ગૃહ મંત્રાલય

ગાંધીનગરના કલોલ તાલુકાના વડસર ગામમાં રૂ. 6 કરોડના ખર્ચે નવીનીકરણ થનાર તળાવના કામનું ખાતમુહૂર્ત કેન્દ્રીય ગૃહ તથા સહકારિતા મંત્રી શ્રી અમિતભાઇ શાહના હસ્તે કરાયું


આપણા પૂર્વજોએ તળાવ બનાવ્યા છે, જેની સાચવણી કરવાની જવાબદારી આપણા સૌની છેઃ કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઇ શાહ

“વરસાદ આવે, તળાવ ભરાય, જમીનના પાણીના તળ ઉંચા આવે તેવી સુચારુ વ્યવસ્થા ઉભી કરવા માટે જળબેંક બનાવવી જોઇએ”

ગાંધીનગર લોકસભા મત વિસ્તારમાં ત્રણ એકરથી મોટા તળાવોને આગામી 10 વર્ષમાં સુંદર બનાવવામાં આવશેઃ શ્રી અમિત શાહ

વડસર ગામના વિકાસ કામો માટે રૂ. 4 કરોડની જોગવાઇ કરી આપવાની જાહેરાત કરતાં કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રી

Posted On: 28 AUG 2022 6:45PM by PIB Ahmedabad

આપણા પૂર્વજોએ તળાવ બનાવ્યા છે, જેની સાચવણી કરવાની જવાબદારી આપણા સૌની છે. વર્ષો સુઘી વરસાદ આવે, તળાવ ભરાય, જમીનના પાણીના તળ ઉંચા આવે તેવી સુચારું વ્યવસ્થા ઉભી કરવા માટે જળબેંક બનાવવી જોઇએ, તેવું આજરોજ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઇ શાહે જણાવ્યું હતું.

ગાંધીનગરના કલોલ તાલુકાના વડસર ગામમાં રૂપિયા 6 કરોડના ખર્ચે નવીનીકરણ થનાર તળાવના કામનું ખાતમુહૂર્ત કરીને કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઇ શાહે જણાવ્યું હતું કે, ગુજરાતના કોઇપણ ગામના તળાવો એકબીજા સાથે લિંક છે. પૂર્વજોએ તળાવનું નિર્માણ એવી રીતે કર્યું હતું કે, કોઇપણ ગામના તળાવનું પાણી ઉભરાય તો અન્ય ગામના તળાવમાં પાણી જાય. પરંતુ આઝાદી પછી કોઇએ આ તળાવના એકબીજાના જોડાણ કરતા માર્ગની સફાઇની ચિંતા કરી નથી. જેની ફળશ્રુતિ રૂપે તળાવો સુકાવા લાગ્યા, તળાવ નજીક કચરાના ઢગલા થવા લાગ્યાં, તળાવમાં ગંદકી થવા લાગી અને પાણીના તળ નીચે જવા લાગ્યા છે. આજે લોકોને ફલોરાઇડવાળું પાણી પીવાના દિવસો આવ્યા છે. પરંતુ ગુજરાતમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ નર્મદા કેનાલની સુચારું વ્યવસ્થા ગોઠવી છે. રાજયમાં ધીમે ધીમે પાણીના તળ ઉંચા આવી રહ્યા છે.

તળાવનું નવીનીકરણનું કામ દેખાવમાં નાનું છે, તેવું કહી તેમણે ઉમેર્યું હતું કે, આપણી આવનારી પેઢીઓ પાણીથી, પાણી દ્વારા અને પાણી થકી પોતાનું સ્વાસ્થ્ય સાચવી શકશે. ફલોરાઇડવાળું પાણી શરીરમાં ધીમા ઝેર જેવું છે. પાણીના તળ ઉંચા લાવવા તથા જમીનના પાણીમાં ફલોરાઇડની માત્રા ઘટાડવાના ઉમદા આશયથી ગાંધીનગરના આઠમા તળાવના નવીનકરણના કામનો આરંભ કરવામાં આવ્યો છે.    

ગાંધીનગર લોકસભા મત વિસ્તારમાં ત્રણ એકરથી મોટા તળાવોને આગામી 10 વર્ષમાં સુંદર બનાવવામાં આવશે, તેવો દ્રઢ વિશ્વાસ વ્યક્ત કરીને શ્રી અમિત શાહે ઉમેર્યું હતું કે, આ તળાવો ગામનો આત્મા બની રહેશે. આજે વડસર ગામનું તળાવનો વિકાસ કાર્યનો આરંભ થયો છે. જે આગામી સમયમાં ગામનું ઊર્જા કેન્દ્ર બની રહેશે. આ તળાવમાં નાના ભુલકાં માટે રમવાના સાધનો, વડીલોને બેસવા માટે બાંકડા, જન્મ દિવસ કે લગ્ન પ્રસંગ કરી શકાય તેવી વ્યવસ્થા પણ તળાવના વિકાસ કાર્યમાં પ્રાધાન્ય આપવામાં આવી છે. વડસર ગામના તળાવ ખાતે વન જેવું જંગલનું નિર્માણ કરવામાં આવશે, ત્યાં બોટિંગની પણ સુવિધા સાથે સાથે ખાણીપીણીનું બજાર બનશે. તળાવને પાણીથી ભરેલું રાખવા માટે આવરાઓની સફાઇ કરવામાં આવશે. તેની સાથે પ્રકૃતિના સોદર્યેની અનુભુતિ કરવા વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે. જે વૃક્ષો પક્ષીઓ માટે નિવાસસ્થાન બની રહેશે. આગામી એક વર્ષમાં આ કાર્ય પૂર્ણ થશે.

કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઇ શાહે વડસર ગામની સ્કૂલ, દવાખાના, તળાવના નવીનીકરણ કે અન્ય કોઇ ગામના વિકાસ કાર્ય માટે રૂપિયા 4 કરોડની જોગવાઇ કરી આપવાની જાહેરાત કરી હતી. આ રૂપિયા ગ્રામજનોને ગામના દવાખાના, શાળા સંકુલના વિકાસ કાર્યમાં વાપરવા માટે પણ ગ્રામજનો અને સરપંચને ભારપૂર્વક જણાવ્યું હતું.

શ્રી અમિતભાઇ શાહે જણાવ્યું હતું કે, દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે દેશના દરેક જિલ્લાના ૭૫ તળાવોની જાળવણી- વિકાસ કરવાનો નિર્ધાર કર્યો છે. આ દિશામાં સુચારું આયોજન થકી ગાંધીનગર જિલ્લામાં કાર્ય થઇ રહ્યું છે. ગાંધીનગર જિલ્લામાં ૭૫ તળાવનો વિકાસ કરવામાં આવી રહ્યો છે. 

કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રીએ તળાવના નવીનીકરણ માટે રુ. 6 કરોડનો ખર્ચે કરનાર એ.એચ.એમ.ના એમ.ડી અને આનંદમ્ પરિવારના શ્રી અનિલભાઇ પટેલનું ગ્રામજનો વતી ફૂલહાર પહેરાવી અભિવાદન કર્યું હતું.

કાર્યક્રમના આરંભે જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અનિલભાઇ પટેલે મહાનુભાવોનું સ્વાગત કરીને જણાવ્યું હતું કે, કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રીના સંસદીય મત વિસ્તારમાં આવતા ગાંધીનગર જિલ્લાના વિસ્તારમાં આજે આઠમા ગામના તળાવના નવીનીકરણ કામનો આરંભ કરવામાં આવ્યો છે. તળાવમાં જળના સંગ્રહ થવાથી આસપાસની જમીનના પાણીના તળ ઉંચા આવશે. નવીનીકરણ થનાર તળાવો ગામનું પર્યટક સ્થળ બની રહેશે. જેની જાળવણી કરવાની અને ગંદકી ન થાય તેનું ઘ્યાન રાખવાની જવાબદારી ગ્રામજનોની છે. ગામના વિકાસ માટે સમય અને શ્રમ દાન આપવા માટે અગ્રણીઓને જણાવ્યું હતું.

વડસર ગામના તળાવનું નવીનીકરણ કરવા રૂ. 6 કરોડ અર્પણ કરનાર અને આનંદમ્ પરિવારના શ્રી અનિલભાઇ પટેલે જણાવ્યું હતું કે, આધુનિક ભારતના દુરંદેશી, યશસ્વી સ્વપ્નદ્રષ્ટા એવા દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના વન મિલિયન ટ્રી અભિયાન તથા પ્રકૃતિપ્રેમી અને ગાંધીનગર સંસદીય મત વિસ્તારને હરિયાળો બનાવવા માંગતા કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઇ શાહના કાર્યમાં સહભાગી થવા આ તળાવના નવીનીકરણનું કામ કરવાની ઇચ્છા થઇ છે. આ કાર્યમાં મારી પડખે જે રીતે ગ્રામજનો ખભેથી ખભો મિલાવી ઉભા રહ્યા તે વાતે આ કાર્યને વઘુ સુંદર કરવાનો આત્મ વિશ્વાસ ઉભો કર્યો છે. તેમજ મારા ઉમદા વિચારને સાર્થક કરવાના કાર્યમાં બળ મળ્યું છે.

આ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી અરવિંદભાઇ પટેલ, શ્રી બાબુભાઇ પટેલ, ગાંધીનગર જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી દિલીપભાઇ પટેલ, ભાજપના અગ્રણી શ્રી ઋત્વિજ પટેલ, હર્ષદભાઇ, કિરીટભાઇ, જિલ્લા કલેકટર શ્રી ર્ડા. કુલદીપ આર્ય, જિલ્લા વિકાસ અધિકારી શ્રી સુરભિ ગૌત્તમ સહિત વડસર અને આસપાસના ગામના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1855062) Visitor Counter : 138