માહિતી અને પ્રસારણ મંત્રાલય
અંબાજી ખાતે યોજાયેલ લોકસંપર્ક કાર્યક્રમને ભવ્ય પ્રતિસાદ મળ્યો, આસ્થાનો મેળો માહિતીનો મેળો બન્યો
આઝાદીની સંઘર્ષગાથાના ફોટો પ્રદર્શનને નિહાળી દેશભક્તિના રંગે રંગાયા મા અંબાના ભક્તો
Posted On:
11 SEP 2022 1:27PM by PIB Ahmedabad
મા અંબાના ધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળમાં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આઝાદીની સંઘર્ષ ગાથાને રજૂ કરતા ફોટો પ્રદર્શને યાત્રાળુઓમાં અનેરુ આકર્ષણ જમાવ્યું હતું. સ્વાતંત્ર્ય સેનાનીઓ વિશે જાણકારી આપતાં અને આઝાદીની વિવિધ ચળવળને રજૂ કરતા આ ફોટો પ્રદર્શન સાથેના વિશેષ લોક સંપર્ક કાર્યક્રમને ભવ્ય પ્રતિસાદ સાંપડ્યો છે. આ ફોટો પ્રદર્શનને નિહાળી મા અંબાની ભક્તિ કરવા પધારેલા ભક્તો દેશભક્તિના રંગે પણ રંગાયા અને ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના કેન્દ્રીય સંચાર બ્યુરો,પાલનપુર દ્વારા આયોજિત આ લોક સંપર્ક કાર્યક્રમને સૌ યાત્રાળુઓએ ખૂબજ બિરદાવ્યો છે.

અમૃત મહોત્સવની ઉજવણીની સાથે સાથે રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણી પણ આ વિશેષ કાર્યક્રમમાં કરવામાં આવી છે. પોષણ અભિયાનમાં જનભાગીદારી વધારવા અને પોષણ અંગેના જનજાગૃતાનો સંદેશ લોકો સુધી પહોંચાડવા આઇ.સી.ડી.એસ. વિભાગ દ્વારા માહિતી અને માર્ગદર્શન આપતા સ્ટોલની સાથે વિવિધ રમતો, પત્રિકાઓ અને વક્તવ્યના માધ્યમ થકી જાગૃતતા સંદેશ ફેલાવવામાં આવ્યો હતો.

આ ભવ્ય પ્રદર્શનની સાથે જન જાગૃતિના સંદેશાને લઈને મનોરંજક નાટ્ય પ્રસ્તુતિ, સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા આયોજીત જાણકારી અને માર્ગદર્શન પૂરા પાડતા વિવિધ સ્ટોલ્સ, આઝાદી ક્વીસ્ટ ગેમ મોબાઈલ એપ્લિકેશન અંગે જાણકારી, વિભિન્ન સ્પર્ધાઓ, પુરસ્કાર વિતરણ, સેલ્ફી કોર્નર જેવા વિભિન્ન કાર્યક્રમો સાથે આયોજીત આ લોક સંપર્ક કાર્યક્રમ તેના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળ રહ્યો હતો.
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1858467)
Visitor Counter : 179