ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય

રમકડાંના વેપારી પર ભારતીય માનક બ્યુરોના દરોડા

Posted On: 29 DEC 2022 3:48PM by PIB Ahmedabad

ભારતીય માનક બ્યુરોના અધિકારીઓ દ્વારા આઈએસઆઈ માર્ક વગરના રમકડાં વેચવાની માહિતીના આધાર પર તા. 28.12. 2022ના રોજ અમદાવાદ સ્થિત મેસર્સ રાજ ટોયવર્લ્ડ પ્રાઈવેટ લિમિટેડ, 159, લાલા રેવડીવાલાની સામે કાલુપુર ગેટની બહાર, કાલુપુર, અમદાવાદ પર દરોડાની કાર્યવાહી કરવામાં આવી. દરોડા દરમિયાન વેપારી પાસેથી સ્ટાન્ડર્ડ માર્ક વગરના લગભગ 9000 રમકડાં જપ્ત કરવામાં આવ્યા.

ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયનાં 25 ફેબ્રુઆરી 2020ના ઓર્ડર નંબર S.O.853(E) અને 15 સપ્ટેમ્બર 2020ના સુધારા મુજબ, આવા ઉત્પાદનો (રમકડાં) અથવા સામાન અથવા સ્પષ્ટપણે 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકોનાં રમવા માટેના હેતુથી બનાવેલ વસ્તુઓ ઉપર આઈએસઆઈ માર્ક 01 જાન્યુઆરી 2021 પછી ફરજિયાત કરવામાં આવ્યો છે અર્થાત કોઈપણ ઉત્પાદક અથવા વેપારી આઈએસઆઈ માર્ક વિનાનું રમકડાંનું ઉત્પાદન, વેચાણ અને સંગ્રહ કરી શકશે નહીં અને માત્ર એવા ઉત્પાદકોને જ આઈએસઆઈ માર્ક લાગુ કરવાની મંજૂરી છે કે જેમની પાસે ભારતીય માનક બ્યુરોનું માન્ય લાયસન્સ છે. બ્યુરો પાસેથી માન્ય લાયસન્સ લીધા વિના ઉત્પાદકો દ્વારા આઈએસઆઈ માર્ક લગાવવો અથવા આઈએસઆઈ માર્ક વિના રમકડાં વેચવા અને સંગ્રહ કરવા એ સજાપાત્ર ગુનો છે. આવું કરનારા વિરુદ્ધ ભારતીય માનક બ્યુરો અધિનિયમ 2016ની કલમ-17ના ઉલ્લંઘનની કાર્યવાહી કરવામાં આવે છે. આ અપરાધ દંડનીય છે, જે અંતર્ગત બે વર્ષની જેલ અથવા ઓછામાં ઓછા રૂ. 200000/- આર્થિક દંડ અથવા બંને સજાની જોગવાઈ છે.

બેઈમાન ઉત્પાદકો/વેપારીઓ જનતાને છેતરવા માટે ભારતીય માનક બ્યુરોના માન્ય લાયસન્સ લીધા વગર આવા ઉત્પાદનોનું ઉત્પાદન/વેચાણ કરતા હોય છે. આ ઉપરાંત, ભારત સરકાર દ્વારા સમયાંતરે જારી કરાયેલ ગુણવત્તા નિયંત્રણ આદેશોનું ઉલ્લંઘન પણ સજાપાત્ર ગુનો છે. ભારતીય માનક બ્યુરો સમયાંતરે આવા પ્રકારની સામગ્રીના ઉપયોગથી થતી છેતરામણી અને સંભવિત સુરક્ષા જોખમથી સામાન્ય જનતાને બચાવવા માટે આઈએસઆઈ માર્કના દુરુપયોગની મળેલ/કરેલ ફરિયાદ અનુસાર અવારનવાર સંખ્યાબંધ દરોડા કરતી હોય છે. કોઈપણ વ્યક્તિ જેની પાસે ભારતીય માનક બ્યુરોના માનકચિહ્નના દુરુપયોગની જાણકારી હોય અથવા ફરજિયાત પ્રમાણનના હેઠળ આવતા ઉત્પાદનોનું ઉત્પાદન કરનારા વિશે કોઈપણ પ્રકારની માહિતી હોય તો તે પ્રમુખ, ભારતીય માનક બ્યુરો, ત્રીજો માળ, નવજીવન અમૃત જયંતી ભવન, ગુજરાત વિદ્યાપીઠની પાછળ, આશ્રમ રોડ, અમદાવાદ-380014, ફોન. 079-27540314 પર લખી શકે છે. ફરિયાદને ahbo@bis.gov.in અથવા cmed@bis.gov.in પર ઈમેઈલ દ્વારા પણ કરી શકાય છે. આવા પ્રકારની માહિતી આપનારાની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે.

YP/GP/JD



(Release ID: 1887301) Visitor Counter : 159