સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય

કેન્દ્રીય મંત્રીશ્રી દેવુસિંહ ચૌહાણની ઉપસ્થતિમાં કપડવંજ ટાઉનહોલ ખાતે બાગાયતી પાકોની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ" વિષય પર એક દિવસીય પાક પરિસંવાદનું આયોજન


કપડવંજ ખાતે નવી ખેતીની માનસિકતા વિકસાવવાનું આહ્વાન કરતા કેન્દ્રીય રાજ્ય સંચાર મંત્રી શ્રી દેવુસિંહ ચૌહાણ

Posted On: 02 SEP 2022 6:02PM by PIB Ahmedabad

કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રીશ્રી દેવુસિંહ ચૌહાણે પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે સેન્ટર ઓફ એકસેલેન્સ- હોર્ટીકલ્ચરની ઉપયોગિતા જણાવતા કહ્યું કે અંદાજિત ૧૦ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવતા આ સેંટરમાં ખેડૂતોને ખેતી માટે માહિતી, માર્ગદર્શન અને તાલીમ આપવામાં આવશે. ખેડૂતોને બજારની માંગ પ્રમાણે ખેત પેદાશો ઉત્પાદન કરવા સતત પ્રેરણા આપવામાં આવશે. કેન્દ્રીય મંત્રીએ કપડવંજ ટાઉનહોલ ખાતેના બાગાયત પાક પરિસંવાદના કાર્યક્રમમાં સહભાગી થવા દરમિયાન તેમના વક્તવ્યમાં ગુજરાતની ખેતીમાં આવેલા પરિવર્તનની વાત કરતા જણાવ્યું કે અત્યારે ગુજરાત સમગ્ર દેશમાં ૯% ફળ અને ૧૨% ફૂલોનું ઉત્પાદન કરે છે અને ખેડા જિલ્લામાં પણ મોગરા અને ગલગોટાની ખેતી વધી રહી છે. મંત્રીશ્રીએ ખેડા જિલ્લામા હાલમાં પપૈયા, આંબા, આંબળા અને વેલા વાળા શાકભાજીના ઉત્પાદનમાં થયેલા વધારા બદલ જિલ્લા ખેડૂતોને બિરદાવ્યા હતા.

 

કેન્દ્રીય સંચાર મંત્રીશ્રીએ જણાવ્યું કે ખેતીમાં ખેડૂત ઉત્પાદન સંગઠન FPOની ભૂમિકાને મહત્વની છે અને નવીન ખેતીના વિકાસ માટે ભારત સરકાર દ્વારા FPO સંગઠનને મજબૂત બનાવવા માતબર રકમની સહાય પૂરી પાડવામાં આવે છે. આ માટે ખેડા જિલ્લાના ખેડૂતો સંગઠિત થઇને પ્રાકૃતિક ખેતી કરવા મંત્રીશ્રીએ અપીલ કરી હતી.

ખેતીમાં વૈજ્ઞાનિક દૃષ્ટિકોણનો વિકાસ કરવામાં માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રીસર્ચને મહત્વ આપ્યું છે ત્યારે શ્રી દેવુસિંહ ચૌહાણએ ઇઝરાયેલ દેશની ખેતીનું ઉદાહરણ આપતા જણાવ્યું કે સંશોધન થકી ખેતીમાં સુધારા આવી શકે છે અને આધુનિક ખેતી કરતા ખેડૂતો ભારતને સ્વાવલંબન અને આત્મનિર્ભર બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.

અગાઉ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા જામનગર જિલ્લાના ધ્રોલ ખાતેથી સમગ્ર રાજ્યમાં કૃષિ ,ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ હસ્તકના બાગાયત ખાતાની વિવિધ ખેડૂતલક્ષી યોજનાઓનું લોકાર્પણ અને વિવિધ પ્રોજેક્ટનું ખાતમુર્હૂત કરવામાં આવ્યું હતું. ઉપરાંત મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે ખેડા જિલ્લાના કપડવંજના મહંમદપુરા ખાતે રૂપિયા ૧૦ કરોડના ખર્ચે નિર્માણ પામેલ સેન્ટર ઓફ એકસેલેન્સ અને પ્રાઈમરી પ્રોસેસિંગ સેન્ટરનું ઈ- ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.

આ કાર્યક્રમમાં વિવિધ લાભાર્થીઓને પપૈયાંની ખેતી, ટ્રેકટર સહાય, પંપ અને પાવર સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત રવદાવત અને શિહોરા ગામનાં પ્રગતિશીલ ખેડૂતો દ્વારા પ્રાકૃતિક ખેતીની પ્રેરણાત્મક વાતો કરવામાં આવી હતી. આ પ્રસંગે, ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગ કેબિનેટ મંત્રીશ્રી અર્જુનસિંહ ચૌહાણ અને રાજ્ય સરકારના અધિકારીઓ  કપડવંજ ટાઉનહોલ ખાતેના બાગાયત પાક પરિસંવાદના કાર્યક્રમમાં અને મોટી સંખ્યામાં ખેડૂતો, લાભાર્થીઓ અને કપડવંજ અને આસપાસના ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1856370) Visitor Counter : 194