પશુ સંવર્ધન, ડેરી અને મત્સ્ય ઉછેર મંત્રાલય

પ્રધાનમંત્રીએ દેશના યુવાનો પર વિશ્વાસ મૂક્યો છે - કેન્દ્રીય મંત્રી શ્રી પરશોત્તમ રૂપાલા


પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટી, ગાંધીનગર ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી રૂપાલાની ઉપસ્થિતિમાં ગુજરાતના યુવાનોને નિમણૂકપત્રો એનાયત કરાયાં

Posted On: 22 OCT 2022 8:08PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા યુવા સામર્થ્યથી વિકસિત ભારતના વિરાટ સંકલ્પને નવું બળ પ્રદાન કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા આગામી સમયમાં ૧૦ લાખ યુવાનોને નિયુક્તિ આપવા માટેના રોજગાર મેળાઓનો શુભારંભ કરાવવામાં આવ્યો છે. જે અંતર્ગત પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટી-પીડીઈયુ, ગાંધીનગર સહિત દેશનાં જુદા જુદા ૫૦ સ્થળે પ્રધાનમંત્રી શ્રી મોદીના હસ્તે વર્ચ્યુઅલ માધ્યમથી ૭૫ હજાર જેટલા યુવાનોને નિયુક્તિપત્રોનું વિતરણ કરવાના કાર્યક્રમો યોજાઈ ગયા. જે પૈકી ગાંધીનગરમાં ૩૦ યુવાનોને કેન્દ્રીય મત્સ્ય ઉદ્યોગ, પશુપાલન તેમજ ડેરી ઉદ્યોગ મંત્રી શ્રી પરશોત્તમભાઈ રૂપાલા તથા અન્ય મહાનુભાવોના હસ્તે નિયુક્તિપત્રો એનાયત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે ગુજરાતમાં પોસ્ટ વિભાગ, ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ, ઇન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસીસ ઑથોરિટી, નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઑફ ફેશન ટેલનોલૉજી, યુનિયન બેંક, સીઆરપીએફ જેવી સંસ્થાઓના કુલ ૩૭૨ કર્મચારીઓને નિયુક્તિપત્રો અપાયાં છે.

કેન્દ્રીય મંત્રી શ્રી પરશોત્તમ રૂપાલાએ નવનિયુક્ત યુવાનોને સંબોધિત કરતાં કહ્યું હતું કે, શ્રી મોદીએ વ્યવસ્થા બદલવાનું ભગીરથ કાર્ય કર્યું છે. તેમણે દેશના નવયુવાનો પર વિશ્વાસ મૂક્યો છે. ભૂતકાળકમાં, અરજદારે પોતાના માર્કશીટ-પ્રમાણપત્રો પ્રમાણિત કરવા માટે રાજકીય વ્યક્તિઓ કે અધિકારીઓ પર નિર્ભર રહેવું પડતું હતું. તેમાં ઉમેદવાર-અરજદાર યુવાધનનો સમય વેડફાતો હતો.

તેમણે કહ્યું હતું, પ્રધાનમંત્રીએ સ્વ-પ્રમાણિત પ્રમાણપત્રો માન્ય રાખવાનું ઠરાવ્યું છે. આ પગલું ભરવા પાછળના ઉદ્દેશથી માત્ર પ્રક્રિયા જ સરળ નથી થઈ, પરંતુ પ્રધાનમંત્રીને યુવાનો પર રહેલો વિશ્વાસ પ્રસ્થાપિત કર્યો છે કે યુવાન ક્યારેય કોઈ ખોટું પગલું ભરશે નહીં.

ગાંધીનગર ખાતે આયોજિત આ રોજગાર મેળામાં વિવિધ ક્ષેત્રો જેમકે પોસ્ટ વિભાગ, ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ, ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસિઝ સેન્ટર્સ ઓથોરિટી, એનઆઈએફટી, યુનિયન બેન્ક, સીઆરપીએફમાં મળીને 30 ઉમેદવારોને જોબ લેટર્સ કેન્દ્રીય મંત્રી શ્રી રૂપાલાએ સુપરત કર્યા હતા.

YP/GP/JD



(Release ID: 1870322) Visitor Counter : 118