કાપડ મંત્રાલય
azadi ka amrit mahotsav

કેન્દ્રીય કાપડ અને રેલવે રાજ્ય મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશે સુરતમાં યાર્ન એક્સ્પોનું ઉદઘાટન કર્યું


“માગનારા નહીં, આપનારા બનીએ”

“20 કરોડ તિરંગામાંથી 7.5 કરોડ તિરંગા સુરતમાં બન્યા અને મહિલાઓએ ઓટવાનું કામ કર્યું”

“નવી ટફ કે પીએલઆઇ-2 માટે વિચારણા ચાલે છે”

Posted On: 20 AUG 2022 6:57PM by PIB Ahmedabad

કેન્દ્રીય કાપડ અને રેલવે રાજ્ય મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશે સુરતમાં આજે યાર્ન એક્સ્પોનું ઉદઘાટન કર્યું હતું. સુરતના કાપડ ઉદ્યોગને વિશ્વ વ્યાપી ફલક મળે અને ઉદ્યોગકારો યાર્ન પ્રોડકશન વિશેની અદ્યતન ટેકનોલોજીથી સજ્જ ઉત્પાદન કરતા થાય તે આશયથી સધર્ન ગુજરાત ચેમ્બર ઑફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આયોજિત આ ત્રિદિવસીય રાષ્ટ્રીય વેપાર પ્રદર્શનમાં 86 ઉત્પાદકો ભાગ લઈ રહ્યા છે. આ પ્રસંગે સુરતનાં મેયર શ્રીમતી હેમાલી બોઘાવાલા, સુરતના પોલીસ કમિશનર શ્રી અજય તોમર, ચેમ્બરના પદાધિકારીઓ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોષે જણાવ્યું હતું કે, 'આઝાદી કા અમૃત મહોત્સવ' અંતર્ગત દેશમાં ઉપયોગમાં લેવામાં આવેલા 20 કરોડ તિરંગામાંથી સુરતની ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીએ 7.5 કરોડ તિરંગાનું ઉત્પાદન કરીને ક્ષમતા બતાવી આત્મનિર્ભર માટેનો સંદેશ પૂરો પાડ્યો છે. એમાં પણ તિરંગાને ઓટવામાં મહિલાઓની વિશેષ ભૂમિકા રહી છે. હવે ઉદ્યોગોએ આત્મનિર્ભર તરફ આગળ વધવું પડશે અને તેની પહેલ પણ સુરતે જ કરવાની છે. ગ્લોબલ માર્કેટને કેપ્ચર કરવા માટે મેન મેઇડ ફાયબર-એમએમએફને સપોર્ટ કરવો પડશે. આથી કેન્દ્ર સરકારે એમએમએફને સપોર્ટ કરતી સ્કીમ બહાર પાડી છે. સરકાર હવે પીએલઆઇ–2 માટે પ્રયાસ કરી રહી છે.

તેમણે કહ્યું કે આ સરકારે મંત્રાલયો વચ્ચેના વાડા દૂર કર્યાં છે અને હિતધારકો સાથે ચર્ચા કરીને ત્વરિત નિર્ણયો લે છે. મહત્વાકાંક્ષી પીએમ મિત્ર પાર્ક માટે 13 રાજ્યોએ દરખાસ્ત રજૂ કરી છે. આ માટે ગુજરાત અને કર્ણાટક રાજ્યએ તો પોતાના બજેટમાં અલગ ફાળવણી કરી છે. હવે સરકાર કોકુનમાંથી સિલ્ક બનાવવાની દિશામાં આગળ વધી રહી છે. એમએમએફ, ટેકનિકલ ટેકસટાઇલ અને રેડીમેડ ગારમેન્ટ્‌સ માટેની ઇન્ડસ્ટ્રી ગ્રો થવાની છે ત્યારે હેન્ડલુમ હેન્ડીક્રાફટમાં ટેકનિકલ સપોર્ટ આપી આ ઇન્ડસ્ટ્રી પણ આગળ વધે તે દિશામાં પ્રયાસ કરવાનો છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ટેક્સ્ટાઇલમાં પીએલઆઇ સ્કીમ અંતર્ગત ભાગ લેનાર ૬૭ લાભાર્થીઓમાં ૭ સુરતના છે. તેમણે ટફ યોજના વિશે પણ વાત કરી હતી અને કહ્યું કાપડ ઉદ્યોગમાં નવી ટેકનોલોજી, પ્રોસેસ ક્ષમતામાં વધારો, ટ્રેનીંગ અને રિસર્ચ વધારવા સરકાર કટિબદ્ધ છે. નવી ટફ યોજના કે પીએલઆઇ 2 માટે વિચારણા ચાલી રહી છે. તેમણે ભારતીય બિઝનેસને વૈશ્વિક ફલક પર પ્રમોટ કરવા નવા આઈડિયા અને ટેકનોલોજી પર વધુમાં વધુ ધ્યાન કેન્દ્રીકરણ કરવા ભાર મૂક્યો હતો અને તેમણે માગનારા કરતા આપનારા બનવા જોઈએ એવું સૂચન કર્યું હતું.

SD/GP/JD


(Release ID: 1853339) Visitor Counter : 162