રેલવે મંત્રાલય

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવની મહત્ત્વની જાહેરાત - આવનારા સમયમાં ગુજરાત યુનિવર્સિટીમાં 5G લેબ તૈયાર થશે


ગુજરાત યુનિવર્સિટી સેનેટ હોલમાં કેન્દ્રીય રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવનો ' DRIVING DOUBLE ENGINE' વિષય પર યુવાનો સાથે સંવાદ

આજના યુવાનોએ એક પોઝિટિવ માઇન્ડ સેટ ડેવલપ કરવાની જરૂર છે: કેન્દ્રીય મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇના નેતૃત્વમાં દેશમાં 199 નવા વર્લ્ડ ક્લાસ રેલવે સ્ટેશનોનો પ્લાન તૈયાર

કાલુપુર રેલવે સ્ટેશનને વર્લ્ડ ક્લાસ રેલવે સ્ટેશન બનાવાશે, 12 દિવસ પહેલા જ કેબિનેટમાં મળી મંજૂરી

2025 સુધીમાં 'વંદે ભારત -3' લાવવાની પણ યોજના છે અને આ ટ્રેન 220 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડશે

Posted On: 07 OCT 2022 5:04PM by PIB Ahmedabad

સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી સેનેટ હોલમાં કેન્દ્રીય રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવના ' DRIVING DOUBLE ENGINE' વિષય પર યુવાનો સાથે સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ અવસરે કેન્દ્રીય મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે મહત્વની જાહેરાત કરતા જણાવ્યુ હતું કે, આવનારા સમયમાં ગુજરાત યુનિવર્સિટીમાં 5G લેબ તૈયાર થશે. ટૂંક સમયમાં આ પ્રોજેક્ટની મંજૂરી પણ મળી જશે અને 2-3 મહિનામાં કોર નેટવર્ક પણ ઊભું કરી દેવામાં આવશે.

કેન્દ્રીય મંત્રી શ્રી અશ્વિન વૈષ્ણવે યુવાનોને સંબોધન કરતા કહ્યું કે, આજના યુવાનોએ એક પોઝિટિવ માઇન્ડ સેટ ડેવલપ કરવાની જરૂર છે. કેમ કે નવા ભારતના સંકલ્પને સાકાર કરવા માટે નવા વિચારોની જરૂર છે. નવા વિચારો થકી જ નવા ભારતના સંકલ્પને સાકાર કરી શકાશે. આ નવા વિચારો લાવવા માટે આજના યુવાનોએ ખૂબ મહેનત કરવાની જરૂર છે.

કેન્દ્રીય મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે રેલવે સેક્ટરની વાત કરતા કહ્યું કે, આપણે ત્યાં રેલવેમાં દરરોજ અઢી કરોડ લોકો મુસાફરી કરે છે. આજે રેલવેમાં મેનેજમેન્ટ, ડિસીપ્લિન અને ટેક્નોલોજીનો ઉત્કૃષ્ટ સમન્વય રાખવામાં આવ્યો છે. જેના કારણે ભૂતકાળની સાપેક્ષમાં અકસ્માતોની સંખ્યા ઘટી છે.

મુસાફરોને વિશ્વસ્તરીય રેલ સુવિધા આપવાની દિશામાં પ્રયાસો વિશે વાત કરતા તેમણે જણાવ્યુ હતુ કે, 2017માં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્લ્ડ ક્લાસ ટ્રેનનું દેશમાં નિર્માણ કરવાનો લક્ષ્યાંક આપ્યો હતો. જેને માત્ર બે વર્ષમાં જ એટલે કે 2019માં સાકાર કરી પ્રથમ ટ્રેનનું સંચાલન કરવામાં આવ્યું હતુ. આ ટ્રેન આજે પૃથ્વીની 18થી વધુ વખત પ્રદક્ષિણા કરી શકાય તેટલા કિલોમીટર કોઈપણ બ્રેકડાઉન વગર ચાલી છે. જે ભારતીય એન્જિનિયરિંગ ક્ષેત્રની મિસાલ છે.

તેમણે વધુમાં ઉમેર્યું કે, શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં દેશમાં 199 નવા વર્લ્ડ ક્લાસ રેલવે સ્ટેશનનો પ્લાન ઘડવામાં આવ્યો છે. હાલમાં 134 રેલવે સ્ટેશનનો માસ્ટર પ્લાન અન્ડર પ્રિપરેશનમાં છે, જેમાંથી 65ની ડિઝાઇન અપ્રૂવ પણ થઇ ગઇ છે. જ્યારે 47 ટેન્ડર્સ ઇસ્યૂ પણ કરી દેવામાં આવ્યા છે અને 34 રેલવે સ્ટેશનને વર્લ્ડ ક્લાસ રેલવે સ્ટેશન બનાવવાની કવાયત ચાલું પણ થઇ ગઇ છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીનો હંમેશાં આગ્રહ રહે છે કે જે પણ પ્રોજેક્ટ તૈયાર કરો તે લાંબા ગાળાના ભવિષ્યને ધ્યાનમાં રાખીને કરવો જોઇએ અને આજે રેલવે તંત્ર એ દિશામાં આગળ વધી રહ્યું છે. આમ, શ્રી નરેન્દ્રભાઇ મોદી આવનારા ભવિષ્યનું વિચારી રહ્યા છે જેથી યુવા પેઢીનું ભવિષ્ય સિક્યોર થઇ શકે.

કાલુપર રેલવે સ્ટેશન વિશે વાત કરતા તેમણે કહ્યું કે, 12 દિવસ પહેલા પ્રધાનમંત્રીશ્રીએ આ પ્રોજેક્ટને કેબિનેટમાં મંજૂરી આપી દીધી છે. નવી ટેક્નોલોજી સાથે કાલુપુર રેલવે સ્ટેશનને વર્લ્ડ ક્લાસ રેલવે સ્ટેશન બનાવવામાં આવશે. રેલવે સ્ટેશનના આસપાસના રોડ ઉપર એલિવેટેડ રોડ બનાવવામાં આવશે. તેના ઉપર ત્રણ લેવલની રૂફ બનાવવામાં આવશે. ઉપરના ધાબા ઉપર કમ્પ્લીટ સોલર પેનલ મૂકવામાં આવશે. આનું ટેન્ડર પણ ટૂંકક સમયમાં જાહેર થઇ જશે. અત્યાર સુધીમાં દેશમાં આવા ત્રણ વર્લ્ડ ક્લાસ રેલવે સ્ટેશન તૈયાર થઇ ગયા છે જેમાં ભોપાલ, બેંગ્લુરુ અને ગુજરાતના ગાંધીનગરનો સમાવેશ થાય છે.

ગુજરાતના અન્ય શહેરમાં તૈયાર થનારા વર્લ્ડ ક્લાસ રેલવે સ્ટેશનની વાત કરતા તેમણે કહ્યું કે, સુરતમાં પણ વર્લ્ડ ક્લાસ રેલવે સ્ટેશન બનશે. 15 દિવસ પહેલા જ આનું ટેન્ડર થઇ ગયું છે. આ સ્ટેશન ડેવલપ કરવામાં પણ રૂફ પ્લાઝાનો કન્સેપ્ટ છે. આ તમામ સ્ટેશન મલ્ટીલેવલ ઇન્ટિગ્રેશનનું આયોજન છે. આ ઉપરાત ભુજ, ઉધના, સોમનાથના રેલવે સ્ટેશન પર પણ આ પ્રકારની સુવિધાઓ ઊભી કરવામાં આવશે.

કેન્દ્રીય મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, 2025 સુધીમાં વંદે ભારત -3 લાવવાની પણ યોજના છે. નવી ડિઝાઇન સાથે લાઈટ વેઇટ બોડી હશે અને આ ટ્રેન 220 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડશે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટની વાત કરતા તેમણે કહ્યું કે, બુલેટ ટ્રેનની કામગીરી પણ ઝડપથી ચાલી રહી છે. પહેલા બુલેટ ટ્રેનના મોલ્ડ કોરિયાથી મંગાવ્યા હતા. હવે તેનું નિર્માણ ગુજરાતના રાજકોટમાં શરૂ થઇ ગયુ છે અને આજે આજે રાજકોટમાંથી દુનિયાભરમાં મોલ્ડ સપ્લાય થઈ રહ્યા છે. આ મેક ઇન ઇન્ડિયાની કમાલ છે.

આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંધવીએ કહ્યું કે, આજે ડબલ એન્જિનવાળી સરકારના શાસનમાં તમામ કાર્યો જેટલા ઝડપથી ચાલુ થઇ રહ્યા છે, એટલા જ ઝડપથી પૂર્ણ પણ થઇ રહ્યા છે. તેમણે વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું કે, કેન્દ્રમાં જ્યારે વિપક્ષની સરકાર હતી ત્યારે ગુજરાત સાથે અન્યાય થતો હતો. નર્મદા પ્રોજેક્ટની વાત હોય કે પછી રેલવેના પ્રોજેક્ટ્સ હોય હંમેશાં કેન્દ્રની વિપક્ષની સરકારે તમામ કામો અટકાવી દીધા હતા અને જે પ્રોજેક્ટ્ના કામ માટેની મંજૂરી માંગીએ એ મળતી નહોતી. આજે પરિસ્થિતિ અલગ છે. આજે ગુજરાતની ડબલ એન્જિનવાળી સરકાર એક લેટર કેન્દ્રમાં લખે છે તરત કેન્દ્રમાં શ્રી નરેન્દ્રભાઇની સરકારે તેને મંજૂરી આપી દે છે.

વંદે ભારત ટ્રેન અંગે વાત કરતા મંત્રી શ્રીએ કહ્યું કે, આઝાદીના 75 વર્ષ બાદ ભારતમાં વર્લ્ડ ક્લાસ વંદે ભારત ટ્રેન શરૂ થઇ છે, જે આપણા સૌ માટે ગૌરવની વાત છે. એક વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં આજે ભારત અને ગુજરાતમાં ઊભું થઇ રહ્યું છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

હેલ્થ સેક્ટરની વાત કરતા શ્રી હર્ષ સંઘવીએ કહ્યુ કે, આજે ગુજરાત એવું પ્રથમ રાજ્ય છે જ્યાં કિડની ટ્રાન્સપ્લાંટ નજીવા ખર્ચે થાય છે અને મુખ્યમંત્રી ફંડમાંથી સહાય પણ કરવામાં આવે છે. એટલું જ નહીં, આજે ડબલ એન્જિનવાળી સરકારને કારણે દરેક જિલ્લા અને તાલુકામાં કિડનીની બીમારીથી પીડિત દર્દીઓ માટે ડાયાલિસીસની વ્યવસ્થાઓ પણ ઊભી કરવામાં આવે છે.

શ્રી હર્ષ સંઘવીએ નવરાત્રિમાં પોલીસની અથાગ મહેનતને બિરદાવતા કહ્યું કે, 'આ વર્ષે નવરાત્રિમાં ગુજરાતના સૌ મન મૂકીને ગરબા રમ્યા છે. નવરાત્રિ દરમ્યાન પોલીસની અથાગ મહેનતની સાથે મોડી રાત સુધી ખાનપાન સહિતના નાના-નાના બજારો ખુલ્લા રહ્યાં હતા. આમ, નવરાત્રિમાં દિવાળી લાવવાનું કામ આ ડબલ એન્જિનની સરકારે કર્યું છે.

આ અવસરે ગૃહરાજ્ય મંત્રીશ્રીએ નવરાત્રીમાં પોલીસ દ્વારા કરવામાં આવેલી પ્રશંસનીય કામગીરી બદલ ગુજરાતના સૌ યુવાનોને સોશિયલ મીડિયાના માધ્યમથી પોલીસ વિભાગનો આભાર વ્યક્ત કરવાની અપીલ પણ કરી હતી.

આ અવસરે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ શ્રી હિમાંશુ પડ્યા, સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડના પદાધિકારીઓ, રેલવેના અધિકારી અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

YP/GP/JD

 



(Release ID: 1865857) Visitor Counter : 161