માહિતી અને પ્રસારણ મંત્રાલય
azadi ka amrit mahotsav

સમર્પિત અને સેવાભાવી સરકારી અધિકારી મેડમ સરિતાબેન દલાલને અપાઈ શાનદાર નિવૃત્તિ-વિદાય


પ્રાસંગિક પુસ્તિકા "ગીતા સરિતા" નું નિષ્કામ કર્મયોગના પ્રહરી આદરણીય શ્રી પી. કે. લહેરી સાહેબના વરદ હસ્તે કરાયું વિમોચન

ઉચ્ચ અધિકારીઓ ડો.ધીરજ કાકડિયા અને પ્રકાશ મગદૂમ ઉપરાંત વરિષ્ઠ પત્રકાર શ્રી અજય ઉમટની પ્રેરક ઉપસ્થિતિ

Posted On: 28 AUG 2022 4:28PM by PIB Ahmedabad

બુક વિશે જ્યાં વાત કરીએ ત્યાં ચેકબુક અને પાસબુક જ સમજે એવી એક છાપ દેશભરમાં ગુજરાતી પ્રજાની છે. જોકે વર્તમાન સમયમાં તો હવે ધીરે ધીરે સ્પર્ધાત્મક પરીક્ષાઓ તરફ લોકોનું ધ્યાન દોરાતું થયું છે .પરંતુ આજથી 35 વર્ષ પહેલા 1987 ના સમયગાળામાં એક ગુજરાતી તરીકે અને તેમાં પણ એક મહિલા તરીકે આવી કોઈ સ્પર્ધાત્મક પરીક્ષામાં બેસવું અને તે પણ દેશની ઉચ્ચ ગણાતી એવી યુપીએસસીની પરીક્ષા આપવી અને તેને સફળતાપૂર્વક પાર પાડી ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના એક વિભાગમાં નોકરી પ્રાપ્ત કરવી એ દેશની અન્ય તમામ મહિલાઓ માટે એક પ્રેરણા રૂપ કિસ્સો સાબિત થાય અને આ કામ સાર્થક કરી બતાવ્યું છે પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોના વર્તમાન જોઈન્ટ ડાયરેક્ટર શ્રીમતી સરિતા દલાલે. સરકારમાં એક અધિકારી તરીકે 35 વર્ષની દીર્ઘકાલીન સેવા આપ્યા બાદ નિવૃત્ત થઈ રહેલા મેડમ સરિતાબેન દલાલના નિવૃત્તિ સમારોહને સંબોધતા આ વાત રાજ્યના પૂર્વ મુખ્ય સચિવ શ્રી પી કે લહેરીએ કરી હતી.

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયના દૂરદર્શન, આકાશવાણી, કેન્દ્રીય સંચાર બ્યુરો, પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરો જેવા વિવિધ મીડિયા એકમોમાં 35 વર્ષથી અધિકારી તરીકે ફરજ બજાવ્યા બાદ નિવૃત્ત થઈ રહેલા જોઈન્ટ ડાયરેક્ટર સરિતાબેન દલાલનો નિવૃત્તિ સમારોહ અમદાવાદ ખાતે યોજાઈ ગયો.સમારોહમાં રાજ્યના પૂર્વ મુખ્ય સચિવ શ્રી પી કે લહેરી, આર એન આઈ દિલ્હીના એડિશનલ ડીજી ડૉ. ધીરજ કાકડિયા, પ્રેસ ઇન્ફર્મેશન અમદાવાદના એડિશનલ ડીજી શ્રી પ્રકાશ મગદૂમ, નવગુજરાત સમયના ગ્રુપ એડિટર અને વરિષ્ઠ પત્રકાર શ્રી અજય ઉમટની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. સમારોહમાં શ્રીમતી સરિતા દલાલ અને ડોક્ટર ધીરજ કાકડિયા  દ્વારા લેખિત 'ગીતા સરિતાપુસ્તકનું વિમોચન રાજ્યના પૂર્વ મુખ્ય સચિવના હસ્તે કરવામાં આવ્યું હતું. ગીતા અધ્યયન કરતા કરતા તેના વિવિધ અધ્યાયો વિશે વિચાર વિમર્શ અને ગહન ચર્ચા કરવાથી તેની ફળશ્રુતિ તરીકે આ પુસ્તકનું સર્જન થયું હોવાનું જણાવતા ડૉ. ધીરજ કાકડિયાએ શ્રીમતી સરિતાબેન દલાલના એક અધિકારી તરીકેના શ્રેષ્ઠ ગુણોને બિરદાવવાની સાથે તેમનામાં રહેલા આધ્યાત્મિક ગુણો વિશે પણ વાત જણાવી હતી. સેવા, સમર્પણ અને વફાદારીના સદગુણોથી ભરપૂર વ્યક્તિત્વના ધની એટલે સરિતાબેન દલાલ તેવું કહી ડો.કાકડિયાએ સરિતાબેનના અધિકારી તરીકેની ફરજ  દરમિયાનની ઉત્કૃષ્ટ કામગીરીના કેટલાક કિસ્સાઓ તાજા કર્યા હતા.

  

 

કર્તવ્ય નિષ્ઠાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા સરિતાબેન વર્તમાન સમયમાં તેમને સોંપાયેલી તમામ જવાબદારી ઉત્કૃષ્ટ રીતે નિભાવતા હોવાનું જણાવી પીઆઇબીના એડિશનલ ડીજી પ્રકાશ મગદૂમે સરિતાબેનને નિવૃત્તિ બાદના સ્વસ્થ અને સુખી જીવનની શુભેચ્છાઓ પાઠવી હતી.  વરિષ્ઠ પત્રકાર શ્રી અજય ઉમટે સરિતાબેનને મહિલા સશક્તિકરણના બેનમૂન આદર્શ ગણાવતા તેમની દૂરદર્શન અને આકાશવાણીની ફરજ દરમ્યાન કરેલી શ્રેષ્ઠ કામગીરીને બિરદાવી હતી. સાથે જ એક મહિલા લેખિકા તરીકે પણ તેમના દ્વારા ઉત્કૃષ્ટ લેખ લખાતા હોવાનું જણાવી તેમને નિવૃત્તિ બાદના સમયમાં પણ વર્તમાન પત્રોમાં લેખ લખતા રહેવાની અપીલ પણ કરી હતી.

8 જૂન 1987 થી સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના એક વિભાગમાં સબ એડિટર તરીકેથી શરૂ થયેલી સફર ૩૫ વર્ષ અને બે મહિનાના દીર્ઘકાલીન ગાળા બાદ પીઆઇબીના જોઈન્ટ ડાયરેક્ટર પદ પર હવે પૂર્ણ થઈ રહી છે ત્યારે આ સમગ્ર કાર્યકાળ દરમિયાન કરેલી કામગીરીથી પૂર્ણ સંતોષ હોવાનું જણાવી શ્રીમતી સરિતા દલાલે તેમના કાર્યકાળ દરમિયાન ઉચ્ચ અધિકારીઓ દ્વારા મળેલા માર્ગદર્શન અને સહકર્મીઓ દ્વારા અપાયેલા સાથ બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

  

આ સમારોહમાં ડીડી ન્યુઝ અમદાવાદના ડિરેક્ટર શ્રી ધર્મેન્દ્ર તિવારી,ઓલ ઇન્ડિયા રેડિયોના સમાચાર વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર શ્રી યોગેશ પંડ્યા, એમટેક્સ કેમિકલના સીઈઓ શ્રી યુધિષ્ઠિર ગોહિલ, બેંક ઓફ બરોડા,ગુજરાતના પૂર્વ ચીફ પી.આર.ઓ શ્રી જયેશ ધોળકિયા, યુનિસેફના ગુજરાત ચીફ શ્રી પ્રસન્નતા દાસ , યુનિસેફના કમ્યુનિકેસન ચીફ શ્રી મોઇરા દાવા અને પીઆઇબી અને સીબીસીનાં અધિકારીગણ- કર્મચારીગણની ઉપસ્થિતિ રહી હતી. જેમણે શ્રીમતી દલાલના નિવૃત્તિ પ્રસંગે તેમને આગામી સ્વસ્થ અને સુખી જીવન માટેની શુભેચ્છાઓ પાઠવી હતી.

***

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1855039) Visitor Counter : 487