સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય

કેન્દ્રીય સંચાર મંત્રી શ્રી દેવુંસિંહ ચૌહાણના અધ્યક્ષસ્થાને ખેડા ખાતે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના નવીન મકાનનો ભૂમિપૂજન કાર્યક્રમ યોજાયો


૩ નવી એમ્બ્યુલન્સને પ્રસ્થાન કરાવતા કેન્દ્રીય સંચાર મંત્રી શ્રી દેવુંસિંહ ચૌહાણ

Posted On: 14 OCT 2022 3:55PM by PIB Ahmedabad

ખેડા ખાતે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના નવીન મકાનનું ભૂમિ પૂજન અને ત્રણ નવી એમ્બ્યુલન્સને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવતા, કેન્દ્રીય રાજ્ય સંચાર મંત્રીશ્રી દેવુસિંહ ચૌહાણે જણાવ્યું કે ખેડા જિલ્લાના ખેડા ખાતે અદ્યતન સુવધાઓથી સજ્જ હોસ્પિટલના નિર્માણથી ખેડા શહેર સહિત આસપાસના વિસ્તારના તમામ લોકોને વધુ ગુણવત્તાયુક્ત સુવિધાઓ અને ત્વરિત સારવાર મળશે. કોરોનાકાળ પછી ભારતમાં આરોગ્ય અને સ્વાસ્થ્ય ક્ષેત્રે આવેલા સકારાત્મક પરિવર્તનની વાત કરતા મંત્રી શ્રી દેવુસિંહે જણાવ્યું કે કોરોના રસીકરણ અભિયાન, મફત અનાજ વિતરણ અને લોકડાઉન જેવા મહત્વના નિર્ણયો થકી જન આરોગ્યમાં નોંધપાત્ર સુધારો આવ્યો છે. જન્મથી મૃત્યુ સુધી વિવિધ આરોગ્ય સુવિધાઓ દ્વારા બાળક અને માતાના મૃત્યુદરમાં ઘટાડો આવ્યો છે અને સમગ્ર રીતે લોકોના આયુષ્ય દરમાં વધારો થયો છે. આરોગ્યના સંદર્ભમાં લોક કેળવણીનું મહત્વ સમજાવતાં મંત્રીશ્રીએ ઉપસ્થીત સૌને મેડિકલ વિભાગ સંલગ્ન તમામ લોકો સાથે આદરભાવ સાથે વર્તન કરવા અપીલ કરી હતી.

કેન્દ્રીય સંચાર મંત્રી શ્રી દેવુંસિંહ ચૌહાણના અધ્યક્ષસ્થાને આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા નિર્મિત રૂ. ૨૩૮૭.૫૦ લાખના ખર્ચે, ૮૫૧૮.૯૨ ચો.મી. વિસ્તારમાં જિલ્લાની જનરલ હોસ્પિટલ, ખેડા ખાતે ઓ.પી.ડી, ઓ.ટી. અને વોર્ડ બિલ્ડિંગના ૩ માળના નવીન મકાનના ભૂમિપૂજનનો કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે મંત્રી શ્રી દેવુસિંહે માતર, વસો અને ખેડા માટે ૩ નવી એમ્બ્યુલન્સને પ્રસ્થાન કરાવ્યું હતું.

હોસ્પિટલના નવીન મકાનમાં ગ્રાઉન્ડ ફ્લોર પર વિવિધ વિભાગના ૮ ઓ.પી.ડી. રૂમ, ટ્રોમા સેન્ટર, લેબોરેટરી,ગ્રાઉન્ડ ફ્લોર, ગાયનેક વિભાગ, લેબરરૂમ,એક્સ-રે / સોનોગ્રાફી,બાળકોનો વિભાગ; પ્રથમ માળ પર મેલ-ફીમેલ વોર્ડ, આઇ.સી.યુ. વોર્ડ, મેટરનીટી વોર્ડ, આઇસોલેશન વોર્ડ, ડાયાલીસીસ વોર્ડ, સુપીટેન્ડન્ટ ઓફીસ, ઓપરેશન થિયેટર, પ્રી ઓપરેટીવ રૂમ, પોસ્ટ ઓપરેટીવ રૂમ અને બીજા માળ પર મેડીકલ સ્ટોર રૂમ, મલ્ટીપર્પઞ હૉલ, મિલ વોર્ડ, નર્સિંગ સ્ટેશન, સ્પેશિયલ રૂમ, સેમી સ્પેશિયલ રૂમનો સમાવેશ થાય છે. ઉપરાંત હોસ્પિટલના દરેક માળ પર લિફ્ટ, રેમ્પ, વિશાળ પેસેજ, વેઇટિંગ એરિયા, સ્ત્રી- પુરુષ માટે અલગ ટોઇલેટ બ્લોકની સામાન્ય સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

આ પ્રસંગે ગુજરાત સરકારના કેબિનેટ મંત્રીશ્રી અર્જુનસિંહ ચૌહાણે નવીન હોસ્પિટલમાં મળતી સુવિધાઓનો મહત્તમ ઉપયોગ કરવા લોકોને અપીલ કરી હતી અને ખેડા ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીએ જણાવ્યું કે માતર, વસો અને ખેડા માટે નવી ૩ એમ્બ્યુલન્સથી વધુ ઝડપી મેડિકલ ઈમરજન્સી સર્વિસ મળશે.

આ પ્રસંગે ખેડા ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અધિક્ષક ડો. ઈમ્તિયાઝ વ્હોરાએ હોસ્પિટલમાં આપવામાં આવતી વિવિધ સુવિધાઓની માહિતી આપી અને હોસ્પિટલ બિલ્ડિંગના નવીન મકાન માટે ગુજરાત સરકારનો આભાર માન્યો હતો.

આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રીશ્રી અર્જુનસિંહ ચૌહાણ, ખેડા - માતર ધારાસભ્ય શ્રી કેસરીસિંહ સોલંકી, જિલ્લા કલેક્ટર શ્રી કે.એલ.બચાણી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી મેહુલભાઈ દવે, મદદનીશ કલેટરશ્રી અનંદુ સુરેશ ગોવિંદ, આરોગ્ય સમિતના ચેરમેન રમણભાઈ, CDHO શ્રી શાલિની ભાટીયા, ખેડા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી પિનાકીનભાઈ રાજપુત, ખેડા જિલ્લા પંચાયત ઉપ પ્રમુખ શ્રી બાબુભાઈ પરમાર, ખેડા જનરલ હોસ્પિટલના ડોક્ટર્સ, સ્ટાફગણ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા

YP/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1867765) Visitor Counter : 144