માહિતી અને પ્રસારણ મંત્રાલય
azadi ka amrit mahotsav

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુર પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની મુલાકાત લીધી

પ્રમુખસ્વામી મહારાજનું જીવન પ્રભુ સેવા અને જન સેવામાં વીત્યુઃ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર

Posted On: 04 JAN 2023 11:40AM by PIB Ahmedabad

 

અમદાવાદના આંગણે પ્રમુખસ્વામી મહારાજનો જન્મ શતાબ્દી મહોત્સવ ચાલી રહ્યો છે. રોજેરોજ દેશ વિદેશમાંથી મહાનુભાવો શતાબ્દી મહોત્સવમાં હાજરી આપી રહ્યા છે ત્યારે આજે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી શ્રી અનુરાગ ઠાકુર પણ પ્રમુખસ્વામી મહારાજની જન્મ શતાબ્દી મહોત્સવના મહેમાન બન્યા હતા. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે પ્રમુખસ્વામી નગરમાં ફરીને જુદા જુદા પ્રદર્શન નિહાળ્યા  હતા. આ પ્રસંગે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો દ્વારા મંત્રીશ્રીને શતાબ્દી મહોત્સવમાં ચાલી રહેલા કાર્ય અંગેની માહિતી પણ આપવામાં આવી હતી. 600 એકરમાં બનેલા આ પ્રમુખસ્વામી નગરને જોયા બાદ સભામંડપમાં કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે મહંત સ્વામીના આશીર્વાદ લીધા હતા. ત્યારબાદ કોઠારી સ્વામી અને ડોક્ટર સ્વામીએ પુષ્પગુચ્છ અને સાલ ઓઢાડીને મંત્રીશ્રીનું સ્વાગત કર્યું હતું.

આ પ્રસંગે બોલતા કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે પ્રમુખસ્વામી મહારાજનું જીવન જનસેવા અને પ્રભુ સેવામાં વીત્યું છે. આ આખું નગર સ્વયંસેવકો દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે તે ખરેખર એક પ્રશંસનીય બાબત છે. એક તરફ પ્રધાનમંત્રી ગ્રીન એન્ડ ક્લીન અભિયાન ચલાવી રહ્યા છે ત્યારે બીજી તરફ બીએપીએસ દ્વારા દસ લાખ ૩૫ હજાર વૃક્ષ અને ફુલછોડ વાવીને ગ્રીન એન્વાયરમેન્ટ અભિયાનને આગળ વધારાયું છે. અહીંયા જે બાળ નગરી બની છે તે ખરેખર જ્ઞાન નગરી છે. બાળ નગરીમાં નાના નાના બાળકો દ્વારા પ્રાર્થના અને પરિશ્રમ દ્વારા કેવી રીતે આગળ વધી શકાય તે સમાજને સંદેશ આપવામાં આવ્યો છે.

સ્વામિનારાયણ સંપ્રદાય માત્ર ધર્મ જ નહીં પરંતુ જ્યાં જ્યાં કુદરતી આપત્તિ આવી ત્યાં પણ સેવાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ભુજમાં આવેલો ભૂકંપ હોય, દુષ્કાળ હોય કે પછી દક્ષિણ ભારતની સુનામી કે પૂર્વીય ભારતમાં ચક્રવાત હોય, પ્રમુખ સ્વામી મહારાજની પ્રેરણાથી બીએપીએસની સંસ્થાના સ્વયંસેવકો હંમેશા મદદે આવ્યા છે. પ્રમુખસ્વામી મહારાજ પોતાના જીવન દરમિયાન સાડા સાત લાખથી પણ વધુ પત્રો લખીને લોકોના જીવનમાં બદલાવ લાવ્યા છે. પ્રમુખસ્વામી મહારાજે અઢી લાખથી પણ વધુ લોકોના ઘરે જઈને તેમના જીવનમાં પરિવર્તન લાવવાનું કામ કર્યું છે. 1100થી પણ વધુ દેશ વિદેશમાં મંદિરો બંધાવીને એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ભારત સરકારે યુક્રેનમાંથી 27 હજાર વિદ્યાર્થીઓને દેશમાં પરત લાવવાનું કામ કર્યું હતું પરંતુ તે સમયે પણ બીએપીએસના સ્વયં સેવકોએ પોતાની સેવા દ્વારા સહકાર આપ્યો હતો. અહીંયા સ્વયંસેવકો જે રીતે કામ કરી રહ્યા છે તે લોકોને હું શત શત નમન કરું છું.

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1888474) Visitor Counter : 154