વહાણવટા મંત્રાલય

કેન્દ્રીય પોર્ટ અને શિપિંગ મંત્રી શ્રી સર્વાનંદ સોનોવાલે લોથલ ખાતે આકાર પામી રહેલા નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્ષની મુલાકાત લીધી


દુનિયાનુ સૌથી મોટું મેરિટાઇમ હેરિટેજ મ્યુઝિયમ લોથલમાં તૈયાર થશેઃ શ્રી સોનોવાલ

વિખ્યાત બંદરનો અમૂલ્ય વારસો ફરી એક વખત સમગ્ર વિશ્વ માટે આકર્ષણનું કેન્દ્ર બનશેઃ કેન્દ્રીય મંત્રી શ્રી

લોથલમાં એક વર્ષમાં નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્ષનું નિર્માણ કરાશેઃ શ્રી સર્વાનંદ સોનોવાલ

ગુજરાતના મુખ્ય સચિવ શ્રી પંકજ કુમાર સહિતના ઉચ્ચ અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં કેન્દ્રીય મંત્રીશ્રીએ લોથલ ખાતે નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્ષની સાઇટની મુલાકાત- રિવ્યૂ બેઠક યોજી

Posted On: 13 SEP 2022 3:58PM by PIB Ahmedabad

કેન્દ્રીય પોર્ટ અને શિપિંગ મંત્રી શ્રી સર્વાનંદ સોનોવાલે લોથલ ખાતે આકાર લઈ રહેલા નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્ષની સાઇટની મુલાકાત  દરમિયાન કામગીરી સંદર્ભમાં રિવ્યૂ બેઠક યોજી હતી. આ સમીક્ષા બેઠકમાં ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ શ્રી પંકજ કુમાર, ગુજરાત મેરિટાઇમ બોર્ડના સીઈઓ શ્રી અવંતિકા સિંહ, અમદાવાદના કલેક્ટરશ્રી સંદીપ સાગલે, જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનિલ ધામેલિયા સહિત ઉચ્ચ અધિકારીશ્રીઓ, પ્રોજેક્ટના ઉચ્ચ અધિકારીશ્રીઓ તેમજ સ્થાનિક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.

રિવ્યૂ બેઠક બાદ પ્રેસને સંબોધતાં કેન્દ્રીય મંત્રી શ્રી સર્વાનંદ સોનોવાલે જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝન અનુસાર એક સમયના આ વિખ્યાત બંદરના અમૂલ્ય વારસાને ફરી એક વખત સમગ્ર વિશ્વ માટે આકર્ષણનું કેન્દ્ર બનાવવામાં આવશે. દુનિયાનું સૌથી મોટું મેરિટાઇમ હેરિટેજ મ્યુઝિયમ લોથલમાં તૈયાર થવાનું છે. લોથલ ખાતે આકાર લઈ રહેલા 35 એકરમાં વિસ્તરેલા નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્ષની કામગીરી આગામી એક વર્ષમાં પૂરી કરી દેવામાં આવશે, એવું તેમણે ઉમેર્યું હતું.

કેન્દ્રીય મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે કુલ ચાર હજાર કરોડના આ પ્રોજેક્ટ થકીનો લાભ લોથલની આસપાસનાં લોકોને મળશે.  આ કોમ્પ્લેક્ષને કારણે ટૂરિઝમનો વિકાસ થશે અને રોજગારીની અનેક નવી તકો સર્જાશે. આપણી સભ્યતાની તાકાત આખી દુનિયા જોઈ શકશે. અહીં મેરિટાઇમ ઇન્સ્ટિટ્યૂટ પણ બનવાની છે, જેમાં દુનિયાભરના લોકો બંદર અને વહાણવટા અંગે શીખવા માટે આવશે.

વધુમાં કેન્દ્રીય મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે નરેન્દ્રભાઈ મોદીએ જે સ્વપ્ન જોયું છે, તેને સાકાર કરવા માટે બધા પ્રયત્નશીલ છીએ. આ પ્રોજેક્ટમાં ગુજરાત સરકારનો પણ ખૂબ જ સારો સહયોગ મળી રહ્યો છે, એમ તેમણે ઉમેર્યું હતું.

સમીક્ષા બેઠકમાં પ્રોજેક્ટની ઝીણામાં ઝીણી વિગતો રજૂ કરવામાં આવી હતી. પ્રોજેક્ટને લગતી ફિલ્મ પણ મંત્રીશ્રીને દર્શાવવામાં આવી હતી. કેન્દ્રીય મંત્રી પ્રોજેક્ટમાં કામ કરી રહેલા કર્મચારીઓ અને શ્રમિકોને પણ ઉત્સાહભેર મળ્યા હતા.

YP/GP/JD



(Release ID: 1858948) Visitor Counter : 191