માહિતી અને પ્રસારણ મંત્રાલય
આર્થિક બાબતોની સાક્ષરતા એ સમયની તાતી જરૂરિયાત: ઉપ નિર્દેશક, પત્ર સૂચના કાર્યાલય
કેન્દ્રીય સંચાર બ્યૂરો, સુરત દ્વારા શ્રીમતી કે. કે. કદમ કન્યા વિદ્યાલય ખાતે આઝાદીનો અમૃત મહોત્સવ અંતર્ગત વિશેષ સંવાદનું આયોજન કરાયું
Posted On:
25 JAN 2023 5:12PM by PIB Ahmedabad
માહિતી અને પ્રસારણ મંત્રાલય હેઠળ કાર્યરત કેન્દ્રીય સંચાર બ્યૂરો, ક્ષેત્રીય કાર્યાલય, સુરત કેન્દ્ર સરકારની લોકકલ્યાણની વિવિધ યોજનાઓનો પ્રચાર પ્રસાર કરવાનું કામ કરે છે. કેન્દ્રીય સંચાર બ્યૂરો દ્વારા આઝાદીનો અમૃત મહોત્સવ અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જેના ભાગ રૂપે ક્ષેત્રીય કાર્યાલય, સુરત દ્વારા આજે વ્યારા ખાતે શ્રીમતી કે. કે. કદમ કન્યા વિદ્યાલયમાં આર્થિક બાબતોની સાક્ષરતા અને મહિલા સશક્તિકરણ અંગે વિસ્તૃત જાણકારી આપવામાં આવી.
કાર્યક્રમનાં મુખ્ય અતિથિ શ્રી યોગેશ પંડ્યાએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે આજની યુવા પેઢી ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરે છે. ત્યારે એ બાબતની સાક્ષરતા, જાગરૂકતા હોવી પણ ખૂબ જરૂરી છે. આજનાં આ કાર્યક્રમથી વિદ્યાર્થિનીઓને મહત્વની જાણકારી મળશે. આ જાણકારીનો પરિવાર, આસપાસમાં પ્રચાર પ્રસાર કરવાથી આર્થિક બાબત અંગે સાક્ષરતાનો ફેલાવો થશે સાથે જ ઓનલાઈન છેતરપિંડી જેવા બનાવો ઘટશે.
આ પ્રસંગે સહાયક માહિતી નિયામક નિનેશ ભાભોરે કાર્યક્રમનાં ઉપલક્ષ્યમાં આયોજિત વિવિઘ સ્પર્ધામાં ભાગ લેનાર વિદ્યાર્થિનીઓને પ્રોત્સાહન આપતા જણાવ્યું હતું કે ઈનામની લાલચ વગર ભાગ લેવો એ તમારી હિંમતનું પ્રદર્શન છે. અહીં આપવામાં આવતી માહિતીને અનુસરી તમે આર્થિક સજગતા કેળવો એ જ અમારો પ્રયાસ છે. આ કાર્યક્રમને માત્ર માણવાનો નથી પણ એ અંગે આપણે જાગરૂક પણ થવાનું છે.
આ કાર્યક્રમનું ઉદ્ઘાટન પત્ર સૂચના કાર્યાલયના ઉપ નિર્દેશક યોગેશ પંડ્યા તથા સહાયક માહિતી નિયામક નિનેશ ભાભોરનાં હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ર.ફુ દાબુ કેળવણી મંડળના ઉપપ્રમુખ આયુષભાઈ શાહ, રુચિરભાઈ દેસાઈ, શ્રીમતિ કે. કે. કદમ કન્યા વિદ્યાલયનાં આચાર્યાશ્રી સંગીતાબેન ચૌધરી, પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં જિલ્લા અગ્રણી બેંક મેનેજર રસિકભાઈ જેઠવાએ બેંકિંગને લગતી વિસ્તૃત જાણકારી આપી હતી. જેમાં KYC, OTP, ઑનલાઇન છેતરપીંડી શું છે? એનાથી કઈ રીતે બચી શકાય છે અને મોબાઈલ બેંકિંગ કે ઑનલાઇન પેમેન્ટનો ઉપયોગ કરતા સમયે શું સાવધાની રાખવી તેની જાણકારી આપી હતી.
RSETI (ગ્રામીણ સ્વ રોજગાર તાલીમ સંસ્થા)નાં નિર્દેશક ઓમેશ ગર્ગે સ્વ રોજગાર અંગે સંસ્થા દ્વારા કરવામાં આવતી પ્રવૃત્તિઓ, તાલીમ કાર્યક્રમોની સાથે સરકાર દ્વારા હાથ ધરાયેલા વિવિધ ઉપક્રમોની વિસ્તૃત જાણકારી આપી હતી.
કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી વિવિધ સમાજ કલ્યાણ યોજનાઓ જેવી કે પ્રધાનમંત્રી જનધન યોજના, પ્રધામંત્રી જીવન જ્યોત વીમા યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા યોજના વગેરે અંગે માર્ગદર્શન આપ્યું હતું.
કાર્યક્રમની પૂર્વસંધ્યાએ ચિત્રકળા અને નિબંધ સ્પર્ધાનાં વિજેતાઓની સાથે આજનાં માર્ગદર્શન ઉપર પ્રશ્નોત્તરી કાર્યક્રમમાં સાચા જવાબ આપનારી વિદ્યાર્થીનીને ઉપસ્થિત મહેમાનોનાં હસ્તે પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમની શરૂઆતમાં આજે રાષ્ટ્રીય મતદાર દિવસની ઉજવણીના ભાગરૂપે વિદ્યાર્થીનિઓ અને ઉપસ્થિતિ મહાનુભાવોને ચૂંટણી શાખા દ્વારા પ્રતિજ્ઞા લેવડાવી હતી. આ કાર્યક્રમની પ્રસ્તાવના કેન્દ્રીય સંચાર બ્યૂરો, સુરતનાં ક્ષેત્રીય પ્રચાર અધિકારી ઈન્દ્રવદનસિંહ ઝાલાએ તેમજ આભારવિધી શાળાનાં આચાર્યા સંગીતાબેન ચૌધરીએ કરી હતી. જ્યારે કાર્યક્રમનું સંચાલન એ. જી. સોનેરી દ્વારા કરવામાં આવ્યું હતું.
YP/GP/JD
(Release ID: 1893661)
Visitor Counter : 265