માનવ સંસાધન વિકાસ મંત્રાલય
આઈઆઈટી ગાંધીનગરે આસામ અને ગુજરાતના યુવાનોને એક્સ્પોઝર વિઝિટ પૂરી પાડવા 'યુવા સંગમ'ની શરૂઆત કરી
આ પહેલના ભાગરૂપે આસામના 18 વિદ્યાર્થીઓ અને ઑફ કૅમ્પસ યુવાનો ગુજરાતની મુલાકાતે આવ્યા છે અને ગુજરાતમાંથી 53 વિદ્યાર્થીઓ અને ઑફ કૅમ્પસ યુવાનો આસામની મુલાકાતે જવા રવાના થઈ રહ્યા છે
આ સાંસ્કૃતિક આદાન-પ્રદાન કાર્યક્રમ આ યુવાનોને સંસ્કૃતિ, કળા, જીવન અને જાણીતાં સ્થળોનો ધ્યાનમગ્ન બહુપરિમાણીય સંસર્ગ પ્રદાન કરશે તથા આ રાજ્યોમાં યુવાનો સાથે જોડાવાની તક પૂરી પાડશે
Posted On:
24 FEB 2023 5:54PM by PIB Ahmedabad
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનોલોજી ગાંધીનગર (આઇઆઇટીજીએન)એ આજે 'એક ભારત શ્રેષ્ઠ ભારત' (ઇબીએસબી) કાર્યક્રમ અંતર્ગત ભારત સરકારનાં શિક્ષણ મંત્રાલયની પહેલ 'યુવા સંગમ'નું ઉદ્ઘાટન કર્યું હતું, જેનો ઉદ્દેશ પૂર્વોત્તર રાજ્યો અને બાકીનાં ભારતના યુવાનો વચ્ચે લોકો-થી-લોકોનું જોડાણ અને સહભાવનું નિર્માણ કરવાનો છે. આ પહેલના ભાગરૂપે આસામના 18 વિદ્યાર્થીઓ અને ઑફ કૅમ્પસ યંગસ્ટર્સ આઇઆઇટીજીએન ખાતે ગુજરાતની મુલાકાતે આવી પહોંચ્યા છે અને ગુજરાતના 53 વિદ્યાર્થીઓ અને ઑફ કૅમ્પસ યંગસ્ટર્સ આજે સાંજે પોતપોતાના સ્ટેટ ઓફિસરો સાથે એક સપ્તાહ માટે આસામની મુલાકાત લેવા માટે રવાના થવાના છે, જેથી કલા, સંસ્કૃતિ, જીવન અને જાણીતાં સ્થળોનાં વિવિધ પાસાંઓનો અનુભવ કરી શકાય અને આ રાજ્યોમાં યુવાનો સાથે જોડાઈ શકે.
આ વિદ્યાર્થીઓ માટે સંયુક્ત અભિમુખતા કાર્યક્રમનું ઉદ્ઘાટન આજે મુખ્ય અતિથિ- પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત (2020) અને પૂર્વોત્તર ભારતમાં કાર્યરત એક સમર્પિત શિક્ષણવિદ અને સામાજિક કાર્યકર્તા તેમજ આઈઆઈટીજીએનમાં સ્કોલર-ઇન-રેસિડન્સ પણ છે એવા શ્રી સત્યનારાયણન મુંડેયૂર દ્વારા આઈઆઈટીજીએનના ડિરેક્ટર પ્રોફેસર રજત મૂનાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.
યુવા સહભાગીઓને આ કાર્યક્રમનો મહત્તમ લાભ લેવા પ્રોત્સાહિત કરતાં શ્રી સત્યનારાયણન મુંદયૂરે જણાવ્યું હતું કે, "આ આપણા બધા માટે ખૂબ જ ખાસ દિવસ છે. નવાં સ્થળોની મુસાફરી અને અન્વેષણ કરવું એ પ્રાચીન સમયથી હંમેશાં એક અનન્ય અનુભવ રહ્યો છે. પરંતુ મોટે ભાગે, તે આધ્યાત્મિક અથવા શૈક્ષણિક હેતુઓ માટે વ્યક્તિગત સ્તરે થાય છે. 'યુવા સંગમ' કાર્યક્રમનું આયોજન અને વિકાસ એટલી કાળજીપૂર્વક અને વિચારપૂર્વક રીતે કરવામાં આવ્યો છે કે જેથી તમને સાથી ભારતીયો સાથે વાતચીત કરવાની, તેમના વિચારોને સ્વીકારવાની અને નવી વસ્તુઓ શીખવાની અદ્ભૂત તક મળી શકે. ગુજરાત અને આસામ બંનેનો ઇતિહાસ અને સંસ્કૃતિ ખૂબ જ સમૃદ્ધ છે અને મને ખાતરી છે કે, આપ સૌને બંને રાજ્યોમાં ઉષ્માભર્યા અનુભવો થશે, સંભારણા મળશે. ભારતની સુંદરતાને તમારી સાથે પાછી લઈ જાઓ અને તેને દરેક જગ્યાએ ફેલાવો." કેરળમાં જન્મેલા શ્રી મુંડેયૂર 1979થી અરુણાચલ પ્રદેશમાં કામ કરી રહ્યા છે. બાળકોમાં વાંચનની ટેવ કેળવવા ઉત્સુક, તેમણે પર્વતીય રાજ્યના આદિવાસી પરિવારો સુધી પહોંચવા માટે ઘણા પ્રયત્નો કર્યા છે. તેમણે 2007માં સ્વૈચ્છિક ચળવળ લોહિત યુથ લાઇબ્રેરી નેટવર્કની પણ સ્થાપના કરી હતી.
આ કાર્યક્રમને શીખવાની એક અનોખી તક ગણાવતા આઈઆઈટીજીએનના ડિરેક્ટર પ્રોફેસર રજત મૂનાએ કહ્યું હતું કે, "યુવા સંગમ એ દેશના વિવિધ ભાગોના લોકોને એકસાથે લાવવાનો એક ખૂબ જ રસપ્રદ કાર્યક્રમ છે, જેથી તેઓ એકબીજાની સંસ્કૃતિ, પરંપરાઓ, વિકાસ, ટેકનોલોજી વગેરેમાંથી શીખી શકે. જ્યારે મહાત્મા ગાંધીજી પહેલી વાર દક્ષિણ આફ્રિકાથી પાછા ફર્યા હતા, ત્યારે તેમણે દેશ, દેશના લોકો, તેમની સંસ્કૃતિ, સમસ્યાઓને સમજવા અને તેમની સાથે જોડાવા માટે સમગ્ર ભારતનો પ્રવાસ કર્યો હતો, કારણ કે તે સમયે કનેક્ટિવિટીનાં ખૂબ જ મર્યાદિત સાધનો હતાં. આજે તમે બધાએ એક એવા જ પ્રકારની યાત્રા શરૂ કરી છે, અને આપણે ભાગ્યશાળી છીએ કે દેશભરમાં કનેક્ટિવિટીનાં માધ્યમોમાં ધરખમ સુધારો થયો છે. અમને ખાતરી છે કે તમને ખૂબ જ સારો સમય વ્યતીત થશે. " તેમણે ભાગ લેનારાઓને આપવામાં આવતી ટી-શર્ટ્સ પર છપાયેલી એક અનોખી વિશેષતા એટલે કે આસામ અને ગુજરાતના સીમાવિહીન નકશાઓ તરફ પણ ધ્યાન દોર્યું હતું, જે આ કાર્યક્રમ દ્વારા બે રાજ્યોના સંગમને દર્શાવે છે.
વિદ્યાર્થી બાબતોના ડીન પ્રોફેસર શિવપ્રિયા કિરુબકરણે આ પ્રવાસનાં આયોજનમાં કેટલાક લોકોના પ્રયાસો અને સમર્થનની પ્રશંસા કરતા આભારવિધિ કરી હતી.
આ 18 વિદ્યાર્થીઓ અને કૅમ્પસની બહારના યુવાનો, જેમાં 11 પુરુષો અને 7 મહિલાઓ ઉપરાંત આસામના તેમની સાથેના અધિકારીઓ પણ સામેલ છે, તેઓ 24 ફેબ્રુઆરીથી 02 માર્ચ, 2023ની વચ્ચે ગુજરાતનાં વિવિધ સ્થળોની મુલાકાત લેવાના છે, જેથી પાંચ વ્યાપક ક્ષેત્રો – પર્યટન, પરંપરા, પ્રગતિ, પ્રૌદ્યોગિકી અને પરસ્પર સંપર્ક (લોકોથી લોકો વચ્ચે) હેઠળ ધ્યાનમગ્ન બહુ-પરિમાણીય સંસર્ગ મેળવી શકાય.
આ એક્સપોઝર ટૂર દરમિયાન ભાગ લેનારાઓ ઇન્દ્રોડા પાર્ક, અક્ષરધામ મંદિર, અમૂલ ડેરી, વડોદરામાં મુની સેવા આશ્રમ, સ્ટેચ્યુ ઑફ યુનિટી, સાબરમતી આશ્રમ અને રિવરફ્રન્ટ, એનઆઇટી સુરત, મોઢેરા સૂર્ય મંદિર અને રાણી કી વાવની મુલાકાત લેવાના છે. તેઓ આઇઆઇટીજીએન અને એનઆઇટી સુરત કૅમ્પસમાં વિવિધ સાંસ્કૃતિક વિવિધતા ધરાવતા વિદ્યાર્થીઓ વચ્ચે રહેવાનો પ્રત્યક્ષ અનુભવ પણ મેળવશે તથા તેમની સાથે વિવિધ પ્રવૃત્તિઓમાં જોડાશે, જેમાં રાત્રિનાં આકાશનું ટેલિસ્કોપિક અવલોકન, સાંસ્કૃતિક પ્રવૃત્તિ, સંશોધનની ઝાંખી, આઇઆઇટીજીએનમાં પૂર્વોત્તર ક્ષેત્રનાં અન્ય વિદ્યાર્થીઓ સાથે આદાનપ્રદાન વગેરે સામેલ છે. તેઓ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને પણ મળવા જઈ રહ્યા છે.
ગુજરાતમાં આ કાર્યક્રમ માટે નોડલ ઇન્સ્ટિટયૂટ તરીકે આઇઆઇટીજીએન દ્વારા ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી અને આર્ટ્સ, કોમર્સ, એન્જિનિયરિંગ, કૃષિ અને પશુચિકિત્સા વિજ્ઞાન, મેનેજમેન્ટ, એન્ટરપ્રિન્યોરશિપ, ટીચિંગ, આયુર્વેદ, ફાર્મસી વગેરે ક્ષેત્રોમાં વિવિધ શૈક્ષણિક/વ્યાવસાયિક પૃષ્ઠભૂમિ ધરાવતામાંથી 27 પુરુષ અને 26 મહિલાઓ સહિત 53 વિદ્યાર્થીઓ અને ઑફ કૅમ્પસ યંગસ્ટર્સની પસંદગી કરવાની સુવિધા પણ આપવામાં આવી છે. આજે સાંજે આસામની એક્સપોઝર વિઝિટ માટે ગુજરાતના વિદ્યાર્થીઓની પ્રસ્થાન માટે ફ્લેગ ઑફ કાર્યક્રમ યોજાશે. આઈઆઈટી ગુવાહાટી દ્વારા તેમની યજમાની કરવામાં આવશે.
આ કાર્યક્રમથી પોતાનો ઉત્સાહ અને અપેક્ષાઓ વ્યક્ત કરતા શિલોંગની સેન્ટ એન્થની કૉલેજમાં બી. કોમનો અભ્યાસ કરતી મૂળ આસામની વતની ચાર્ચિતા ગોસ્વામીએ જણાવ્યું હતું કે, "અમે બધા આ પ્રવાસ માટે ગુજરાતને ખૂંદવા માટે ખૂબ જ ઉત્સાહિત છીએ કારણ કે અમે બધા પ્રથમ વખત રાજ્યમાં આવી રહ્યા છીએ. અમે જાણીએ છીએ કે ગુજરાત ઉત્તર-પૂર્વનાં રાજ્યો કરતાં એક ડગલું આગળ છે અને મને ખાતરી છે કે અમે અહીંથી ઘણું બધું શીખીને અને યાદો સાથે પાછાં ફરીશું. અમારી પેઢી માટે એ પણ એક ચમત્કાર છે કે અજાણ્યા હોવા છતાં, અમે આટલા ટૂંકા ગાળામાં એકબીજા સાથે સારા સંબંધો બાંધ્યા છે અને અમે વધુ સારા સમય માટે આશાવાદી છીએ."
ગુજરાત અને આઇઆઇટી ગાંધીનગર આવવા અંગે પોતાના વિચારો રજૂ કરતા જર્નાલિઝમ અને માસ કોમ્યુનિકેશનમાં બીએનો અભ્યાસ કરતા સિલ્ચરના વિદ્યાર્થી સુપ્રતીમ દેબે જણાવ્યું હતું કે, “હું પહેલી વખત ગુજરાત આવ્યો છું, અને મને આશા છે કે આ પ્રવાસ મને શૈક્ષણિક તેમજ વ્યક્તિગત વિકાસમાં મદદરૂપ થશે. હું ઘણા નવા લોકોને મળી ચૂક્યો છું અને ઘણા લોકોને મળવા જઇ રહ્યો છું અને તેમના અનુભવો અને શાણપણથી શીખવા જઇ રહ્યો છું. હું ગુજરાતની સંસ્કૃતિ, ખાણીપીણી અને સંગીત વિશે જાણવા માટે પણ ઉત્સુક છું અને સ્ટેચ્યુ ઑફ યુનિટી જોવા માટે ઉત્સાહિત છું."
બરોડાની એમ એસ યુનિવર્સિટીની માસ્ટર ઓફ એન્જિનિયરિંગની વિદ્યાર્થિની ગાયત્રી પરમારે પોતાનો ઉત્સાહ જણાવતા કહ્યું હતું કે, "હું પહેલી વાર આસામની મુલાકાત લેવા, ત્યાંનાં વિવિધ સ્થળોની મુલાકાત લેવા, વિવિધ લોકોને મળવા અને તેમની સંસ્કૃતિ શીખવા માટે ઉત્સાહિત છું."
સરકારી ઇજનેરી કૉલેજ, ગાંધીનગરના વિદ્યાર્થી જીગરે આસામની એક્સપોઝર ટ્રિપ માટેની પોતાની યોજના શેર કરતા કહ્યું હતું કે, "આસામ યોદ્ધાઓનું રાજ્ય છે અને કુદરતી સૌંદર્ય, મુગા રેશમ, અહોમ સ્મારકો, સ્વાદિષ્ટ ખોરાક, માટીકામ અને વાંસનાં ઉત્પાદનો, બિહુ નૃત્ય વગેરેની ભૂમિ છે અને રાજ્યના અમારા પ્રવાસ દરમિયાન આમાંની કેટલીક બાબતોને આત્મસાત કરવાની તક મળી છે."
આ વિશાળ સાંસ્કૃતિક આદાન-પ્રદાન કાર્યક્રમ અન્ય વિવિધ મંત્રાલયો અને વિભાગો જેવાં કે સંસ્કૃતિ મંત્રાલય, પર્યટન મંત્રાલય, યુવા બાબતો અને રમતગમત મંત્રાલય, રેલવે મંત્રાલય, માહિતી અને પ્રસારણ મંત્રાલય, ઉત્તર-પૂર્વ ક્ષેત્રના વિકાસ વિભાગ વગેરેના સહયોગથી યોજવામાં આવી રહ્યો છે, જેથી આપણા દેશના યુવાનોને ભારતની પ્રાચીન સંસ્કૃતિ અને કુદરતી વિવિધતાની ઉજવણી કરવાની તક મળી શકે અને સાથે કલા, સંસ્કૃતિ અને વિવિધ રાજ્યોની ભાષાઓને સમજે.
વધુ વિગતો માટે, સંપર્ક કરો શિવાંગી ભટ્ટ, કમ્યુનિકેશન અને મીડિયા ઓફિસર, આઈઆઈટીજીએનનો આ નંબર પર- 9979776306 અથવા shivangi.bhatt@iitgn.ac.in
આઇઆઇઅટી ગાંધીનગર વિશે:
આઈઆઈટી ગાંધીનગર અભ્યાસક્રમમાં અજોડ નવીનતાઓ સાથે અસાધારણ અંડરગ્રેજ્યુએટ અને સ્નાતક શિક્ષણ પ્રદાન કરે છે. આ સંસ્થા વિવેચનાત્મક વિચારસરણીને પ્રોત્સાહન આપે છે અને જ્ઞાનનાં આંતરશાખાકીય લક્ષણની કદર કરે છે, જેમાં ઉદાર કલાઓ, પ્રોજેક્ટલક્ષી શિક્ષણ, વિવિધતા અને વૈશ્વિકરણ પર ભાર મૂકવામાં આવે છે. લગભગ ૮૦ ટકા ફેકલ્ટી વિદેશમાં વિદેશી ડિગ્રી અથવા પોસ્ટડોક્ટરલ અનુભવ ધરાવે છે. તેના લગભગ ૪૦ ટકા અંડરગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ વિદેશમાં અથવા અન્ય આંતરરાષ્ટ્રીય તકોમાં અભ્યાસ મેળવે છે. આવનારા વિદ્યાર્થીઓ માટે તેનો 5 અઠવાડિયાનો ઇમર્સિવ ફાઉન્ડેશન પ્રોગ્રામ સર્જનાત્મકતા, નેતૃત્વ, સંદેશાવ્યવહાર કુશળતા, નૈતિકતા, સામાજિક જાગૃતિ અને શારીરિક પ્રવૃત્તિને રેખાંકિત કરે છે. 2008માં સ્થપાયેલી આ સંસ્થાએ અનેક પુરસ્કારો અને માન્યતાઓ મેળવી છે તથા વિશ્વભરની કેટલીક અગ્રણી સંસ્થાઓ અને સંગઠનો સાથે મજબૂત ભાગીદારી વિકસાવી છે. આઇઆઇટી ગાંધીનગર ઇજનેરી શાખાઓ અને તેનાથી આગળનાં શિક્ષણ માટે સર્વગ્રાહી અભિગમ માટે પ્રતિબદ્ધ છે, વૈશ્વિક પડકારોને પહોંચી વળવા માટે અત્યાધુનિક સંશોધન કરે છે અને પાછું આપે છે.
GP/JD
(Release ID: 1902132)
Visitor Counter : 248