Ministry of Home Affairs

ગુજરાતના શ્રી હેમંત ચૌહાણને કલાના ક્ષેત્રમાં પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા

Posted On: 05 APR 2023 8:00PM by PIB Ahmedabad

ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે નવી દિલ્હીમાં સિવિલ ઇન્વેસ્ટિચર સમારોહમાં ગુજરાત તરફથી શ્રી હેમંત ચૌહાણને કલાના ક્ષેત્રમાં પદ્મશ્રી એનાયત કર્યો હતો.

શ્રી હેમંત ચૌહાણ એક પ્રખ્યાત ભજન અને લોક ગાયક છે.

02 એપ્રિલ, 1955ના રોજ જન્મેલા શ્રી ચૌહાણે તેમનું બાળપણ રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના નાનકડા કુંદણી ગામમાં વિતાવ્યું અને ત્યાં તેમનું પ્રાથમિક શિક્ષણ મેળવ્યું. તેમણે રાજકોટમાંથી જ ઈકોનોમિક્સમાં ગ્રેજ્યુએશન કર્યું છે. તેમણે ગુજરાત સરકારના વિવિધ વિભાગોમાં ક્લાર્ક તરીકે કામ કર્યું હતું. પરંતુ મૂળભૂત રીતે, તેઓ ભજનોના જીવન સાથે જોડાયેલા હતા. જ્યાં જ્યાં ભજનનો નાદ સંભળાતો ત્યાં તે બેસીને ભજન ગાતા. તેથી, સરકારી નોકરી તેમને રોકી શકી નહીં. ટૂંક સમયમાં જ તેમણે નોકરી છોડી દીધી અને ભજન ગાવાના જીવનમાં ડૂબી ગયા. 1971 માં, તેમણે રાજકોટમાં શાસ્ત્રીય સંગીતની તાલીમ લીધી, જેથી તેમના સ્વર કોર્ડને પરિપક્વ કરવામાં મદદ મળી. ત્યારબાદ, 1976માં ઓલ ઈન્ડિયા રેડિયો, રાજકોટ ખાતે 'બી' ગ્રેડના સંગીત કલાકાર તરીકે તેમની પસંદગી થઈ. તેમના સમગ્ર જીવનને ભજન ભક્તિમાં પરિવર્તિત કરવા માટે આ એક વળાંક સાબિત થયો.

સમય જતાં, શ્રી ચૌહાણે આકાશવાણીમાં ‘બી’ ગ્રેડમાંથી ‘ટોપ’ ગ્રેડ સુધીની સફર કરી. આજે તેમના દ્વારા ગાયેલા સેંકડો ભજનો આકાશવાણી પુસ્તકાલયમાં સંગ્રહિત છે. તેમણે ગુજરાત રાજ્ય સહિત દેશના વિવિધ ભાગોમાં અસંખ્ય સંગીત સમારોહમાં રજૂઆત કરી છે. માત્ર 'એકતારા' પર જ ભજન ગાનારા કલાકારોની ભરમારમાં તેઓ એકમાત્ર કલાકાર છે. તેમણે સૌરાષ્ટ્રના નાના-નાના ગામડાઓમાં પણ પ્રવાસ કર્યો, પ્રખ્યાત અથવા અનામી સંત કવિઓના ભજનોનું સંશોધન કર્યું અને શોધ્યું. પ્રાચીન ભજનો ઉપરાંત, તેમણે ઘણાં લોકગીતો અને ગરબા પણ ગાયા છે. તેઓ છેલ્લા પચીસ વર્ષથી સતત દિલ્હીની સંગીત, નૃત્ય અને નાટ્ય અકાદમી સાથે જોડાયેલા છે. તેમણે આ સંસ્થા દ્વારા આયોજિત દેશ-વિદેશમાં એટલે કે જાપાન, ફ્રાન્સ, યુકે, ગ્રીસ, યુએસએ કેનેડા, ન્યુઝીલેન્ડ અને અન્ય દેશોમાં વિવિધ કાર્યક્રમોમાં પરફોર્મન્સ આપ્યું છે.

શ્રી ચૌહાણે અત્યાર સુધી ગાયેલા 8200 પ્લસ કમ્પોઝિશનને કારણે તેમને ‘વર્લ્ડ બુક ઓફ યુકે’માં સ્થાન મળ્યું છે. તેમને ગુજરાત સરકાર દ્વારા 'ગૌરવ પુરસ્કાર' પણ એનાયત કરવામાં આવ્યો છે. તેમણે ગુજરાતી ફિલ્મોમાં પોતાનો અવાજ આપ્યો છે અને પુરૂષ ગાયક તરીકે ઘણા એવોર્ડ જીત્યા છે. તેમને ‘શૈક્ષણિક રત્ન’ એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે.

GP/JD

 



(Release ID: 1914030) Visitor Counter : 100