ગૃહ મંત્રાલય
azadi ka amrit mahotsav

ભારતના રાષ્ટ્રપતિએ સિવિલ ઇન્વેસ્ટિચર સમારંભમાં ગુજરાતમાંથી પ્રો. બાલકૃષ્ણ દોશી (મરણોપરાંત)ને આર્કિટેક્ચર ક્ષેત્રે પદ્મ વિભૂષણ પુરસ્કાર એનાયત કર્યો


રાષ્ટ્રપતિએ શ્રી ભાનુભાઇ ચુનીલાલ ચિતારા અને શ્રી મહીપતરાય પ્રતાપરાય કવિને કળા ક્ષેત્રે પદ્મશ્રી પુરસ્કાર પણ એનાયત કર્યો

રાષ્ટ્રપતિએ સામાજિક કાર્ય ક્ષેત્રે શ્રીમતી હીરબાઇબેન ઇબ્રાહીમભાઇ લોબી તેમજ વિજ્ઞાન અને એન્જિનિયરિંગ ક્ષેત્રે પ્રો. (ડૉ.) મહેન્દ્ર પાલને પણ પદ્મ પુરસ્કાર એનાયત કર્યો

પોસ્ટેડ ઓન: 22 MAR 2023 8:32PM by PIB Ahmedabad

ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે અહીં યોજવામાં આવેલા સિવિલ ઇન્વેસ્ટિચર સમારંભ (નાગરિક પુરસ્કાર સમારંભ)માં ગુજરાતમાંથી પ્રો. બાલકૃષ્ણ દોશી (મરણોપરાંત)ને આર્કિટેક્ચર ક્ષેત્રે પદ્મ વિભૂષણ પુરસ્કાર એનાયત કર્યો હતો. રાષ્ટ્રપતિએ શ્રી ભાનુભાઇ ચુનીલાલ ચિતારા અને શ્રી મહીપતરાય પ્રતાપરાય કવિને કળા ક્ષેત્રે પદ્મશ્રી એવોર્ડ પણ એનાયત કર્યો હતો. ઉપરાંત, રાષ્ટ્રપતિએ શ્રીમતી હીરબાઇબેન ઇબ્રાહીમભાઇ લોબીને સામાજિક કાર્ય ક્ષેત્રે તેમજ પ્રો. (ડૉ.) મહેન્દ્ર પાલ વિજ્ઞાન અને એન્જિનિયરિંગ ક્ષેત્રે પદ્મ પુરસ્કાર એનાયત કર્યો હતો.

પુરસ્કાર વિજેતાઓના જીવન અને કાર્ય વિશે અહીં સંક્ષિપ્ત વિવરણ આપવામાં આવ્યું છે-

  1. પ્રો. બાલકૃષ્ણ દોશી (મરણોપરાંત)ને આર્કિટેક્ચર ક્ષેત્રે પદ્મ વિભૂષણ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે.

 

પ્રો. બાલકૃષ્ણ દોશી રોયલ ઇન્સ્ટિટ્યુટ ઓફ બ્રિટિશ આર્કિટેક્ટ અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ આર્કિટેક્ટના ફેલો હતા. જે.જે. સ્કૂલ ઓફ આર્કિટેક્ચર, બોમ્બેમાં તેમણે પ્રારંભિક અભ્યાસ કર્યા પછી, પેરિસમાં તેમણે લે કોર્બ્યુઝિયર સાથે સિનિયર ડિઝાઇનર (1951-54) તરીકે ચાર વર્ષ સુધી કામ કર્યું હતું અને અમદાવાદમાં તેમના પ્રોજેક્ટ્સ પર દેખરેખ માટે વધુ ચાર વર્ષ સુધી ભારતમાં તેમના માટે કામ કર્યું. 1955માં તેમની ઓફિસ વાસ્તુશિલ્પ (પર્યાવરણીય ડિઝાઇન)ની સ્થાપના કરવામાં આવી હતી.

26 ઑગસ્ટ 1927ના રોજ જન્મેલા પ્રો. દોશી ઇન્દિરા ગાંધી નેશનલ સેન્ટર ફોર આર્ટસ, આગા ખાન એવોર્ડ ફોર આર્કિટેક્ચર અને પ્રિત્ઝકર પ્રાઇઝ સહિત અનેક આંતરરાષ્ટ્રીય તેમજ રાષ્ટ્રીય સ્પર્ધાઓ માટે જ્યુરીના સભ્ય રહી ચુક્યા હતા. તેઓ આર્કિટેક્ટ તરીકે આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ ધરાવતા હતા તે ઉપરાંત, તેઓ એક શિક્ષક તરીકે અને સંસ્થાના નિર્માતા તરીકે પણ એટલા જ જાણીતા હતા. તેઓ સ્કૂલ ઓફ આર્કિટેક્ચર (1962-72) અને સ્કૂલ ઓફ પ્લાનિંગ (1972-79), અમદાવાદના પ્રથમ સ્થાપક નિયામક હતા. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે જાણીતી સંશોધન સંસ્થા વાસ્તુશિલ્પ ફાઉન્ડેશન ફોર સ્ટડીઝ એન્ડ રિસર્ચ ઇન એન્વાયર્નમેન્ટલ ડિઝાઇનની સ્થાપના કરવામાં તેમણે મહત્વની ભૂમિકા ભજવી હતી. એક વિદ્વાન તરીકે, તેઓ 1958થી USA અને યુરોપની મુલાકાત લેતા રહ્યા હતા અને અમેરિકન યુનિવર્સિટીઓમાં ઘણી મહત્વપૂર્ણ ચેર સંભાળી હતી.

પ્રો. દોશી આધુનિક ભારતીય આર્કિટેક્ટ્સમાં મોખરે હતા અને ડઝનબંધ ટાઉનશીપ તેમજ અમદાવાદ ખાતેની CEPT યુનિવર્સિટી; નવી દિલ્હી સ્થિત નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ફેશન ટેકનોલોજી અને બેંગલોર સ્થિત ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટ સહિત કેટલાય શૈક્ષણિક સંકુલો માટેના તેમના ઉત્કૃષ્ટ પ્રોજેક્ટ્સનો શ્રેય તેમને મળ્યો હતો

પ્રો. દોશીની વ્યાવસાયિક કારકિર્દી ભારતમાં આધુનિક સ્થાપત્ય અને આયોજન શિક્ષણના પ્રણેતા અને ઉદગમ સ્રોત તરીકે ગણવામાં આવતી 1962માં અમદાવાદ ખાતે શરૂ કરવામાં આવેલી સ્કૂલ ઓફ આર્કિટેક્ચરના પ્રથમ સ્થાપક નિયામક તરીકે તેમની નિયુક્તિ સહિતની શૈક્ષણિક સિદ્ધિઓ સાથે મેળખાવા ઉપરાંત પણ ઘણી વિશિષ્ટ રહી હતી.

પ્રો. દોશીએ એક વ્યાવસાયિક અને શિક્ષણવિદ્ તરીકે આપેલા વિશિષ્ટ યોગદાનને બિરદાવીને, 1976માં ભારત સરકાર દ્વારા તેમને એનાયત કરવામાં આવેલા 'પદ્મશ્રી' પુરસ્કાર; 1993માં યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયા, યુએસએ તરફથી માનદ ડોક્ટરેટ; મેકગિલ યુનિવર્સિટી, કેનેડા 2006માં માનદ ડોક્ટરેટ; 1996માં આર્કિટેક્ચર માટે આગા ખાન પુરસ્કાર; 2000માં શહેરી આયોજન અને ડિઝાઇનમાં શ્રેષ્ઠતા બદલ પ્રધાનમંત્રીનો રાષ્ટ્રીય પુરસ્કાર; 2007માં ઇન્સ્ટિટ્યુટ ફ્રાન્કેઇસ્ડ આર્કિટેક્ચર, પેરિસ દ્વારા ગ્લોબલ એવોર્ડ ફોર લાઇફટાઇમ અચીવમેન્ટ ફોર સસ્ટેઇનેબલ આર્કિટેક્ચર; 2009માં ફ્રેંચ રિપબ્લિક, સંસ્કૃતિ અને સંચાર મંત્રાલય તરફથી ઓફિસર ઇન ધ ઓર્ડર ઓફ આર્ટ્સ એન્ડ લેટર; 2018માં પ્રિત્ઝકર આર્કિટેક્ચર પુરસ્કાર; 2020માં ભારત સરકાર દ્વારા 'પદ્મ ભૂષણ'; 2021માં અમેરિકન એકેડેમી ઓફ આર્ટસ એન્ડ લેટર્સમાં વિદેશી માનદ સભ્યપદ અને 2022માં RIBA રોયલ સુવર્ણ ચંદ્રક જેને મહામહિમ સ્વર્ગીય રાણી એલિઝાબેથ દ્વારા વ્યક્તિગત રીતે મંજૂરી આપવામાં આવી હતી અને જેને આર્કિટેક્ચર માટે વિશ્વના સર્વોચ્ચ સન્માનોમાંનું એક માનવામાં આવે છે તે સહિત અનેક આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય પુરસ્કારો અને સન્માનો તેમને એનાયત કરવામાં આવ્યા હતા.

24 જાન્યુઆરી 2023ના રોજ પ્રો. દોશીનું અવસાન થયું હતું.

 

  1. શ્રી ભાનુભાઇ ચુનીલાલ ચિતારાને કળા ક્ષેત્રે પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો.

શ્રી ભાનુભાઇ ચિતારા માતાની પછેડી કારીગરીના ખૂબ જ પ્રતિષ્ઠિત કારીગર છે, જેઓ આ પરંપરાગત કળાના સ્વરૂપને જીવનભર સમર્પિત રહેવા બદલ જાણીતા છે.

26 ઓક્ટોબર 1957ના રોજ ગુજરાતના અમદાવાદમાં જન્મેલા શ્રી ચિતારાએ તેમના માતા-પિતા પાસેથી હસ્તકળા શીખી હતી. તેમણે તેમનું આખું જીવન માતાની પછેડી હસ્તકળાના ક્ષેત્રમાં કામ કરવા માટે સમર્પિત કરી દીધું છે, જેમાં તેઓ હિન્દુ પૌરાણિક કથાઓ અને ધાર્મિક કથાઓના દૃશ્યોનું નિરૂપણ કરતા સુંદર અને જટિલ ચિત્રો બનાવે છે. તેમની રચનાઓમાં ઘેરા અને નજરમાં આવી જાય તેવા રંગો, ઝીણવટભરી કારીગરી અને અદભૂત રચનાઓ તેની ખાસ ઓળખ છે, જે તમામ લોકોની કલ્પનાશક્તિને આકર્ષિત કરે છે.

વર્ષો સુધી આ કામમાં જોડાયેલા શ્રી ચિતારા માતાની પછેડી હસ્તકળા બદલ સમગ્ર ભારતમાં અત્યંત આદરણીય વ્યક્તિ બની ગયા છે. માતાની પછેડી હસ્તકળા એ પરંપરાગત કળાનું એક સ્વરૂપ છે જેનો ઇતિહાસ 750 વર્ષ કરતાં પણ જૂનો છે. તે એક પ્રકારનું ધાર્મિક ચિત્રકામનું એક સ્વરૂપ છે જેનો આરંભ ગુજરાત થયો છે અને તેમાં હિન્દુ પૌરાણિક કથાઓ અને ધાર્મિક કથાઓના દૃશ્યોનું નિરૂપણ કરવામાં આવે છે. કળાનું આ સ્વરૂપ તેની ઝીણવટભરી કારીગરી, ઘેરા અને દેખાઇ આવે તેવા રંગો તેમજ અદભૂત રચનાઓ માટે ખૂબ જ બિરદાવવામાં આવે છે. આ હસ્તકળાનું એક અનોખું પરિબળ એ છે કે, પરિવારોમાં પેઢીઓથી વારસાગત રીતે આ કળાનું જતન કરવામાં આવ્યું છે. તેમણે દેશભરમાં વિવિધ પ્રદર્શનો અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લીધો, તેમની અદભૂત રચનાઓનું પ્રદર્શન કર્યું છે અને આ પરંપરાગત કળાના સ્વરૂપ વિશે લોકોમાં જાગૃતિ ફેલાવી છે. તેમની કૃતિઓ માત્ર કળાના સુંદર નમુનાઓ જ નથી હોતી, પરંતુ તેની પાછળ એક ઊંડો ઉદ્દેશ્ય પણ પૂરો પાડેલો હોય છે. આ કૃતિઓ ધાર્મિક જાગૃતિ ફેલાવવાના અને લોકોને તેમની આધ્યાત્મિક આસ્થાઓ સાથે જોડવામાં મદદ કરવાના ઉદ્દેશ્યથી બનાવવામાં આવે છે.

શ્રી ચિત્રાએ તેમનું જ્ઞાન અને કૌશલ્ય તેમના પરિવારના સભ્યો સુધી પહોંચાડ્યું, અને આ હસ્તકળા આવનારી પેઢીઓ સુધી વિકાસ પામતી રહે અને તેની પ્રગતી થતી રહે તેવું સુનિશ્ચિત કર્યું છે. અન્ય ઘણા લોકોના યોગદાન સાથે આ હસ્તકળા માટે તેમણે આપેલું યોગદાને, આ સુંદર પરંપરાગત કળાના સ્વરૂપને જાળવવામાં અને પ્રોત્સાહન આપવામાં મદદ કરી છે. તેનાથી આવનારી ઘણી પેઢીઓ માટે આ કળા લોકોના જીવનને પ્રેરણા આપવાનું અને સ્પર્શ કરવાનું ચાલુ રાખશે તેવું સુનિશ્ચિત થઇ શક્યું છે.

આ ક્ષેત્રમાં શ્રી ચિતારાના યોગદાનને ભારત સરકાર દ્વારા બે અલગ-અલગ પ્રસંગોએ બિરદાવવામાં આવ્યું હતું. 2006માં, તેમને માતાની પછેડી હસ્તકળાના ક્ષેત્રમાં તેમના અસાધારણ કાર્ય બદલ રાષ્ટ્રીય ગુણવત્તા પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. 2012માં, તેમને માતાની પછેડી હસ્તકળામાં તેમણે આપેલા ઉત્કૃષ્ટ યોગદાન બદલ રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો. તેમની કળાના અદભૂત કાર્યોએ માત્ર હિન્દુ પૌરાણિક કથાઓ અને ધાર્મિક ગાથાઓનો સાર રજૂ કરવાની સાથે સાથે આ આસ્થાઓની જાગૃતિ અને તેમના વિશે સમજણ ફેલાવવામાં પણ મદદ કરી છે. આ પુરસ્કારો માતાની પછેડી હસ્તકળાના ક્ષેત્રમાં તેમની પ્રતિભા, સમર્પણ અને સખત પરિશ્રમના પ્રમાણપત્ર તરીકે અડીખમ છે.

 

  1. શ્રી મહીપતરાય પ્રતાપરાય કવિને કળાના ક્ષેત્રમાં પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા.

શ્રી મહીપતરાય પ્રતાપરાય કવિ (કવિ તરીકે જાણીતા) એક આંતરરાષ્ટ્રીય કઠપૂતળી કલાકાર છે અને 1973માં સ્થાપવામાં આવેલા "પપેટ્સ એન્ડ પ્લેઝ"ના સ્થાપક છે.

28 માર્ચ 1931ના રોજ જન્મેલા શ્રી કવિએ દર્પણ એકેડેમી ઓફ પરફોર્મિંગ આર્ટ્સમાંથી અભિનયમાં ડિપ્લોમાનો અભ્યાસ કર્યો હતો અને એકેડેમીમાં ભજવવામાં આવતા અનેક નાટકોમાં તેમણે ભાગ લીધો હતો. તેઓ 1960-1970 સુધી એકેડમીમાં હતા. જો કે, એકેડેમીમાં તેમના કાર્યકાળ દરમિયાન, તેઓ તેમની અભિનય કારકિર્દીથી સંતુષ્ટ ન હતા અને હંમેશા તેમને લાગ્યા કરતું હતું કે, કંઇક ખૂટે છે આથી તેમણે કંઇક નવું શોધવાનું શરૂ કર્યું. તે સમયે, તેમણે મહેરબેન કોન્ટ્રાક્ટરને તેમની કઠપૂતળીઓથી ખેલ કરતા જોયા. એવો ખેલ કરતા જોયા પછી, તેમને ખાતરી થઇ ગઇ કે પપેટ્રી તેમના માટે જ છે અને તે જ સમયે તેમણે આ ક્ષેત્રમાં ઝંપલાવવાનું નક્કી કર્યું.

શ્રી કવિએ તેમના ગુરુ મેહરબેન કોન્ટ્રાક્ટરના માર્ગદર્શન હેઠળ કઠપૂતળીની કળા શીખી હતી અને આ કળા શીખતી વખતે, તેમને સમજાયું કે આ કળા પરફોર્મ કરવા માટે, કઠપૂતળીના કલાકારે કળાના અન્ય સ્વરૂપો જેમ કે વાચક, લેખક, કવિ, અભિનેતા, ડ્રોઇંગ, શિલ્પકાર, સંગીત અને વિવિધ ભાષાઓ પર પ્રભૂત્વ વગેરેમાં પણ નિપુણ થવું જરૂરી છે.

આજદિન સુધીમાં, શ્રી કવિએ ગુજરાતી, હિન્દી, સિંધી, ઉર્દૂ, અંગ્રેજી અને ફ્રેન્ચ જેવી વિવિધ ભાષાઓમાં 200થી વધુ નાટકો લખ્યા અને દિગ્દર્શિત કર્યા છે. તેમણે ભારત અને વિદેશમાં 4000થી વધુ શો કર્યા છે. તેમણે કૃષ્ણલીલા (ફ્રેન્ચ અને અંગ્રેજી જેવી ભાષાઓમાં ચામડાની કઠપૂતળીથી પ્રસ્તૂતિ); રામાયણ (ફ્રેન્ચ અને અંગ્રેજી જેવી ભાષાઓમાં ચામડાની કઠપૂતળીઓથી પ્રસ્તૂતિ); ઉમર મારવી (સિંધી ભાષામાં સળિયા અને હાથમોજાંની કઠપૂતળીઓથી પ્રસ્તૂતિ); પંચતંત્રની વાર્તાઓ (ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીમાં પ્રસ્તૂતિ); ટાગોરના ડાકઘર (પોસ્ટ-ઓફિસ) અને ભરતેન્દુ હરિશ્ચંદ્રના અંધેર નગરી ચૌપટ રાજા જેવા કેટલાય નાટકો દ્વારા ભારતીય ઇતિહાસ, સંસ્કૃતિ અને વારસો દુનિયા સમક્ષ રજૂ કરવા માટે આ કળાનો સફળતાપૂર્વક ઉપયોગ કર્યો છે.

શ્રી કવિએ વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ જેમ કે CEPT, PDPU, ગુજરાત યુનિવર્સિટી ડિપાર્ટમેન્ટ ઓફ જર્નાલિઝમ વગેરેમાં કઠપૂતળી અંગેના વર્કશોપ પણ યોજ્યા છે. તેમણે બાળકોના શિક્ષણમાં કઠપૂતળી, સામાજિક હિતો અને જાગૃતિ વગેરે માટે કઠપૂતળીનો સમાવેશ કરવા માટે કેટલાક અભ્યાસક્રમો પણ ડિઝાઇન કર્યા છે.

શ્રી કવિને અનેક પુરસ્કારો અને સન્માનો એનાયત કરવામાં આવ્યા છે જેમ કે, 1993-94માં સંગીત નાટક અકાદમી, ગુજરાત દ્વારા ગૌરવ પુરસ્કાર; 2000-01માં ગુજરાત સરકાર દ્વારા ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર; 2012માં સંગીત નાટક અકાદમી, નવી દિલ્હી દ્વારા ટાગોર પુરસ્કાર; 2018માં ગુજરાત લોક કળા રાષ્ટ્રીય -ગૌરવ પુરસ્કાર.

  1. શ્રીમતી હીરબાઇબેન ઇબ્રાહીમભાઇ લોબીને સામાજિક કાર્ય ક્ષેત્રે પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો.

 

 

સિદ્દી મહિલા સંઘ તરીકે પણ ઓળખાતા આદિવાસી મહિલા સંઘના પ્રમુખ શ્રીમતી હીરબાઇબેન ઇબ્રાહીમભાઇ લોબી, સિદ્દી સમાજ અને મહિલા સશક્તિકરણ, તેમના શિક્ષણ અને ઉત્કર્ષ માટેના તેમણે કરેલા કાર્યો બદલ જાણીતા છે. આદિવાસી મહિલા સંઘમાં 42 મહિલા વિકાસ મંડળોના 550 સિદ્દી સભ્યો છે. તેમણે 2004માં મહિલા વિકાસ મંડળની સ્થાપના કરી હતી. તેમણે કોઇપણ ચૂંટણીમાં ભાગ લીધો નથી પરંતુ તેમના સમુદાય, જેમાં ખાસ કરીને મહિલાઓના જીવનને વધુ સારું બનાવવાના તેમના પ્રયાસોના પરિણામે તેઓ ગામડાના નેતા તરીકે ઉભરી આવ્યા છે.

1 જાન્યુઆરી 1953ના રોજ જન્મેલા શ્રીમતી હીરબાઇબેન ગુજરાતના ગીરમાં આવેલા જાંબુર ગામના વતની છે. તેમણે નાની ઉંમરે તેના માતા-પિતાની છત્રછાયા ગુમાવી હતી અને તેમનો ઉછેર તેમના દાદી દ્વારા થયો હતો. તેમણે કોઇ પણ પ્રકારનું પાયાનું શિક્ષણ મેળવ્યું ન હતું અને શાળા કે કોલેજમાં ક્યારેય ભણવા ગયા નહોતા. તેમના લગ્ન નાની ઉંમરે શ્રી ઇબ્રાહીમભાઇ લોબી સાથે થયા હતા. તેમણે તેમના પિતા તરફથી મળેલી જમીનના નાના ટુકડા પર તેના પતિની મદદથી ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. આધુનિક સાધનોના અભાવના કારણે તેઓ હાથ વડે જમીન ખેડતા હતા.

શ્રીમતી હીરબાઇબેન સિદ્દી સમુદાયના સભ્ય છે. જાંબુરની કુલ વસ્તીમાં 98% સિદ્દી લોકો છે. સિદ્દી મૂળ રૂપે આફ્રિકન આદિવાસીઓ છે જેમને લગભગ 400 વર્ષ પહેલાં જૂનાગઢના શાસક માટે ગુલામ તરીકે ભારતમાં લાવવામાં આવ્યા હતા. ગુજરાતના સૌથી પછાત સમુદાયોમાંના એક સિદ્દીઓ દાયકાઓથી અંધકાર, ઉપેક્ષા અને અવજ્ઞાની સ્થિતિમાં જીવી રહ્યા છે. તેમણે અન્ય મહિલાઓના જીવનમાં પરિવર્તન લાવવા માટે સંકલ્પબદ્ધ લીધો. તેઓ સૌરાષ્ટ્રના 18 ગામડાઓમાં મૌન ક્રાંતિનું નેતૃત્વ કરી રહ્યાં છે. તેમણે હાથ ધરેલી પહેલોમાં સહકારી ચળવળ, કુટુંબ નિયોજન અને સિદ્દીઓ માટે નાની બચત ક્લબનો સમાવેશ થાય છે. તેઓ ટ્રેડમાર્ક સિદ્દીસ વર્મીકમ્પોસ્ટ (છાણીયું ખાતર) પણ વેચી રહ્યા છે. હવે, મહિલા સંઘ દ્વારા લોન પણ આપવામાં આવે છે અને સ્વાસ્થ્ય સમસ્યાઓ અંગે જાગૃતિ ફેલાવવામાં આવે છે. તેમમે સિદ્દીઓ માટે સામુદાયિક શાળાના નિર્માણમાં પણ મદદ કરી છે અને આ રીતે 700થી વધુ મહિલાઓ અને બાળકોના જીવનમાં પરિવર્તન લાવ્યા છે.

શ્રીમતી હીરબાઇબેનને અનેક સન્માન અને પુરસ્કારો મળ્યા છે. 2001માં, તેમને જૂનાગઢની ગુજરાત કૃષિ યુનિવર્સિટી દ્વારા સન્માન પત્ર એનાયત કરવામાં આવ્યો હતો અને ફરીથી 2007 તેમજ 2012માં આ સન્માન એનાયત કરવામાં આવ્યું હતું. તેમને 2002માં વિમેન્સ વર્લ્ડ સમિટ ફાઉન્ડેશનનું 'પ્રાઇઝ ફોર વુમન ક્રિએટિવિટી ઇન રૂરલ લિવિંગ' (ગ્રામીણ જીવનમાં મહિલા સર્જનાત્મકતા પુરસ્કાર) અને 2006માં IMC લેડીઝ વિંગ દ્વારા ઉત્કૃષ્ટ મહિલા ગ્રામીણ ઉદ્યોગસાહસિકને આપવામાં આવતા 'જાનકીદેવી બજાજ પુરસ્કાર'; 2008માં હાર્મની સિલ્વર એવોર્ડ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો 'રીયલ હીરોઝ એવોર્ડ'થી સન્માનિત કરવામાં આવ્યા છે. તેમણે કરેલા ઉમદા કાર્યો બદલ તેમને સિનિયર સિટીઝન એવોર્ડ - CNN IBN, બિઝનેસ વુમન કમિટી - ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને અમોદિની એવોર્ડ -ગોડફ્રે ફિલિપ્સ બહાદુરી સહિત અનેક પુરસ્કારો પણ મળ્યા છે. પોતાને ઇનામમાં મળેલી રકમ તેમણે બાળકોના શાળાકીય શિક્ષણ અને સિદ્દી મહિલાઓના સશક્તિકરણ માટે દાનમાં આપી દીધી છે.

  1. પ્રો. (ડૉ.) મહેન્દ્ર પાલને વિજ્ઞાન અને એન્જિનિયરિંગ ક્ષેત્રે પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યા

 

 

ભારતમાં વેટરનરી માયકોલોજીના પિતામહ તરીકે ઓળખાતા પ્રો. (ડૉ.) મહેન્દ્ર પાલ એક પ્રતિષ્ઠિત વિદ્વાન, આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત વૈજ્ઞાનિક છે જેમણે વેટરનરી પબ્લિક હેલ્થ અને માઇક્રોબાયોલોજીમાં ઉત્કૃષ્ટ યોગદાન આપ્યું છે. તેમણે માયકોલોજી અને ઝૂનોસિસના ક્ષેત્રમાં અગ્રેસર અને શ્રેષ્ઠ કામગીરી કરી છે.

10 એપ્રિલ 1946ના રોજ જન્મેલા પ્રો. (ડૉ.) પાલને અનુક્રમે 1969,1975, 1981 અને 2008માં B.VSc. અને AH, MVPH, Ph.D. અને D.Sc. પ્રાપ્ત થયેલી છે. તેમણે ભારત અને વિદેશમાં વેટરનરી અને મેડિકલ કોલેજોમાં સેવા આપી છે, 610થી વધુ પેપર પ્રકાશિત કર્યા છે અને 8 પુસ્તકો લખ્યા છે. તેમણે પ્રાણીઓમાં વિવિધ રોગોમાં ઘણી ફૂગની ઇટીઓલોજિક ભૂમિકા સમજાવી છે અને વિશ્વભરના દેશોમાં વિવિધ ફૂગનો વ્યાપ સ્થાપિત કર્યો છે. તેમણે દુનિયાભરના વૈજ્ઞાનિકો સાથે સહયોગમાં કામ કર્યું છે. તેમણે સંશોધનના એટલા બધા ક્ષેત્રોને ઉજાગર કર્યા છે કે તેમની ઘણી સંશોધન કૃતિઓ સંબંધિત ક્ષેત્રોમાં સૌપ્રથમ વખત આવેલું અધિકૃત વૈજ્ઞાનિક સાહિત્ય છે.

ઇન્ટરનેશનલ જર્નલ ઓફ મેડિકલ એન્ડ વેટરનરી માયકોલોજી (જર્મની)ના નાયબ તંત્રી બનનાર "પ્રથમ એશિયન", પ્રો. (ડૉ.) પાલ સમકક્ષો દ્વારા સમીક્ષા કરવામાં આવતી સંખ્યાબંધ ઑનલાઇન વૈજ્ઞાનિક જર્નલોમાં માનદ એડિટર ઇન ચીફ, એડિટર, એસોસિયેટ એડિટર અને તંત્રી બોર્ડના સભ્ય પણ રહી ચુક્યા છે. તેઓ બીજા કેટલાય ઑનલાઇન વૈજ્ઞાનિક પ્રકાશનોના સલાહકાર રહ્યા છે અને તેમના નામનો ઉલ્લેખ કર્યા વિના પણ સંશોધન, પ્રકાશન અથવા શિક્ષણમાં મદદ કરવા હંમેશા તૈયાર છે.

પ્રો. (ડૉ.) પાલ "પ્રથમ ભારતીય પશુચિકિત્સક" છે જે જાપાનની યુનિવર્સિટી ઓફ ટોક્યોમાં JSPS વિઝિટિંગ સાયન્ટિસ્ટ બન્યા છે. તેમને નેશનલ એકેડેમી ઓફ વેટરનરી સાયન્સ અને કોરિયન સોસાયટી ઓફ વેટરનરી ક્લિનિકલ મેડિસિન, સિઓલ, દક્ષિણ કોરિયા દ્વારા ફેલોથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમણે બેલ્જિયમ, ન્યુઝીલેન્ડ અને ઇથોપિયા જેવા દેશોમાં કામ કર્યું છે. APRM અગર, સૂર્યમુખીના બીજ મીડિયમ (પાલ મીડિય), PHOL સ્ટેઇન અને નારાયણ સ્ટેન તેમના દ્વારા કરવામાં આવેલી કેટલીક ઉત્તમ આવિષ્કારી શોધ છે. પોતાનો નિશ્ચય અને વિશ્વાસને જાળવી રાખીને, તેમણે શાકાહારી ઘટકોમાંથી સંવર્ધન માધ્યમનો વિકાસ કર્યો છે અને તેનું પ્રદર્શન કર્યું છે.

વિવિધ આંતરરાષ્ટ્રીય વેબસાઇટ્સ પર અપલોડ કરવામાં આવેલા પ્રો. (ડૉ.) પાલના 400થી વધુ પેપર 125 દેશોના 100,000 વૈજ્ઞાનિકો દ્વારા જોવામાં આવ્યયા છે. તેમનું જીવનચરિત્ર હુઝ હૂ ઇન વર્લ્ડ, હુઝ હૂઝ હૂ ઇન એશિયા અને હુઝ હુ ઇન સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ પ્રકાશિત થયું છે.

પ્રો. (ડૉ.) પાલને પ્રતિષ્ઠિત શિક્ષક પુરસ્કાર; જવાહરલાલ નહેરુ પુરસ્કાર; સેન્ડોઝ મેડિકલ ટાઇમ્સ પ્રાઇઝ; ઇન્ડિયન એસોસિએશન ઓફ વેટરનરી પબ્લિક હેલ્થ દ્વારા લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડ; અને ઇન્ટરનેશનલ એચિવમેન્ટ એવોર્ડ સહિત કેટલાય સન્માન આપવામાં આવ્યા છે. ઇન્ડિયન એસોસિએશન ઓફ વેટરનરી પબ્લિક હેલ્થ સ્પેશિયાલિસ્ટ દ્વારા તેમના નામથી "પ્રો. મહેન્દ્ર પાલ ઝૂનોસિસ એવોર્ડ"નો પ્રારંભ કરવામાં આવ્યો છે.

GP/JD


(રીલીઝ આઈડી: 1909700) મુલાકાતી સંખ્યા : 330