માહિતી અને પ્રસારણ મંત્રાલય

મતદાર જાગૃતિ મલ્ટીમીડિયા પ્રદર્શનનું ગુજરાત યુનિવર્સિટી ગ્રંથાલય ખાતે જિલ્લા કલેકટરશ્રી ડૉ.ધવલ પટેલના હસ્તે થયું ઉદ્ઘાટન


કેન્દ્રીય સંચાર બ્યુરો અને ગુજરાત યુનિવર્સિટીના સંયુક્ત આયોજન દ્વારા મતદાર જાગૃતિ અભિયાનનો થયો પ્રારંભ

સિગ્નેચર કેમ્પેઈન, રેલી, સંવાદ, શેરી નાટક, શપથ, વિભિન્ન સ્પર્ધાઓ સાથે બહુવિધ કાર્યક્રમોનું પાંચ દિવસીય આયોજન

Posted On: 14 NOV 2022 3:24PM by PIB Ahmedabad

ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના કેન્દ્રીય સંચાર બ્યુરો દ્વારા લોકશાહીનો અવસર ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ના ઉપક્રમે મતદાર જાગૃતિ અભિયાનનું વિભિન્ન કાર્યક્રમ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ ખાતે ગુજરાત યુનિવર્સિટીના સહયોગથી મતદાન જાગૃતિ મલ્ટીમીડિયા પ્રદર્શન સાથે બહુવિધ કાર્યક્રમનું આયોજન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે. આ પાંચ દિવસીય કાર્યક્રમનાં પ્રથમ દિવસે અમદાવાદ જિલ્લા કલેકટર શ્રી ડો.ધવલ પટેલના હસ્તે ગુજરાત યુનિવર્સિટી ગ્રંથાલય ખાતે મતદાતા જાગૃતિ  મલ્ટીમીડિયા પ્રદર્શનને ખુલ્લું મૂકવામાં આવ્યું છે.

પ્રદર્શનના આયોજનને બિરદાવતા જિલ્લા કલેકટરશ્રીએ જણાવ્યું કે ચૂંટણી એ લોકશાહીનું પર્વ છે ત્યારે તેમાં મહત્તમ મતદાન થાય અને ખાસ કરીને યુવા મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે તેમને જાણકારી સાથે જાગૃતતા ફેલાવતું આ પ્રદર્શનનું આયોજન સરાહનીય છે. વધુમાં તેમણે જણાવ્યું મહત્તમ મતદાન થાય અને આપણે સો ટકા મતદાનનું લક્ષ્યાંક હાંસલ કરી શકીએ તે માટે ચૂંટણી પંચ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ સક્રિય પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

આ પ્રસંગે ઉપસ્થિત ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડો.હિમાંશુ પંડ્યા એ ગુજરાત યુનિવર્સિટી દ્વારા યુવા મતદારોને જાગૃત કરવા યુનિવર્સિટીએ કરેલા વિભિન્ન પ્રયાસો અંગે જાણકારી આપી હતી સાથે જ મતદાન એ આપણી નૈતિક ફરજ હોવાનું જણાવી સૌને મતદાન કરવા માટે અપીલ કરી હતી.

કેન્દ્રીય સંચાર બ્યુરો,જૂનાગઢના અધિકારી દેવેન્દ્ર ત્રિવેદીએ લોકશાહીમાં મતદાનના મહત્વની સમજ સાથે સમગ્ર ચૂંટણી પ્રક્રિયા અંગે જાણકારી આપતા પ્રદર્શન સહિતના વિશેષ કાર્યક્રમ અંગે માહિતી આપી હતી. વધુમાં તેમણે જણાવ્યું કે લોકશાહીના આ પર્વમાં યુવા મતદારો ઉત્સાહભેર ભાગ લઈ સો ટકા મતદાન કરે તેવા ઉદ્દેશ્ય સાથે આયોજિત આ સમગ્ર કાર્યક્રમમાં યુવા મતદારોને જાણકારી સાથે જાગૃતતા ફેલાય તેવા બહુવિધ કાર્યક્રમોનું પાંચ દિવસ માટે આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત યુનિવર્સિટીના સહયોગ થકી આયોજિત આ મતદાર જાગૃતિ અભિયાનમાં સિગ્નેચર કેમ્પેઈન, મતદાન શપથ ગ્રહણ, સંવાદ, રંગોળી સ્પર્ધા ડિબેટ સ્પર્ધા ,પ્રશ્નોત્તરી સ્પર્ધા, સ્લોગાન સ્પર્ધા,જેવા વિભિન્ન કાર્યક્રમો સાથે શેરી નાટકો દ્વારા પણ મતદાન જાગૃતિનો સંદેશ આવનાર પાંચ દિવસ સુધી ફેલાવવામાં આવશે.

ઉદ્ઘાટન સમારોહમાં જિલ્લા શિક્ષણાધિકારી આર.એમ. ચૌધરી, કેન્દ્રીય સંચાર બ્યુરોના એકાઉન્ટ ઑફિસર રાજીવકુમાર  ઝા, ફિલ્ડ એકઝીબીસન ઑફિસર સુમનબેન મછાર, પ્રદર્શન સહાયક જીતેન્દ્ર યાદવ,ગુજરાત યુનિવર્સિટીના ગ્રંથપાલ ડો.યોગેશ પારેખ સહિત યુનિવર્સિટીના વિભિન્ન વિભાગના અધિકારી- કર્મચારીગણ તેમજ કોલેજના યુવા વિદ્યાર્થીઓની ઉપસ્થિતિ રહી હતી. સમગ્ર કાર્યકમના ભાગરૂપે  મતદાન જાગૃતિના સંદેશ સાથે ગ્રંથ શોભા યાત્રાનું જિલ્લા કલેકટર શ્રી અને યુનિવર્સિટીના કુલપતિ શ્રી ના હસ્તે પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.

YP/GP/JD



(Release ID: 1875794) Visitor Counter : 417