માહિતી અને પ્રસારણ મંત્રાલય
azadi ka amrit mahotsav

‘સ્વરાજ’ ધારાવાહિક સ્વાતંત્ર્ય સંગ્રામના અનામી નાયક-નાયિકાઓથી દેશની યુવા પેઢીને પરિચિત કરવાની એક સુંદર પહેલ છેઃ પ્રધાનમંત્રી શ્રી


પ્રધાનમંત્રી શ્રીએ ‘મન કી બાત’ કાર્યક્રમમાં માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા આયોજિત ‘સ્વરાજ’ના સ્ક્રીનીંગનો ખાસ ઉલ્લેખ કર્યો

પ્રધાનમંત્રી શ્રીએ બોત્સ્વાના તેમજ નામીબિયામાં પણ ભારતની આઝાદીના 75 વર્ષની કરાયેલી ઉજવણીને બિરદાવી

પોસ્ટેડ ઓન: 28 AUG 2022 3:41PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે 28 ઓગસ્ટ, 2022ના રોજ પોતાના રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’માં દેશની સ્વતંત્રતાના 75 વર્ષ પૂર્ણ થયે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગતની ઉજવણીનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે અમૃત મહોત્સવના વિવિધ રંગો માત્ર ભારતમાં જ નહીં પણ વિશ્વના અન્ય દેશોમાં જોવા મળ્યા એ ખુશી અને ગર્વની વાત છે. આ સાથે જ પ્રધાનમંત્રી શ્રીએ દૂરદર્શન પર પ્રસારિત થઈ રહેલી ધારાવાહિક ‘સ્વરાજ’નો પણ ખાસ ઉલ્લેખ કર્યો હતો અને આ ધારાવાહિક સ્વતંત્રતાના આ મહાનાયકો પ્રત્યે દેશમાં એક નવી જાગૃતિ બની રહેશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે અમૃત મહોત્સવના અનેકવિધ રંગો માત્ર ભારતમાં જ નહીં, પરંતુ વિશ્વના બીજા દેશોમાં પણ જોવા મળ્યા. બોત્સ્વાનામાં ત્યાંના રહેનારા સ્થાનિક ગાયકોએ ભારતની સ્વતંત્રતાનાં 75 વર્ષ મનાવવા માટે દેશભક્તિનાં 75 ગીતો ગાયાં. તેમાં વધુ વિશેષ વાત છે કે આ ગીતો હિન્દી, પંજાબી, ગુજરાતી, બાંગ્લા, અસમિયા, તમિલ, તેલુગુ, કન્નડ અને સંસ્કૃત જેવી ભાષામાં ગાવામાં આવ્યાં. આ જ રીતે, નામીબિયામાં ભારત-નામીબિયાના સાંસ્કૃતિક-પારંપરિક સંબંધો પર વિશેષ સ્ટેમ્પ જાહેર કરવામાં આવી છે.

તેમણે કહ્યું હતું, ‘હું વધુ એક ખુશીની વાત કહેવા માગું છું. હમણાં કેટલાક દિવસો પહેલાં, મને ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના કાર્યક્રમમાં જવાનો અવસર મળ્યો. ત્યાં તેમણે ‘સ્વરાજ’નામના દૂરદર્શન ધારાવાહિકનું સ્ક્રીનિંગ રાખ્યું હતું. મને તેના પ્રિમિયર પર જવાની તક મળી. તે સ્વતંત્રતાના આંદોલનમાં ભાગ લેનારા અનામી નાયક-નાયિકાઓના પ્રયાસોથી દેશની યુવા પેઢીને પરિચિત કરવાની એક સુંદર પહેલ છે. દૂરદર્શન પર દર રવિવાર રાત્રે 9 વાગ્યે તેનું પ્રસારણ થાય છે અને મને કહેવામાં આવ્યું કે ૭૫ સપ્તાહ સુધી તે ચાલવાનું છે. મારો અનુરોધ છે કે તમે સમય કાઢીને તેને સ્વયં પણ જૂઓ અને પોતાના ઘરનાં બાળકોને પણ અવશ્ય દેખાડો અને સ્કૂલ-કૉલેજના લોકો તો તેનું રેકૉર્ડિંગ કરીને જ્યારે સોમવારે સ્કૂલ-કૉલેજ ખુલે તો વિશેષ કાર્યક્રમની રચના પણ કરી શકે છે, જેથી સ્વતંત્રતાના આ મહાનાયકો પ્રત્યે આપણા દેશમાં એક નવી જાગૃતિ પેદા થશે. સ્વતંત્રતાનો અમૃત મહોત્સવ આગામી વર્ષ અર્થાત્ ઑગસ્ટ 2023 સુધી ચાલશે. દેશ માટે, સ્વતંત્રતા સેનાનીઓ માટે જે લેખન-આયોજન વગેરે આપણે કરી રહ્યા હતા, આપણે તેમને હજુ આગળ વધારવાનું છે.

SD/GP/JD


(રીલીઝ આઈડી: 1855028) મુલાકાતી સંખ્યા : 171