કૌશલ્ય વિકાસ અને ઉદ્યમિતા મંત્રાલય

ડિજિટલ ઇન્ડિયાની પહેલે ભારતને ટેક આયાતકારમાંથી ટેક ઉત્પાદક બનાવી દીધું છેઃ કેન્દ્રીય રાજ્યમંત્રી ચંદ્રશેખર

Posted On: 25 AUG 2022 7:00PM by PIB Ahmedabad

કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી તથા કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા રાજ્ય મંત્રી શ્રી રાજીવ ચંદ્રશેખરે આજે જણાવ્યું હતું કે, દેશમાં ઇલેક્ટ્રોનિક ક્ષેત્રએ છેલ્લાં થોડાં વર્ષોમાં મોટી હરણફાળ ભરી છે, જેણે ભારતને ટેક આયાતકારમાંથી ટેક ઉત્પાદક અને ટેક નિકાસકારમાં પરિવર્તિત કર્યું છે.

“2014માં જ્યારે નરેન્દ્ર મોદી સરકારે સત્તા સંભાળી ત્યારે ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ નિરાશાજનક હતું. મોબાઇલ ફોનનાં ઉત્પાદન માટે, ભાગો પશ્ચિમથી આયાત કરવા પડતા હતા. આજે, મુખ્ય ટેલિકોમ કંપનીઓએ ભારતમાં ઉત્પાદન મથકો સ્થાપ્યાં છે અને ગયાં વર્ષે આપણે રૂ. 20,000 કરોડના મોબાઇલ ફોનની નિકાસ કરી હતી, "એમ મંત્રીએ ભરૂચના ઓમકાર નાથ ટાઉન હોલમાં વિદ્યાર્થીઓ, સ્ટાર્ટઅપ્સ અને ઉદ્યોગસાહસિકોના મેળાવડાને સંબોધન કરતાં જણાવ્યું હતું.

તેમણે કહ્યું હતું કે, દુનિયાને પણ હવે ભારતની ઉદ્યોગસાહસિકતાની તાકાતનો અહેસાસ થયો છે અને ઘણા દેશોએ આપણાં સ્વદેશી સ્ટાર્ટઅપ્સ અને યુનિકોર્ન સાથે જોડાણ માટે રસ દાખવ્યો છે.

ભરૂચ જિલ્લા માટે સ્ટાર્ટ અપ એન્ડ ઇનોવેશન માટે એક્શન પ્લાનનો શુભારંભ કરાવતા શ્રી ચંદ્રશેખરે જણાવ્યું હતું કે રોડમેપમાં ઉદ્યોગ, શિક્ષણ, સરકાર અને સિવિલ સોસાયટી વચ્ચે ભાગીદારીની દરખાસ્ત કરવામાં આવી છે. તેમણે ઉમેર્યું હતું કે, તેનો ઉદ્દેશ રોજગારી અને ઉદ્યોગસાહસિકતા માટે તકોનું સર્જન કરવાનો છે, જેથી યુવા ભારત માટે નવા ભારત- ન્યુ ઇન્ડિયા ફોર યંગ ઇન્ડિયાનું નિર્માણ થઈ શકે.

યુવા પેઢી ડિજિટલ અર્થતંત્રની ખરા અર્થમાં અગ્રેસર ચાલક છે બાબત પર ભાર મૂકીને શ્રી ચંદ્રશેખરે જણાવ્યું હતું કે ટેકનોલોજી આર્થિક પરિવર્તનને સક્ષમ બનાવી શકે છે અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના આત્મનિર્ભર ભારતનું નિર્માણ કરવાના લક્ષ્યાંકને હાંસલ કરવામાં મદદરૂપ થઈ શકે છે. તેમણે કહ્યું હતું કે, "આત્મનિર્ભર ભારત કોઈ રાજકીય સૂત્ર નથી, પરંતુ એક ઊંડું મૂળભૂત માળખું છે, જે દરેક જિલ્લા, દરેક શહેર અને દરેક ગામમાંથી પસાર થાય છે અને તેમના સંસાધનોનો ઉપયોગ કરે છે."

અગાઉ આજે કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રાલયના અધિકારીઓ, રાજ્ય સરકાર અને જિલ્લા પ્રમુખ ડો.વિજય શાહ, મહામંત્રીઓ શ્રી રાકેશ સેવક અને શ્રી જસવંતસિંહ સોલંકી અને અન્યોની આગેવાની હેઠળના પક્ષના કાર્યકરો દ્વારા વડોદરા શહેર ખાતે આગમન સમયે મંત્રીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.

બાદમાં તેઓ સુરત ગયા હતા જ્યાં તેમણે વિદ્યાર્થીઓ સાથે ફાયરસાઇડ ચેટ યોજી હતી. તેમણે એવા વિદ્યાર્થીઓ અને નવીનતાઓનું સન્માન કર્યું કે જેમણે પોતાનાં સ્ટાર્ટઅપ્સ સ્થાપિત કર્યાં હતાં.

ભરૂચ અને સુરત એમ બન્ને ખાતે વિદ્યાર્થીઓ સાથેનાં પ્રશ્નોત્તરી સત્રોમાં શ્રી ચંદ્રશેખરને વિવિધ પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવ્યા હતાતેમના વિદ્યાર્થીકાળથી માંડીને ઉદ્યોગસાહસિક અને ચિપ ઉત્પાદક તરીકેના તેમના કાર્યકાળ, એક રાજકીય નેતા તરીકેના તેમના કાર્યકાળથી માંડીને તે ડેટા સંરક્ષણ, ક્રિપ્ટો કરન્સી, સાયબર સિક્યુરિટી, રિઝર્વેશન વગેરે પરની સરકારની નીતિઓ સુધીના. તેમણે કુશળતાપૂર્વક દરેક પ્રશ્નોના તેમના મૈત્રીપૂર્ણ, આકર્ષક રીતે જવાબ આપ્યા હતા.

મંત્રીશ્રીએ કેન્દ્ર અને રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીઓ સાથે પણ ચર્ચા કરી હતી અને જિલ્લાના પક્ષના કાર્યકરોને પણ મળ્યા હતા.

રાજ્યની બે દિવસની મુલાકાતે આવેલા શ્રી ચંદ્રશેખર આવતીકાલે સુરતમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (વીએનએસજીયુ)ની મુલાકાત લેશે, ઉપરાંત અન્ય કાર્યક્રમોમાં પણ ભાગ લેશે

SD/GP/JD



(Release ID: 1854471) Visitor Counter : 264


Read this release in: English