સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય
ખેડા લોકસભા વિસ્તારમાં – સાંસદ ખેલ સ્પર્ધા 2023 યોજાશે
10 એપ્રિલથી રજિસ્ટ્રેશન શરૂ, 24 એપ્રિલથી 14 મે સુધી સ્પર્ધાઓ યોજાશે
Posted On:
08 APR 2023 6:31PM by PIB Ahmedabad
ખેડા લોકસભા વિસ્તારમાં સાંસદ ખેલ સ્પર્ધા-2023 યોજાશે. કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી અને ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણ દ્વારા આ ખેલ સ્પર્ધાઓ પ્રાયોજિત છે. આગામી તા. 24 એપ્રિલથી 14 મે સુધી આ સ્પર્ધાઓ ખેડા લોકસભા વિસ્તારમાં સમાવિષ્ટ માતર, નડિયાદ, મહેમદાબાદ, કપડવંજ, મહુધા, ધોળકા અને દસક્રોઈ વિસ્તારોમાં યોજાશે.
ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણ દ્વારા સાંસદ ખેલ સ્પર્ધા 2022 યોજાઈ હતી. જેમાં કબડ્ડી, રસ્સાખેંચ, સૂર્ય નમસ્કાર, ચેસ, કેરમ, સ્કેટિંગ, વોલિબોલ જેવી રમતોમાં 4800થી વધુ રમતવીરોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સાંસદ ખેલ સ્પર્ધાઓનાં અંતે નડિયાદ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ભવ્ય ઈનામ વિતરણ સમારંભ યોજાયો હતો. જેમાં કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણ સહિત અન્ય રાજકીય અગ્રણીઓ, ખેડા લોકસભા વિસ્તારમાં સમાવિષ્ટ વિધાનસભા વિસ્તારના ધારાસભ્યો, રમતવીરો તથા રમતપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ભવ્ય પ્રતિસાદ આપ્યો હતો. જેના પગલે આ વર્ષે પણ સાંસદ ખેલ સ્પર્ધા 2023નું આયોજન કરાયું છે. જેમાં ખેડા લોકસભા વિસ્તારમાં સમાવિષ્ટ માતર, નડિયાદ, મહેમદાબાદ, કપડવંજ, મહુધા, ધોળકા અને દસક્રોઈ વિધાનસભા વિસ્તારોમાં આ સ્પર્ધાઓ યોજાશે અને તે વિસ્તારના સ્પર્ધકો ભાગ લઈ શકશે. વોલીબોલ (શૂટિંગ-સ્મેશિંગ), સ્કેટિંગ, રસ્સાખેંચ, કરાટે જેવી સ્પર્ધાઓ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારના રમતવીરોને તથા વિસરાયેલી રમતોને પ્રોત્સાહન આપવાના અભિગમથી કબડ્ડી, કોથળા દોડ, લીંબુ ચમચી જેવી રમતોનો પણ આ સ્પર્ધામાં સમાવેશ કરાયો છે. સાંસદ ખેલ સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છુક ખેલાડીઓ તા 10 એપ્રિલથી ગૂગલ ફોર્મ દ્વારા રજિસ્ટ્રેશન કરી શકશે. સ્પર્ધાઓ તા. 24 એપ્રિલથી 14 મે સુધી યોજાશે. આ અંગે વધુ વિગત મેળવવા સાંસદ સેવા કેન્દ્ર, જૂની કલેક્ટર કચેરી, નડિયાદ, ફોન નં. 0268-2565000 પર સંપર્ક કરી શકાશે.
YP/GP/JD
(Release ID: 1914915)
Visitor Counter : 232