શહેરી વિકાસ મંત્રાલય
છઠ્ઠી અર્બન20 (U20) સાયકલની સિટી શેરપા બેઠકની પ્રારંભિક બેઠકનો દિવસ-2
કાર્યક્રમના બીજા દિવસે, લગભગ 40 પ્રતિનિધિઓએ વિશ્વ ધરોહરમાં સામેલ અમદાવાદ શહેરના કોટ વિસ્તારની મુલાકાત લીધી હતી
U20 પ્રતિનિધિઓ માટે કાંકરિયા તળાવ ખાતે ભવ્ય વિદાય ડીનર સમારંભ યોજવામાં આવ્યો
Posted On:
10 FEB 2023 6:55PM by PIB Ahmedabad
અમદાવાદમાં 9-10 ફેબ્રુઆરી 2023ના રોજ છઠ્ઠી અર્બન20 (U20) સાઇકલની સિટી શેરપા બેઠકની પ્રારંભિક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં લગભગ 40 શહેરોમાંથી 70થી વધુ પ્રતિનિધિઓ અને સહભાગી તેમજ નિરીક્ષક શહેરોના 200થી વધુ સહભાગીઓએ હાજરી આપી હતી, તેમજ U20 સંયોજકો, વિવિધ કાર્યકારી સમૂહોના પ્રતિનિધિઓ અને G20ના જોડાણ સમૂહો, સરકાર, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના વરિષ્ઠ અધિકારીઓ અને અન્ય આમંત્રિત મહેમાનોએ પણ તેમાં ભાગ લીધો હતો.
કાર્યક્રમના બીજા દિવસે, લગભગ 40 પ્રતિનિધિઓએ વિશ્વ ધરોહરમાં સમાવવામાં આવેલા અમદાવાદ શહેરના કોટ વિસ્તારની મુલાકાત લીધી હતી, જ્યાં તેમના માટે વહેલી સવારે હેરિટેજ વોકનું આયોજન કરવામાં આવ્યું હતું.
બીજા દિવસે ઔપચારિક સત્રોની શરૂઆત ચર્ચા-વિચારણા સાથે થઇ હતી જે સિટી શેરપાઓની બેઠક તરીકે ઓળખવામાં આવતી કોઇપણ U20 સાઇકલમાં કેન્દ્ર સ્થાને હોય છે. દિવસ પૂર્વાર્ધમાં U20 સંયોજકો દ્વારા સંચાલિત સત્રમાં, અમદાવાદ શેરપાએ છઠ્ઠી U20 સાઇકલ માટે સૂચિત છ અગ્રતાના ક્ષેત્રો રજૂ કર્યા હતા અને ત્યારબાદ દરેક અગ્રતા પર ચર્ચાના રાઉન્ડ યોજવામાં આવ્યા હતા. સંખ્યાબંધ સહભાગી અને નિરીક્ષક શહેરોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા અને સંખ્યાબંધ સૂચિત અગ્રતા ક્ષેત્રોને સમર્થન આપ્યું હતું. શહેર પ્રમુખ અને અમદાવાદ શેરપા શ્રી પ્રવીણ ચૌધરી દ્વારા આની નોંધ લેવામાં આવી હતી અને આ સહયોગને આગળ વધારવા તેમજ સામૂહિક રીતે ફાઇનલ સંદેશાવ્યવહારનો મુસદ્દો તૈયાર કરવા માટે U20 શહેરોના સમર્થનનું આહ્વાન કર્યું હતું.
બીજા સત્રમાં, પ્રધાનમંત્રીની આર્થિક સલાહકાર પરિષદના સભ્ય શ્રી સંજીવ સાન્યાલના માર્ગદર્શન હેઠળ, G20ના અન્ય જોડાણ સમૂહો અને U20ની પ્રાથમિકતાઓ વચ્ચે એક કેન્દ્રિતાના ક્ષેત્રોનું અન્વેષણ કરવામાં આવ્યું હતું. સત્રમાં અનુક્રમે સ્ટાર્ટ-અપ 20 જોડાણ સમૂહ, થિંક 20 જોડાણ સમૂહ અને યુવા 20 જોડાણ સમૂહમાંથી શ્રી ચિંતન વૈષ્ણવ, શ્રી જ્હાન્વી ત્રિપાઠી અને શ્રી આકાશ ઝા દ્વારા રજૂ કરાયેલા પ્રેઝન્ટેશનનો સમાવેશ થાય છે. આ સત્રમાં ગુજરાત સરકારના આર્થિક બાબતોના અગ્ર સચિવ શ્રી મોના ખંધાર દ્વારા ગુજરાતની G20 જોડાણ અંગે રજૂ કરાયેલું પ્રેઝન્ટેશન પણ સામેલ છે.
સમાપન સત્રમાં, અમદાવાદના માનનીય મેયર, શ્રી કિરીટકુમાર જે. પરમારે કાંકરિયા તળાવ ખાતે યોજવામાં આવેલા વિદાય ડીનર (રાત્રિભોજન) માટે તમામ પ્રતિનિધિઓને આમંત્રણ આપ્યું હતું. અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર શ્રી એમ. થેન્નારસને અમદાવાદમાં લેવામાં આવેલી શહેરી પહેલો વિશે વાત કરી હતી, જેના પગલે તેમણે શહેરના પ્રતિનિધિઓ સાથે ઇન્ટરેક્ટિવ સત્ર માટે માળખું ખુલ્લુ મૂક્યું હતું. શહેરના પ્રતિનિધિઓએ અમદાવાદ દ્વારા આપવામાં આવેલ અદ્ભુત આતિથ્યની ખૂબ પ્રશંસા કરી હતી. ત્યારબાદ અમદાવાદ શહેર શેરપા દ્વારા આપવામાં આવેલા આભાર વચન સાથે સત્રને સમાપ્ત કરવામાં આવ્યું હતું, જેમાં તેમણે કાર્યક્રમને સફળ બનાવવા માટે તમામ પ્રતિનિધિઓ, G20 નેતૃત્વ, આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય, ગુજરાત સરકાર, અમદાવાદના મેયર અને મ્યુનિસિપલ કમિશનર અને તમામ અધિકારીઓ તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે U20 સંયોજકો, રાષ્ટ્રીય શહેરી બાબત સંસ્થા અને અન્ય સંગઠનાત્મક ભાગીદારો દ્વારા નિભાવવામાં આવેલી ભૂમિકાનો પણ સ્વીકાર કર્યો હતો.
અમદાવાદના માનનીય મેયર દ્વારા U20 પ્રતિનિધિઓ માટે કાંકરિયા તળાવ ખાતે યોજવામાં આવેલા ભવ્ય વિદાય ડીનર સાથે દિવસનું સમાપન થયું હતું. ડીનરની સાથે સાથે ગુજરાતના પરંપરાગત નૃત્યોનો વિશેષ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
YP/GP/JD
(Release ID: 1898058)
Visitor Counter : 161