ગૃહ મંત્રાલય

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીનાં નવાં કૅમ્પસનું ભૂમિપૂજન કર્યું


Posted On: 27 SEP 2022 9:46PM by PIB Ahmedabad

શ્રી અમિત શાહે સેક્ટર-15 નજીક જી-4 રોડ પર ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા નિર્માણ પામેલા અંડરપાસનું ઉદઘાટન કર્યું, શ્રી શાહે ગાંધીનગરનાં રૂપાલ ગામે સુપ્રસિદ્ધ શ્રી વરદાયિની માતાનાં મંદિર સંકુલમાં નવનિર્મિત સુવર્ણ ગર્ભગૃહનાં લોકાર્પણ પ્રસંગે માતાજીનાં દર્શન કરી પૂજા-અર્ચના પણ કરી

કોઈપણ દેશ ટેકનોલોજીના ઉપયોગથી જ વિકસિત થઈ શકે છે, આ દૂરંદેશી વિચારથી મોદીજીએ જીટીયુનાં રૂપમાં દેશના યુવાનોને વિશ્વ સાથે હરીફાઇ કરવાનું પ્લેટફોર્મ આપીને એમનાં ઉજ્જવળ ભવિષ્ય માટે અનેક સંભાવનાઓ ખોલવાનું કાર્ય કર્યું છે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ટેકનોલોજીનો ઉપયોગ વધારીને દેશના દરેક નાગરિકનું જીવનધોરણ ઊંચું લાવીને ગરીબોનાં કલ્યાણના સંકલ્પને સાકાર કરવાનું કામ કર્યું છે

મોદીજીએ દેશને 5 ટ્રિલિયન ડૉલરની અર્થવ્યવસ્થા બનાવવાનું જે લક્ષ્ય રાખ્યું છે, તે યુવાનો માટે દેશમાં અમર્યાદિત સંભાવનાઓ ખોલવાનાં દ્વાર પણ મોકળાં કરી રહ્યું છે

યુવાનોએ મોદીજી દ્વારા લાવવામાં આવેલી નવી શિક્ષણ નીતિનો અભ્યાસ કરીને તેને આત્મસાત કરવી જોઈએ

મોદીજીએ નવી શિક્ષણ નીતિમાં આપણી જૂની જ્ઞાન પરંપરા અને અત્યાધુનિક ટેકનિકલ શિક્ષણનો ઉમેરો કરીને દેશના યુવાનો માટે એક મજબૂત મંચ તૈયાર કર્યો છે

નવી શિક્ષણ નીતિ માત્ર એક દસ્તાવેજ નથી, પરંતુ ભારતના વિદ્યાર્થીઓ અને નાગરિકોની આકાંક્ષાઓનું પ્રતિબિંબ છે અને તેમાં ભારતીય ભાષાઓ, કળા, સંસ્કૃતિ અને વિદ્યાર્થીઓની સર્જનાત્મકતાને વિકસિત કરવાને પ્રાથમિકતા આપવામાં આવી છે

મોદીજીનો સંકલ્પ છે કે જ્યારે દેશ આઝાદીની શતાબ્દી મનાવી રહ્યો હોય ત્યારે ભારત દરેક ક્ષેત્રમાં વિશ્વમાં સૌથી આગળ હોવું જોઈએ અને આ ત્યારે જ શક્ય બનશે જ્યારે દરેક દેશવાસી એક નાનો તો નાનો પણ સંકલ્પ જરૂરથી લે, જો 130 કરોડ ભારતીયો સંકલ્પ લે તો દેશ 130 કરોડ ડગલાં આગળ વધે છે

પ્રધાનમંત્રી શ્રી મોદીનાં નેતૃત્વમાં આપણે સૌએ ભારતને મહાન બનાવવાની આ પ્રક્રિયામાં પોતાનું યોગદાન આપવું જોઇએ

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે ગુજરાતનાં પાટનગર ગાંધીનગરમાં ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીનાં નવાં કૅમ્પસનું ભૂમિપૂજન કર્યું હતું. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

શ્રી અમિત શાહે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા સેક્ટર-15 નજીક જી-4 રોડ પર નિર્માણ પામેલાં અંડરપાસનું ઉદઘાટન કર્યું હતું.

શ્રી શાહે ગાંધીનગરનાં રૂપાલ ગામે સુપ્રસિદ્ધ શ્રી વરદાયિની માતા મંદિર પરિસર ખાતે નવનિર્મિત સુવર્ણ ગર્ભગૃહનાં ઉદ્ઘાટન પ્રસંગે માતાનાં દર્શન કરીને પૂજા-અર્ચના પણ કરી હતી.

શ્રી અમિત શાહે તેમનાં સંબોધનમાં ગુજરાત સરકારનો આ યુનિવર્સિટી માટે 100 એકર જમીન આપવા બદલ આભાર માનતા કહ્યું હતું કે, જે રાજ્ય કે દેશની યુનિવર્સિટી અદ્યતન, લક્ષી અને મુક્ત મનથી વિચરણ કરનારી ન હોય એ રાજ્ય કે દેશનું ભવિષ્ય ક્યારેય ઉજ્જવળ ન હોઈ શકે. શ્રી શાહે જણાવ્યું હતું કે, સંપૂર્ણ સુવિધા ધરાવતી આ યુનિવર્સિટીમાં વહીવટી, શૈક્ષણિક, છાત્રાલય અને પુસ્તકાલય સહિત 14 મોટી ઇમારતો હશે અને આશરે 65 હજાર ચોરસ મીટર ઇકો-ફ્રેન્ડલી બાંધકામ હશે અને એમાં 84 ટકા વિસ્તાર ખુલ્લો રાખવામાં આવ્યો છે, જેથી વિદ્યાર્થીઓ પ્રકૃતિ સાથે જોડાઈ શકે. અહીં વરસાદી પાણીનો સંગ્રહ, સૌર ઊર્જા, એલઇડી અને વેસ્ટ વૉટરના 100 ટકા ઉપયોગ માટે વ્યવસ્થા કરવામાં આવી છે.

કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ જીટીયુની સ્થાપના સમયે કહ્યું હતું કે, ટેકનોલોજી વિના દેશનું ભવિષ્ય ઉજ્જવળ ન બની શકે, દેશ વિકસિત ન બની શકે અને આપણા યુવાનો વિશ્વના યુવાનો સાથે સ્પર્ધા કરી શકે નહીં. તેમણે કહ્યું હતું કે, વિશ્વનાં અદ્યતન શિક્ષણના ઉપયોગ માટે દેશમાં વાતાવરણ કે પ્લેટફોર્મ ન મળે તો શું ફાયદો. શ્રી શાહે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ દેશનાં યુવાનો માટે અનેક સંભવિતતાઓનાં દ્વાર ખોલ્યાં છે. તેમણે કહ્યું કે, મોદીજીએ દેશની સામે 5 ટ્રિલિયન ડૉલરનું અર્થતંત્ર બનાવવાનું જે લક્ષ્ય રાખ્યું છે, તે યુવાનો માટે દેશમાં અપાર સંભાવનાઓ ખોલવાનાં દ્વાર મોકળાં કરશે. આજે 4 લાખ વિદ્યાર્થીઓ જીટીયુમાં ટેકનિકલ અભ્યાસ કરીને આગળ વધી રહ્યા છે અને લગભગ 15 હજાર જેટલા શિક્ષકો તેમને ભણાવી રહ્યા છે.

શ્રી અમિત શાહે યુવાનોને મોદીજી દ્વારા લાવવામાં આવેલી નવી શિક્ષણ નીતિનો અભ્યાસ કરીને તેને આત્મસાત કરવાનો પ્રયાસ કરવા જણાવ્યું હતું. તેમણે કહ્યું કે મોદીજીએ નવી શિક્ષણ નીતિમાં આપણી જૂની જ્ઞાન પરંપરા અને અત્યાધુનિક ટેકનિકલ શિક્ષણનો ઉમેરો કરીને દેશના યુવાનો માટે એક મજબૂત મંચ તૈયાર કર્યો છે. તેમણે કહ્યું કે ભારતમાં શિક્ષણ વ્યવસ્થા બહુઆયામી હતી, પરંતુ કમનસીબે અંગ્રેજોએ બનાવેલી શિક્ષણ વ્યવસ્થા પર આપણે 75 વર્ષ સુધી ચાલ્યા, પરંતુ હવે પ્રધાનમંત્રી શ્રી  મોદીએ શિક્ષણ પ્રણાલીને બહુક્ષેત્રીય બનાવી દીધી છે. શ્રી શાહે જણાવ્યું હતું કે, અગાઉ શિક્ષણનો હેતુ માત્ર નોકરી મેળવવાનો રહેતો હતો, પરંતુ નવી શિક્ષણ નીતિનો હેતુ વિદ્યાર્થીની ક્ષમતા વધારવાનો છે. તેમણે કહ્યું કે આ શિક્ષણ નીતિ એ કોઈ દસ્તાવેજ નથી પરંતુ ભારતના શિક્ષાર્થીઓ અને નાગરિકોની આકાંક્ષાઓનું પ્રતિબિંબ છે. શ્રી શાહે જણાવ્યું હતું કે, નવી શિક્ષણ નીતિમાં ભારતીય ભાષાઓ, કળા, સંસ્કૃતિ અને વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા વિકસાવવાને પ્રાથમિકતા આપવામાં આવી છે.

કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ ટેકનોલોજીની મદદથી દેશવાસીઓનાં જીવનની ગુણવત્તા સુધારવાનું બીડું ઝડપ્યું છે અને જ્યારે મોદીજી ટેકનોલોજીનાં માધ્યમથી લોકોનાં જીવનને સુધારવાનો પ્રયાસ કરે છે, ત્યારે આવા દરેક પ્રયાસમાં તમારા માટે ઘણી તકો રહેલી છે. વિધવા પેન્શન હોય કે શિષ્યવૃતિ, લાભાર્થીઓનાં બૅન્ક ખાતામાં સીધા પૈસા પહોંચે છે અને ટેકનોલોજીના આધારે લોકોનું જીવનધોરણ ઊંચું લાવવા માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે, ટેકનોલોજીનાં માધ્યમથી ગરીબ વ્યક્તિને તેનું રાશન મળી જાય છે. આ ઉપરાંત ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર, સરકારી ખરીદીમાં જીઇએમની વ્યવસ્થા, કૃષિ ક્ષેત્રમાં સોઇલ હેલ્થ કાર્ડ, તમામ કૃષિ મંડીઓને ઇ-મંડી બનાવવાની યોજના, ઇન્ટરનેશનલ સોલર એલાયન્સ, દેશમાં 28 કરોડ એલઇડી બલ્બનું વિતરણ અને દેશભરમાં 2 કરોડથી વધુ સંપત્તિઓનું જિયોટેગિંગ કરવાનું, આ બધું માત્ર ટેકનોલોજીથી જ શક્ય છે અને આ દરેક યોજના દેશના યુવાનો માટે સારી સંભાવના ધરાવે છે.

શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, નવી શિક્ષણ નીતિ અંતર્ગત ઉચ્ચ શિક્ષણનાં ચાર વર્ટિકલ્સ- ક્ષેત્રોની રચના કરવામાં આવી છે – નેશનલ હાયર એજ્યુકેશન રેગ્યુલેટરી કાઉન્સિલ, હાયર એજ્યુકેશન કાઉન્સિલ, જનરલ એજ્યુકેશન કાઉન્સિલ અને નેશનલ એક્રેડિટેશન કાઉન્સિલ. આ ચાર સ્તંભો દ્વારા શિક્ષણની તમામ જરૂરિયાતોને પહોંચી વળવાની કામગીરી કરવામાં આવી છે. ઇ-લર્નિંગ પર ભાર મૂકવામાં આવ્યો છે, મલ્ટિડિસિપ્લિનરી શાળાઓનાં ક્લસ્ટર્સ સ્થાપિત કરવામાં આવ્યાં છે અને શૈક્ષણિક બૅન્ક ઑફ ક્રેડિટની પણ રચના કરવામાં આવી છે જેથી તમારી મહેનતનું પરિણામ એક યોગ્ય ક્વોલિફાઇડ પ્લેટફોર્મ દ્વારા તમને મળી શકે. ‘સ્વયં’ હેઠળ જાતે ભણવાની વ્યવસ્થા કરાઇ છે અને આજે દેશની 59 ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ 351 સો ટકા ઓનલાઈન અભ્યાસક્રમ લઈને આવી છે અને તે જ દર્શાવે છે કે આવનારા દિવસોમાં વિદ્યાર્થીઓને ભણવા માટે કોઈ યુનિવર્સિટીની જરૂર નહીં પડે. સંશોધન અને નવીનતા માટે ઘણી જોગવાઈઓ કરવામાં આવી છે અને સૌથી મોટી બાબત એ છે કે પ્રાદેશિક ભાષાઓને મહત્વ આપવું. જ્યારે વિદ્યાર્થી તેની ભાષામાં વિચારે છે ત્યારે જ તે સારી રીતે સંશોધન કરી શકે છે કારણ કે તેની સ્વાભાવિક વિચારસરણીની શક્તિ તેની ભાષામાંથી તેને પ્રાપ્ત થાય છે. આ માટે અમે 12 ભાષાઓમાં જેઇઇ અને નીટની પરીક્ષા લેવાનું શરૂ કર્યું છે. એ જ રીતે, કૉમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ દેશની 13 ભાષાઓમાં લેવાઇ રહી છે અને એન્જિનિયરિંગ કૉલેજોમાં સમગ્ર અભ્યાસક્રમને હિન્દી, તમિલ, કન્નડ, તેલુગુ, મરાઠી, બંગાળી અને ગુજરાતીમાં અનુવાદિત કરવાની કામગીરી શરૂ થઈ ગઈ છે.

કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે, જ્યારે વિદ્યાર્થી પોતાની ભાષામાં વિચારે છે ત્યારે જ તે રિસર્ચ કરી શકે છે, અને જ્યારે તે બીજી ભાષામાં વિચારે છે ત્યારે તેને ગોખણપટ્ટીનું જ્ઞાન જ મળે છે. તેમણે કહ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ આ માટે સંપૂર્ણ વ્યવસ્થા કરી છે અને સ્ટડી ઇન ઇન્ડિયા કાર્યક્રમ પણ શરૂ કર્યો છે, જેના મારફતે વર્ષ 2022 સુધીમાં ભારતમાં આજે 1.5 લાખ વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. શ્રી શાહે જણાવ્યું હતું કે, વર્ષ 2014માં ફક્ત 30 કેન્દ્રીય વિશ્વવિદ્યાલયો હતાં, જે અત્યારે 46 છે, આઇઆઇટીની સંખ્યા 16 હતી, જે અત્યારે 23 છે, આઇઆઇએમ 13 હતી, જે અત્યારે 20 છે, આઇઆઇઆઇટીની સંખ્યા 9 હતી, જે હવે વધીને 25 થઈ છે, એઇમ્સની સંખ્યા 7 હતી, અત્યારે વધીને 22 થઈ છે, મેડિકલ કૉલેજોની સંખ્યા 387 હતી, જે વધીને 596 થઈ છે અને દેશમાં કુલ યુનિવર્સિટીઓ 723 હતી, જે વધારીને 1043 કરવાનું કામ કેન્દ્રની શ્રી નરેન્દ્ર મોદી સરકારે માત્ર 7 વર્ષમાં કર્યું છે.

શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, આ આઝાદીના અમૃત મહોત્સવનું વર્ષ છે અને પ્રધાનમંત્રી મોદીએ દેશના નાગરિકોને અને ખાસ કરીને યુવાનોને આહવાન કર્યું છે કે, 2047માં જ્યારે આઝાદીની શતાબ્દી ઉજવાશે ત્યારે દરેક ક્ષેત્રમાં ભારત પ્રથમ સ્થાને હોવું જોઈએ. પરંતુ પુરુષાર્થ અને સંકલ્પ વિના તે નહીં થાય અને આપણે દરેક ક્ષેત્રમાં આગળ વધવા માટે એક રાષ્ટ્રનો સંકલ્પ લેવો પડશે. તે નક્કી કરવાનું છે કે જ્યારે સ્વતંત્રતાની શતાબ્દી ઉજવવામાં આવશે ત્યારે આપણે ક્યાં ઉભા હોઇશું. આ સાથે જ દેશના 130 કરોડની જનતાએ પણ સંકલ્પ લેવો પડશે. તેમણે કહ્યું કે, દેશની દરેક વ્યક્તિએ સંકલ્પ લેવો જોઈએ, ભલે તે સંકલ્પ ખૂબ જ નાનો હોય, પરંતુ આજીવન તેનું પાલન કરો. આ જ રીતે જો 130 કરોડ ભારતીયો સંકલ્પ લે તો દેશ 130 કરોડ ડગલાં આગળ વધે છે અને તે જ દેશને મહાન બનાવે છે. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી શ્રી મોદીનાં નેતૃત્વમાં આપણે સૌએ ભારતને મહાન બનાવવાની આ પ્રક્રિયામાં પોતાની જાતને લગાવી દેવી જોઈએ.

YP/GP/JD

 



(Release ID: 1862723) Visitor Counter : 154