આયુષ

કેન્દ્રીય મંત્રી ડૉ. મહેન્દ્રભાઈ મુંજપરાના અધ્યક્ષસ્થાને આયુર્વેદ કોલેજ સંલગ્ન હોસ્પિટલના ભૂમિપૂજન કાર્યક્રમ સંદર્ભે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ


રૂ. 136 કરોડના ખર્ચે 5 હેકટર વિસ્તારમાં 100 બેડની સુવિધા ધરાવતી આયુર્વેદ હોસ્પિટલ- કોલેજનું નિર્માણ કરાશેઃ કેન્દ્રીય આયુષમંત્રી ડૉ.મહેન્દ્રભાઈ મુંજપરા

Posted On: 16 OCT 2022 7:25PM by PIB Ahmedabad

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગાંધીનગર- ગુજરાત સરકાર તથા નેશનલ આયુષ મિશન(NAM), આયુષ મંત્રાલય, ભારત સરકારના સહયોગથી સુરેન્દ્રનગર ખાતે સરકારી આયુર્વેદ કોલેજ અને હોસ્પિટલના ભૂમિ પૂજન કાર્યક્રમ સંદર્ભે કલેકટર કચેરી ખાતે કેન્દ્રીય આયુષમંત્રી ડૉ.મહેન્દ્રભાઈ  મુંજપરાના અધ્યક્ષ સ્થાને એક પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી.

આ પ્રેસ કોન્ફરન્સને સંબોધતા ડૉ.મહેન્દ્રભાઈ  મુંજપરાએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જિલ્લાના લોકોની માંગણીને ધ્યાને લઇને જિલ્લામાં વાજબી દરે આયુર્વેદિક પદ્ધતિથી શ્રેષ્ઠ સારવાર મળી રહે તે માટે 5 હેકટરથી વધુ વિસ્તારમાં આકાર લેનારી નવી આર્યુવેદ કોલેજની ભેટ આપી છે. જેથી જિલ્લાના લોકોને એનો મોટા પ્રમાણમાં લાભ મળશે.

આ કોલેજમાં અભ્યાસ કરવા માટે જરૂરી લાયકાતો વિશે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે જિલ્લાના બાળકો ખૂબ જ ઓછી ફી ભરીને આયુર્વેદનું શ્રેષ્ઠ શિક્ષણ અહી મેળવી શકશે.

છેલ્લા દાયકામાં પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન અને અવિરત પ્રયાસોના કારણે વિશ્વભરમાં આયુર્વેદનું મહત્વ વધ્યું છે અને આયુર્વેદના ડોક્ટર્સની વધેલી માંગ આ આયુર્વેદ કોલેજ મારફતે સંતોષી શકાશે. કોરોના કાળમાં આયુષ ઉપચાર પદ્ધતિઓના સફળ ઉપયોગ અને અસરકારકતા વિશે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે શ્રી નરેન્દ્રભાઇ મોદીના પ્રધાનમંત્રી બન્યા બાદ આયુષ વિભાગનું બજેટ રૂ. 691 કરોડથી વધારી રૂ. 3050 કરોડ કરવામાં આવ્યું છે. ગુજરાત અને દેશભરમાં 12 હજારથી વધુ આયુષ હેલ્થ અને વેલનેસ સેન્ટરોના આયોજન વિશે જાણકારી આપતા કેન્દ્રીય મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે આ પૈકી ગુજરાતમાં 265 અને સુરેન્દ્રનગર જિલ્લામાં 12 વેલનેસ સેન્ટર ફાળવવામાં આવ્યા છે.

કોલેજમાં રહેલ સુવિધાઓ અંગે વાત કરતા મંત્રીશ્રી એ જણાવ્યું હતું કે રૂપિયા 136 કરોડના ખર્ચે આધુનિક સુવિધાઓથી સજજ હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવશે.જેમાં 60% ખર્ચ કેન્દ્ર સરકાર અને 40% ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે.આ કોલેજમાં કાયચિકિત્સા, પંચકર્મ, શલ્યતંત્ર, શાલાક્યા તંત્ર(નેત્ર વિભાગ), શાલાક્યા તંત્ર(કર્ણ, નાસા, મુખ, દંત વિભાગ), પ્રસુતિ/ સ્ત્રી રોગ વિભાગ જેવા અલગ અલગ 9 વિભાગો બનશે. જેથી સુરેન્દ્રનગર અને આસપાસના જિલ્લાને તેનો લાભ મળશે. આ ઉપરાંત કોલેજ કેમ્પસમાં જ ઔષધીય વનસ્પતિઓનું ઉદ્યાન પણ ઉભુ કરવામાં આવશે.

આ પ્રેસ કોન્ફરન્સમાં આયુષ સચિવશ્રી રાજેશ કોટેચા, અંગત સચિવશ્રી અમૃતેષ ઔરંગાબાદકર, જિલ્લા વિકાસ અધિકારી  પી.એન.મકવાણા, નિવાસી અધિક કલેકટરશ્રી ડી.આઇ.ભગલાણી, મુખ્ય આયુર્વેદ અધિકારીશ મનોજ તારવાણી, નાયબ માહિતી નિયામકશ્રી સહિત પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

YP/GP/JD



(Release ID: 1868339) Visitor Counter : 197