વેપાર અને ઉદ્યોગ મંત્રાલય

જીટીયુ ખાતે કેન્દ્રીય વેપાર અને ઉદ્યોગ મંત્રી શ્રી પિયુષ ગોયલે મોદી@20 પુસ્તક પર વ્યાખ્યાન આપ્યું


આપણા પ્રધાનમંત્રીશ્રીએ અનુભવના આધારે અવિરત વિકાસ અને સશક્ત નેતૃત્વ થકી દરેક સ્તરે વૈશ્વિક ફલક પર ભારતને અગ્રહરોળમાં પ્રસ્થાપિત કર્યુઃ કેન્દ્રીય વેપાર અને ઉદ્યોગ મંત્રી શ્રી પિયુષ ગોયલ

મંત્રીશ્રીએ હેલ્થ, મેડિકલ ડિવાઈસ, રોબોટીક્સ, 3-ડી પ્રિન્ટીંગ જેવા વિવિધ સ્ટાર્ટઅપના કર્તાહર્તાઓ સાથે ચર્ચા કરી

Posted On: 20 AUG 2022 8:26PM by PIB Ahmedabad

વિકાસશીલ ભારતથી વિકસિત ભારત અને વૈશ્વિક મહાસત્તાની હરોળમાં આપણો દેશ આવનારા ભવિષ્યમાં જોવા મળશે. જેમાં શંકાને કોઈ સ્થાન નથી. તત્કાલિન ગુજરાતના મુખ્યમંત્રી અને વર્તમાન આપણા દેશના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીના છેલ્લા 2 દશકમાં કરવામાં આવેલા પ્રજાલક્ષી વિવિધ કાર્યો અને તેનાથી વૈશ્વિક ફલક પર ભારત અલગ છાપ ઉપસ્થિત કરવામાં સક્ષમ બન્યું એવા તમામ પ્રકારના આર્થિક, રાજકીય, સામાજિક, વૈશ્વિક, સાયન્સ એન્ડ ટેક્નોલોજી, વિકાસ સંબધિત દરેક મુદ્દાઓને સાંકળીને મોદી@20 પુસ્તકનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.

આ પુસ્તક સંદર્ભે કેન્દ્રીય વેપાર અને ઉદ્યોગ મંત્રીશ્રી પિયુષ ગોયલ દ્વારા ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) ખાતે વ્યાખ્યાન આપતાં જણાવ્યું હતું કે, આપણા પ્રધાનમંત્રીશ્રીએ અનુભવના આધારે અવિરત વિકાસ અને સશક્ત નેતૃત્વ થકી દરેક સ્તરે વૈશ્વિક ફલક પર ભારતને અગ્રહરોળમાં પ્રસ્થાપિત કરેલ છે. પ્રઘાનમંત્રીશ્રીએ તેમના છેલ્લા 20 વર્ષના કાર્યકાળમાં વિકાસના પર્યાય બનીને દેશને નવી ઉંચાઈ પર પહોચાડ્યો છે. તેમના સકારાત્મક નિર્ણયોને કારણોસર ભારત દેશની પ્રજાની જીવનશૈલીમાં આમૂલ પરિવર્તવન થયેલું જોવા મળે છે.

વધુમાં આ સંદર્ભે તેમણે જણાવ્યું હતું કે, ઈકોનોમી ફોર ઑલ, યુનિક ગવર્નન્સ, પીપલ ફસ્ટ, વસુધૈવ કુટુંબકમ્ જેવા વિવિધ મદ્દાઓને સાંકળીને ખરા અર્થમાં ગ્લોબલ વિઝન અને ઈકોનોમીની હરોળમાં આવવા માટે કરવામાં આવેલા વિકાસમય કાર્યોની બાબતો પુસ્તકમાં જણાવવામાં આવેલ છે. સ્વાસ્થ્ય, રાજનીતિ, રમત-ગમત ઈકોનોમીક્સ, અને બ્યૂરોક્રેટ્સ ક્ષેત્ર સાથે જોડાયેલ અનેક તજજ્ઞોના અનુભવો પણ આ પુસ્તકમાં પ્રકાશિત કરવામાં આવેલા છે.

મંત્રીશ્રીએ વિશેષમાં જીટીયુ ઈનોવેશન સેન્ટર, અટલ ઈનોવેશન સેન્ટર અને ડિઝાઈન ઈનોવેશન સેન્ટરમાં હેલ્થ કેર, મેડિકલ ડિવાઈસ, એજ્યુકેશનલ ટોઈઝ, ડ્રોન ટેક્નોલોજી, રોબોટીક્સ, 3-ડી પ્રિન્ટીંગ, એનર્જી સેવિંગ જેવા સ્ટાર્ટઅપને નિહાળીને સ્ટાર્ટઅપકર્તાઓ સાથે ચર્ચા-વિચારણા કરી હતી. વિદ્યાર્થીઓને સ્ટાર્ટઅપ અને ઈનોવેશનમાં વિશેષ રીતે કાર્યરત રહીને આત્મનિર્ભર ભારત અભિયાનમાં પણ સહભાગી થવા જણાવ્યું હતું. આ પ્રસંગે જીટીયુના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની વિકાસરૂપી કાર્યમાં જીટીયુ પણ એક ભાગ છે, પ્રધાનમંત્રીશ્રીએ સિંચેલા આ ટેક્નિકલ બિજ જ્ઞાનરૂપી વટવૃક્ષ તરીકે વર્તમાન સમયમાં જોવા મળે છે. આ પ્રસંગે જીટીયુના કુલસચિવ ડૉ. કે. એન. ખેર, ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ ઉપકુલપતિ ડો. જગદીશ ભાવસાર તેમજ સમગ્ર જીટીયુના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

SD/GP/JD



(Release ID: 1853364) Visitor Counter : 140