સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ચીન, જાપાન, હોંગકોંગ, બેંગકોક, દક્ષિણ કોરિયાથી આવતા તમામ મુસાફરો માટે આરટી-પીસીઆર ફરજિયાત બનાવીશું: કેન્દ્રીય આરોગ્યમંત્રી શ્રી ડો. મનસુખ માંડવિયા


શ્રી માંડવિયાએ ભારતીય વિજ્ઞાન શિક્ષણની સંભાવનાઓ અને સામર્થ્યો પર પ્રકાશ પાડ્યો

NIPER-A દ્વારા 24 ડિસેમ્બર, 2022ના રોજ ગાંધીનગર ખાતે નવમા દીક્ષાંત સમારંભનું આયોજન

રસાયણ અને ખાતર તેમજ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી, ભારત સરકાર- ડૉ.મનસુખ માંડવિયા અને IIT ગાંધીનગરના નિદેશક પ્રોફેસર રજત મૂના ઉપસ્થિત રહ્યા

Posted On: 24 DEC 2022 5:32PM by PIB Ahmedabad

નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ફાર્માસ્યુટિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (NIPER)- અમદાવાદના ઉપક્રમે શનિવારે, 24 ડિસેમ્બર, 2022ના રોજ તેના 9મા દિક્ષાંત સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારંભ દરમિયાન, 2019-20 અને 2020-21 બેચના 249 M. S. (Pharm.) અને 11 PhD વિદ્યાર્થીઓને તેમની પદવી એનાયત કરવામાં આવી હતી. ભારત સરકારમાં કેન્દ્રીય રસાયણ અને ખાતર તેમજ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. મનસુખ માંડવિયા અહીં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા તેમજ, IIT ગાંધીનગરના નિદેશક પ્રોફેસર રજત મૂના અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

સમારંભના મુખ્ય અતિથિ ડૉ.મનસુખ માંડવિયાએ એકંદરે ટોપર રહેનારા વિદ્યાર્થીઓ અને વિવિધ ડિપાર્ટમેન્ટમાં ટોપર રહેનારા વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કર્યા હતા. ગોલ્ડ મેડલ એનાયત કર્યા બાદ, પ્રો. રજત મૂના, શ્રી રજનીશ ટીંગલે અને ડૉ. શશીબાલા સિંહ દ્વારા વિવિધ શૈક્ષણિક વિભાગમાંથી પસંદગી પામેલા વિદ્યાર્થીઓને સંયુક્ત રીતે પુસ્તક ઇનામોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

સમારંભના મુખ્ય અતિથિ ડૉ.મનસુખ માંડવિયાએ ઉપસ્થિતોને સંબોધિત કર્યા હતા અને સફળ થયેલા તમામ સ્નાતકોને હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા હતા. પોતાના સંબોધનમાં, તેમણે ભારતીય વિજ્ઞાન શિક્ષણની સંભાવનાઓ અને સામર્થ્યો પર પ્રકાશ પાડ્યો હતો તેને વિશ્વકક્ષાની સંસ્થાઓ બનાવવાની પદ્ધતિઓ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે મૂળભૂત અને અમલ કરવા યોગ્ય અર્થપૂર્ણ  સંશોધન, આવિષ્કાર અને ઉદ્યમશીલતાના મહત્વ પર પણ ભાર મૂક્યો હતો. આદરણીય મંત્રીએ વિશ્વ કક્ષાની સંશોધન સુવિધા સ્થાપવા માટે સરકારની પહેલ તરીકે વિવિધ વિભાગો વચ્ચે આવિષ્કારની ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવા પર વિશેષ ભાર મૂક્યો હતો. સુધારેલી આરોગ્ય સંભાળ, કૃષિ, પર્યાવરણ અને ઔદ્યોગિક વિકાસ દ્વારા કેવી રીતે શિક્ષણ અને વિજ્ઞાન જીવનમાં પરિવર્તન લાવવામાં,  સમાજને પ્રભાવિત કરવામાં મુખ્ય ભૂમિકા નિભાવે છે તેના વિશે તેમણે સમજણ આપી હતી. તેમણે અમારા જેવી સંસ્થાઓને ઉભરતી અને નવતર ટેકનોલોજી ઉચ્ચ ગુણવત્તાવાળા વૈજ્ઞાનિક સંશોધન હાથ ધરવા માટેની ક્ષમતા વિકસાવવા અને વર્તમાન ફેકલ્ટી માટે નવા વિજ્ઞાનને નિરંતર રીતે અપનાવવા માટેનો માર્ગ નિર્ધારિત કરવાનો અનુરોધ કર્યો હતો.

તેમણે જાહેર અને ખાનગી સંસ્થાઓ વચ્ચેના સહયોગપૂર્ણ સંશોધન પર ખાસ ભાર મૂક્યો હતો. વધુમાં, તેમણે રસી વિકસાવવામાં અને દુનિયાભરમાં કોવિડ-19 મહામારી સામે લડવામાં યોગદાન આપવા બદલ તમામ ભારતીય વૈજ્ઞાનિકોની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું, અમે નાગરિક ઉડ્ડયન મંત્રાલય સાથે વાત કર્યા પછી ચીન, જાપાન, હોંગકોંગ, બેંગકોક, દક્ષિણ કોરિયાથી આવતા તમામ મુસાફરો માટે આરટી-પીસીઆર ફરજિયાત બનાવીશું. અમે ભારતમાં આગમન પછી જેમને તાવ આવે છે અથવા કોવિડ માટે ટેસ્ટ પોઝિટિવ આવે છે તેમને ક્વોરેન્ટાઇન કરવાના આદેશો પણ જારી કરવાના છીએ. પોતાના સંબોધનના સમાપનમાં, તેમણે વિજ્ઞાન અને સમાજના ઊંડા જોડાણ તેમજ સખત પરિશ્રમ દ્વારા કેવી રીતે સિદ્ધિ પ્રાપ્ત થઇ શકે તે અંગે પોતાના અભિપ્રાયો રજૂ કર્યા હતા. તેમણે તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પણ પાઠવ્યા હતા અને NIPER-A ને ફાર્માસ્યુટિકલ અને બાયોમેડિકલ સંશોધનમાં અગ્રણી સંસ્થા બનાવવા બદલ NIPER-A ના ફેકલ્ટી સભ્યોની પ્રશંસા કરી હતી.

DoPના સંયુક્ત સચિવ શ્રી રજનીશ ટીંગલ આદરણીય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને BoGના સભ્ય પ્રો. રમેશ ચંદ્રાએ આ પ્રસંગે હાજરી આપીને કાર્યક્રમને શોભાવ્યો હતો. શ્રી રજનીશ ટીંગલ, JS, DoP દ્વારા દિક્ષાંત સમારંભને ઔપચારિક રીતે ખુલ્લો કરવામાં આવ્યો હતો.

NIPER-Aના નિદેશક ડૉ. શશી બાલા સિંઘે NIPER-A પરિસરમાં યોજાયેલા દીક્ષાંત સમારંભમાં ઉપસ્થિત રહેલા મુખ્ય અતિથિ, અતિથિ વિશેષ, તમામ મહાનુભાવો અને તમામ આમંત્રિત મહેમાનોનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. ડૉ. સિંહે NIPER-Aની સફર વિશે માહિતી આપી હતી અને કેવી રીતે આરોગ્ય સંભાળ સંશોધન ઉદ્યોગમાં તે નિરંતર યોગદાન આપી છે તેના વિશે વાત કરી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, શૈક્ષણિકજગત અને ઉદ્યોગજગત વચ્ચેના સહજીવન સંબંધને મજબૂત કરવા માટે NIPER-A પ્રતિબદ્ધ છે. ડૉ. સિંહે ઉલ્લેખ કર્યો છે કે NIPER-A દ્વારા ભારત સરકારના BIRAC, DBTની BioNEST યોજના મારફતે મળેલી આર્થિક સહાય સાથે બાયોફાર્મા ઇન્ક્યુબેટર સેન્ટર – ટેકનોલોજી બિઝનેસ ઇન્ક્યુબેટર તૈયાર કરવામાં આવ્યું છે. વધુમાં તેમણે, માહિતી આપી કે NIPER-A દ્વારા વિશ્વની શ્રેષ્ઠ શૈક્ષણિક સંસ્થાઓ અને યુનિવર્સિટીઓ સાથે સંશોધન સહયોગ સ્થાપવામાં આવ્યો છે. આ તેના વિદ્યાર્થીઓને અત્યાધુનિક સંશોધન તાલીમ સાથે વિશ્વ કક્ષાનું એક્સપોઝર પૂરું પાડશે જે તેમને આંતરરાષ્ટ્રીય બજારની જરૂરિયાત અનુસાર કાર્યક્ષમ કુશળ મેનપાવર બનાવશે.

પ્રો. રજત મૂનાએ તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે, NIPER-A, સમાજના લાભ માટે અમલમાં મૂકી શકાય તેવા અર્થપૂર્ણ સંશોધન હાથ ધરીને સ્વદેશી આવિષ્કારોને ઉત્તેજન આપવામાં નિર્ણાયક ભૂમિકા નિભાવી રહ્યું છે. વધુમાં, તેમણે રાષ્ટ્ર નિર્માણમાં તબીબી અને ફાર્મા શિક્ષણની ભૂમિકા પર ભાર મૂક્યો હતો. તેમજ, તેમણે સ્વચ્છ પાણી, સ્વચ્છ ઉર્જા, પોષણ, પરવડે તેવું આરોગ્ય અને આરામદાયક જીવન પ્રદાન કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવા બદલ સરકારની પ્રશંસા કરી હતી. પ્રો. મૂનાએ પુનરોચ્ચાર કર્યો હતો કે, સરકાર આયોજનના પરિબળો પર કામ કરી રહી છે અને દરેક વ્યક્તિ સુધી તેની નીતિઓની પહોંચ સુનિશ્ચિત કરી રહી છે અને NIPER-A જેવી સંસ્થા બદલાતા સમયની સાથે નવી ટેકનોલોજીને અપનાવવા અને તેનો પ્રસાર કરવાના તેમના સામર્થ્ય દ્વારા વિજ્ઞાન અને ટેકનોલોજીમાં કૌશલ્ય વિકસાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, તમામ વિદ્યાર્થીઓ આરોગ્ય સંભાળમાં આપણા દેશને વધુ મજબૂત બનાવે તેવી પ્રથાઓ અપનાવવાનું ચાલુ રાખવું જોઇએ. પ્રો. મૂનાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, શીખવાની પ્રક્રિયા ક્યારેય અટકવી જોઇએ નહીં અને સખત મહેનતનો કોઇ જ શોર્ટકટ નથી. તેમણે વિદ્યાર્થીઓને નમ્ર, આત્મવિશ્વાસું અને ઉત્પાદક બનવાની સલાહ આપી હતી. તેમણે પુનરોચ્ચાર કર્યો હતો કે, નવા IIT, AIIMS અને IISER, NIPER એ સરકાર દ્વારા કરવામાં આવતા પરિવર્તનકારી રોકાણના નોંધપાત્ર દૃશ્ટાંતો છે જે શૈક્ષણિક ઇકોસિસ્ટમ પર સકારાત્મક પ્રભાવ પાડી રહ્યા છે.

તમામ મહાનુભાવોના સંબોધન બાદ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી. વિદ્યાર્થી પ્રતિનિધિએ તમામ સ્નાતકો વતી આભાર વચન રજૂ કર્યા હતા, જેમાં તેમણે કેવી રીતે NIPER અભ્યાસક્રમ, શિક્ષણની પદ્ધતિ અને અભ્યાસક્રમથી તેમના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવ્યું છે તેના વિશે વાત કરી હતી. બાદમાં, શ્રી રજનીશ ટીંગલે 9મા દીક્ષાંત સમારંભના સમાપનની જાહેરાત કરી હતી. કાર્યક્રમ પછી ભોજન, NIPER-A પરિસરની મુલાકાત અને અતિથિઓ દ્વારા પ્રસ્થાન કરવામાં આવ્યું હતું.

YP/GP/JD

 



(Release ID: 1886328) Visitor Counter : 135