સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય
આજે પ્રધાનમંત્રીશ્રીના માર્ગદર્શન સાથે ભારતે બ્રિટનને પણ પાછળ રાખી, સમગ્ર વિશ્વમાં ભારત પાંચમાં ક્રમની અર્થવ્યવસ્થા બન્યું છે: કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી શ્રી દેવુસિંહ ચૌહાણ
ખેડા જિલ્લામાં માત્ર બે દિવસમાં જ રૂપિયા 221 કરોડના કામોની સાથે 200 કરોડના કામોની જોગવાઈની જાહેરાત કરી છે, ખેડાના આંગણે આજે સુખનો - વિકાસનો સૂરજ ઉગ્યો છેઃ શ્રી દેવુસિંહ ચૌહાણ
ખેડા જિલ્લાના કપડવંજ ખાતેથી કઠલાલ અને કપડવંજ તાલુકાને રૂ. 94.56 કરોડના 70 વિકાસ પ્રકલ્પો તથા ખેડા જિલ્લાના મહુધામાં મહુધા, મહેમદાવાદ અને ખેડા તાલુકાના 21.47 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ
Posted On:
03 SEP 2022 7:24PM by PIB Ahmedabad
કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી શ્રી દેવુસિંહ ચૌહાણે જણાવ્યું કે, ખેડા જિલ્લામાં માત્ર બે દિવસમાં જ રૂપિયા 221 કરોડના કામોની સાથે 200 કરોડના કામોની જોગવાઈની જાહેરાત કરી છે, ખેડાના આંગણે આજે સુખનો - વિકાસનો સૂરજ ઉગ્યો છે.
કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણે જણાવ્યું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આજે ભારત એક વિકસિત રાષ્ટ્ર તરીકે ઉભરી રહ્યું છે, તેમ જણાવતા શ્રી દેવુસિંહ ચૌહાણે ઉમેર્યું કે, આઈ.એન.એફ.ના રિપોર્ટ પ્રમાણે ભારત વિકસિત દેશોની સરખામણીમાં 10 વર્ષ પહેલા 11મા ક્રમે હતું જ્યારે આજે પ્રધાનમંત્રીશ્રીના માર્ગદર્શન નીચે ભારતે બ્રિટનને પણ પાછળ રાખી, સમગ્ર વિશ્વમાં ભારત પાંચમાં ક્રમની અર્થવ્યવસ્થા બન્યું છે. વિશ્વગુરુ બનવા તરફની દિશામાં ભારત આગળ વધી રહ્યું છે. ડિજિટલ પેમેન્ટ ક્ષેત્રે પણ દેશ ઝડપભેર આગળ વધી રહ્યો છે, આગામી 2047માં ભારત વર્ષ તેની આઝાદીના 100 વર્ષ ઉજવતું હશે ત્યારે દેશની સંપૂર્ણ જનસંખ્યા ડિજિટલ પેમેન્ટ સાથે જોડાયેલી હશે તેવો દ્રઢ નિર્ધાર પણ તેમણે આ તકે વ્યક્ત કર્યો હતો. શ્રી દેવુસિંહ ચૌહાણ એ વધુમાં જણાવ્યું કે અનેક સેવાના કામો માટે આવ્યો છું. કુલ મળીને 22 કરોડના વિકાસ કામો ઠાસરા, ગળતેશ્વર, નડિયાદ, કઠલાલ, કપડવંજમાં થશે. અને બીજી 200 કરોડની જાહેરાત મુખ્યમંત્રીશ્રી એ કરી છે. વિકાસનો સૂરજ ઉગ્યો છે. યશસ્વી પ્રધાનમંત્રીના નેતૃત્વમાં ખૂબ મોટું પરિવર્તન આવ્યું છે. તે જણાવી અર્થવ્યવસ્થાની વાત કરી હતી અને કહ્યું કે પ્રધાનમંત્રી શ્રી દ્વારા 2017માં ડિજિટલ પેમેન્ટની વાત કરાઈ હતી. તે વખતે ચાઇનાથી પણ અડધી વસ્તીએ ડિજિટલ પેમેન્ટની શરૂઆત કરી હતી. પરંતુ 2021માં સમગ્ર ભારતમાં ચાઇનાની વસ્તી કરતા ડબલ ડિજિટલ પેમેન્ટ થઈ રહ્યું છે. કેન્દ્રીય મંત્રીશ્રી દેવુસિંહ ચૌહાણે જણાવ્યું કે, કઠલાલ અને કપડવંજ તાલુકામાં એક સમયે ખેડૂતોને સિંચાઈ અને પીવાના પાણીની તકલીફ હતી. મુખ્યમંત્રીશ્રીએ આ સમસ્યાના નિવારણ માટે આ વિસ્તારના તળાવો ભરવા રૂ. 200 કરોડની ફાળવણી કરી છે. જેથી ખેડૂતોને સિંચાઈની સુવિધા ઉપલબ્ધ થશે. મંત્રીશ્રીએ ઉમેર્યું કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના સુચારુ નેતૃત્વમાં દેશ આર્થિક રીતે પણ પ્રગતિ કરી રહ્યો છે.

ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રીશ્રી અર્જુનસિંહ ચૌહાણે "સૌના સાથ, સૌના વિકાસ"ના મંત્રને ચરિતાર્થ કરવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની સરકાર કાર્ય કરી રહી છે, તેમ જણાવી તેમના વિસ્તારમાં નિર્માણ પામનાર વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત બદલ આભારની લાગણી વ્યક્ત કરી હતી.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે જણાવ્યું છે કે, કોવિડ પછીની વિશ્વવ્યાપી આર્થિક પરિસ્થિતિમાં પણ ગુજરાત સરકારે ચાલુ નાણાંકીય વર્ષે સૌથી મોટા કદનું બજેટ આપી રાજ્યની વિકાસ યાત્રાને અવિરત જાળવી રાખી છે. ગુજરાતનો સર્વાંગી-ચોમેર વિકાસ કરવાની અમે કાર્યશૈલી વિકાસાવી છે.
મુખ્યમંત્રીશ્રીએ એમ પણ કહ્યું કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશમાં વિકાસની રાજનીતિનો નવો યુગ શરૂ કર્યો છે. ગુજરાતમાં તેમના કાર્યકાળ દરમિયાન થયેલા વિકાસને અમે સતત આગળ વધારી રહ્યા છીએ. તેના પરિણામે ગુજરાત આજે સમગ્ર દેશનું ગ્રોથ એન્જીન બન્યું છે.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ખેડા જિલ્લાના કપડવંજ ખાતે કપડવંજ અને કઠલાલ તાલુકામાં અંદાજે રૂ. 2૦.26 કરોડના ખર્ચે નિર્માણ થયેલ બે વિકાસ કામોનું લોકાર્પણ તથા આ બંને તાલુકામાં માર્ગ અને મકાન રાજ્ય અને પંચાયત વિભાગ દ્વારા રૂ. 70.30 કરોડના ખર્ચે નિર્માણ થનાર વિવિધ રસ્તાઓના 68 કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું. આમ મુખ્યમંત્રીશ્રીના હસ્તે જનસુવિધા અને જનસુખાકારીના કુલ રૂ.94.56 કરોડના 70 વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ - ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીશ્રીના હસ્તે મિશન મંગલમ, પીએમ જેએવાય, પ્રધાનમંત્રી આવાસ યોજના, ડો.આંબેડકર આવાસ યોજના, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના તેમજ રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજનાઓના લાભાર્થીઓને યોજનાકીય લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
નાગરિકો, ખેડૂતો સહિત ગામડાઓની તમામ પ્રકારની સમસ્યાઓનું સકારાત્મક નિરાકરણ કરવા માટે અમારી ટીમ સતત પ્રયત્નશીલ છે, તેમ જણાવતા મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે આત્મનિર્ભર ભારતના પ્રધાનમંત્રીશ્રીના સ્વપ્નને સાકાર કરવા ગુજરાત સૌના સાથ અને સૌના સહકારથી આગળ વધી રહ્યું છે., આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતની સંકલ્પનાને સાકાર કરવા માટે અમે પ્રતિબદ્ધ છીએ.
મુખ્ય દંડક શ્રી પંકજભાઈ દેસાઈએ જણાવ્યું કે રાજ્ય સરકાર ગુજરાતના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છેવાડાના માનવીની સતત ચિંતા કરી જન કલ્યાણકારી યોજનાના અસરકારક અમલ થકી લોકોના જીવન ધોરણ ઊંચું લાવી સમતોલ અને સર્વ સમાવેશક વિકાસની નવી કેડી કંડારી છે
જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નયનાબેન પટેલે જણાવ્યું કે ખેડા જિલ્લામાં વિકાસના અનેકવિધ વિકાસના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયા છે. જેને પરિણામે ખેડા જિલ્લો વિકાસની તેજ ગતિથી આગળ વધી રહ્યો છે અને નાગરિકોની સુવિધામાં વધારો થશે. મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ ખેડા જિલ્લાની તમામ 520 ગ્રામ પંચાયતોના પરાઓને મુખ્ય રસ્તાઓથી જોડ્યા છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
સાંસદશ્રી રતનસિંહ રાઠોડે કપડવંજ અને કઠલાલ તાલુકાના પ્રજાજનો માટે આજે સોનાનો સૂરજ ઊગ્યો છે તેમ જણાવતા ઉમેર્યું હતું કે મુખ્ય મંત્રીશ્રીના સક્ષમ નેતૃત્વમાં કપડવંજ અને કઠલાલ તાલુકાના પૂર્વ વિસ્તારના સર્વાંગી વિકાસ સર્વગ્રાહી પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
પ્રારંભમાં પ્રાંત અધિકારીશ્રી ધર્મેશ મકવાણાએ સૌને આવકાર્યા હતા. કપડવંજ અને કઠલાલ તાલુકાના વિવિધ સામાજિક સંગઠનો, સ્વૈચ્છિક સંસ્થાઓ,પદાધિકારીઓએ મહાનુભાવોનું સ્વાગત અભિવાદન કર્યું હતું.
આ પ્રસંગે કેસરીસિંહ સોલંકી, મણીભાઈ પટેલ ડાભી, શ્રી વિપુલભાઈ પટેલ, મોનિકાબેન પટેલ અને રમીલાબેન,કલેકટરશ્રી કે. એલ. બચાણી, અગ્રણીઓ, જિલ્લા તાલુકા પંચાયત સદસ્યો, સરપંચો, અધિકારીઓ સહિત વિશાળ સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
YP/GP/JD
(Release ID: 1856555)
Visitor Counter : 184