સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હી ખાતે ભારતમાં 5G ટેક્નોલોજીનો પ્રારંભ કર્યો


કેન્દ્રીય સંચાર મંત્રીશ્રી અશ્વિની વૈષ્ણવ, રાજ્યકક્ષાના સંચાર મંત્રી અને ખેડાના સાંસદ શ્રી દેવુસિંહ ચૌહાણ, જાણીતા ઉદ્યોગપતિ શ્રી મુકેશભાઈ અંબાણી સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા

Posted On: 01 OCT 2022 6:35PM by PIB Ahmedabad

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારત સરકારના ડિજિટલ ઈન્ડિયા અને આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત એકવસમી સદીના વિકસતા ભારતના વધુ એક સ્વપ્નને પૂર્ણ કરતા આજે નવી દિલ્હી ખાતે ભારતમાં 5G ટેક્નોલોજીનો પ્રારંભ કર્યો. આ પ્રસંગે કેન્દ્રીય સંચાર મંત્રીશ્રી અશ્વિની વૈષ્ણવ, રાજ્યકક્ષાના સંચાર મંત્રી અને ખેડાના સાંસદ શ્રી દેવુસિંહ ચૌહાણ, જાણીતા ઉદ્યોગપતિ શ્રી મુકેશભાઈ અંબાણી સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ શુભારંભ સાથે 4 દિવસીય ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસની પણ શરૂઆત કરવામાં આવી હતી. 5G ટેક્નોલોજી સમગ્ર ભારત દેશમાં ત્રણ ચરણોમાં શરૂ કરવામાં આવશે. પ્રથમ ચરણમાં (Phase-I) ભારતના 13 શહેરો જેમ કે અમદાવાદ, બેંગલોર, ચંડીગઢ, ગુરુગ્રામ, ગાંધીનગર, ચેન્નાઈ, દિલ્હી, જામનગર, લખનઉ, મુંબઈ, પૂના, કલકત્તા, હૈદરાબાદ વગેરેમાં શરૂ કરવામાં આવશે.

આ પ્રસંગે નોંધવા જેવી બાબત એ છે કે 5G ટેકનોલોજીનો સમગ્ર ભારત દેશમાં શુભારંભ કરાવનાર ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી ગુજરાતી, 5G ટેકનોલોજીને સમગ્ર દેશમાં પહોંચાડવામાં સિંહફાળો ધરાવનાર ટેલિકોમ વિભાગના મંત્રી અને ખેડાના સાંસદ શ્રી દેવુસિંહ ચૌહાણ ગુજરાતી અને ભારત દેશમાં સૌપ્રથમ કોમર્શિયલ ક્ષેત્રે 5G ટેકનોલોજીને અપનાવનાર કંપની રિલાયન્સ જીઓના વડા પણ ગુજરાતી. જે ભારત દેશમાં ટેકનોલોજીના વિકાસમાં ગુજરાતનો અમૂલ્ય ફાળો દર્શાવે છે.

પ્રધાનમંત્રીશ્રીએ તેમના વક્તવ્યમાં જણાવ્યું હતું કે 01 ઓક્ટોબર, 2022નો દિવસ વિકસતા ભારતના સામર્થ્યને સર્વોચ્ચ ઊંચાઈ પર પહોંચાડવાનો એક વિશેષ અવસર લઈને આવ્યો છે. આજરોજ ભારતને 5Gના સ્વરૂપે વર્તમાન Decade ને Techade”માં પરિવર્તન કરવાની એક સુવર્ણ તક પ્રાપ્ત થઈ છે. અત્યાર સુધી 2G, 3G અને 4G ટેક્નોલોજી બાબતે ભારત દેશ અન્ય દેશ પર નિર્ભર હતો, જ્યારે સ્વદેશી 5G ટેકનોલોજીના પ્રારંભ સાથે ભારત પ્રથમ વખત ટેલિકોમ ટેકનોલોજી ક્ષેત્રે પ્રતિનિધિત્વ કરી રહ્યું છે. 5G ટેક્નોલોજીના પ્રારંભ સાથે ભારત દેશ ટેકનોલોજીનો માત્ર ઉપભોક્તા ન રહેતા નવીનતમ ટેકનોલૉજીના અમલીકરણમાં કાર્યશીલ ભૂમિકા નિભાવશે.

ડિજિટલ ઈન્ડિયાની સફળતા માટે 4 મુખ્ય આધારસ્તંભ છે:

1      ડિવાઇસની કિંમત

2.      ડિજિટલ કનેક્ટિવિટી

3.      ડેટાની કિંમત
4.      ડિજિટલ ફર્સ્ટ (મુખ્ય)

ભારત દેશ ડિજિટલ ઇકોનોમી ક્ષેત્રમાં બીજો સૌથી મોટો ઉપભોક્તા ધરાવતો દેશ છે. ભારતમાં 117 કરોડથી વધુ દૂરસંચાર ઉપયોગકર્તા તેમજ 82 કરોડથી વધુ ઇન્ટરનેટના ઉપયોગકર્તા છે. 5G ટેકનોલૉજીના પ્રારંભ સાથે ભારતની આત્મનિર્ભરતામાં વધારો કરશે, 5G કે જે હાઇ બેન્ડ સ્પેકટ્રમ ધરાવે છે, જેની 20 gbps સુધીની ઝડપનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. તે 4G ના સંદર્ભમાં 20 ગણી વધુ ઝડપથી કાર્ય કરશે. 5Gના પ્રારંભ સાથે ન માત્ર ટેલિકોમ ક્ષેત્રમાં ક્રાંતિ આવશે પરંતુ ઇન્ટરનેટ ઓફ થિંગ્સ, ક્લાઉડ કમ્પ્યૂટિંગ, બિગ ડેટા, આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, એડ્જ કમ્પ્યૂટિંગ જેવી ટેકનોલોજીમાં પણ ક્રાંતિ લાવશે. ઔદ્યોગિક ક્રાંતિ-4.0ને વધુ વેગ આપશે. દેશના અર્થતંત્રના એન્જિન સમાન કૃષિ ક્ષેત્ર ઉપરાંત, સ્વાસ્થ્ય ક્ષેત્ર, પરિવહન ક્ષેત્ર, શિક્ષણ ક્ષેત્ર, બૅન્કિંગ ક્ષેત્ર વગેરેનો અભૂતપૂર્વ વિકાસ જોવા મળશે. આ ઉપરાંત, ભારત દેશમાં ગ્રામીણ અને શહેરના અંતરને ઘટાડી છેવાડાના માનવીનું નાણાય સમાવેશની સાથે દેશના આર્થિક વિકાસનો ભાગીદાર બનાવશે.     

5G ટેકનોલોજીના પ્રારંભ સાથે ભારત સરકારના ડિજિટલ ફર્સ્ટ એપ્રોચની સાથે “Internet 4 All” ની વિભાવનાને ઝડપથી પૂર્ણ કરી શકાશે. 5G ટેકનોલોજીની સુવિધા સાથે ટેલિકોમ ક્ષેત્રની ક્રાંતિ ભારતના યુવાપેઢીની વિચારસરણીને સતર્ક બનાવશે કે જે વિશ્વને માત્ર આ દસકા દરમિયાન જ નહીં પરંતુ સમગ્ર એકવીસમી સદી દરમિયાન ટેકનોલોજી ક્ષેત્રે પ્રતિનિધિત્વ પૂરું પાડશે, જેની શરૂઆત આજરોજ ભારતમાં સ્વદેશી 5G ટેક્નોલોજીના પ્રારંભ સાથે થઈ ચૂકી છે.

પ્રધાનમંત્રીશ્રી એ ઉદ્યોગજગતના અગ્રણીઓને અપીલ કરી હતી કે તેઓ ભારતમાં જિલ્લાક્ષેત્રે તેમજ દેશની વિવિધ કોલેજ, શાળા વગેરે જગ્યાએ “5G ટેક્નોલોજી નાગરિકોના જીવનમાં કેવી કેવી રીતે પરિવર્તન લાવી શકે છે” તે અંગે માહિતગાર કરતાં વિવિધ શૈક્ષણિક એક્સિબિશન રાખવા જોઈએ કે જે 5G ટેક્નોલોજીના તમામ પાસાઓને ભારતના અંતરિયાળ વિસ્તાર સુધી પહોંચાડી શકે.

YP/GP/JD


(Release ID: 1864185) Visitor Counter : 196