઓ તેમજ સૌરાષ્ટ્રના દરેક સમુદાયના લોકો પણ બહોળા પ્રમાણમાં ઉપસ્થિત રહ્યા હતા.

YP/DT/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1919798) Visitor Counter : 102