સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય

વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ નિમિત્તે કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણે, નડિયાદ ખાતે પ્રદર્શન ખુલ્લું મૂક્યું

Posted On: 14 AUG 2022 4:03PM by PIB Ahmedabad

ખેડા જિલ્લાના વડા મથક નડિયાદના ઈપ્કોવાલા હોલ ખાતે નડિયાદ નગરપાલિકા દ્વારા આયોજીત, ૧૪ ઓગસ્ટના વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ નિમિત્તે પ્રદર્શન ખુલ્લુ મુકાયું. ભારત સરકારના સંચાર રાજ્ય મંત્રી શ્રી દેવુસિંહ ચૌહાણ અને નડિયાદના ધારાસભ્ય અને ગુજરાત સરકારના મુખ્ય દંડક શ્રી પંકજભાઈ દેસાઈએ આ પ્રદર્શન ખુલ્લુ મુક્યું હતું. આ કાર્યક્રમમાં નડિયાદ નગરપાલિકાના પ્રમુખ રંજનબેન વાઘેલા સહિત સાથી કાઉન્સિલરો અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા

14 ઓગસ્ટે, ભારત અને પાકિસ્તાનના ભાગલા પડ્યા તે વખતે બે કરોડથી વધુ લોકો પ્રભાવિત થયા હતા ‌ દસ લાખથી પણ વધુની હત્યાઓ થઈ હતી અને મહિલાઓના અપહરણ પણ થયા હતા. બહુ મોટા પાયે માલમિલકત ને નુકસાન પણ થયું હતું. લાખોની સંખ્યામાં માનવજાતે આ દિવસે સ્થળાંતર કરવું પડ્યું હતું, તે પણ તેમની માલ મિલકત અને બાળકોને છોડીને. તે દિવસની ઘટનાઓને યાદ કરવા, આજની નવી પેઢીને તે દિવસો સમજાવવા ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત સરકારના કલ્ચર વિભાગ દ્વારા 14 ઓગસ્ટ વિભીષિકા સ્મૃતિ દિન તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. તે અંતર્ગત સમગ્ર ભારતભરમાં વિવિધ જગ્યાઓએ જે તે સમયની તસવીરો સાથેના પોસ્ટરો નુ પ્રદર્શન પણ ગોઠવવામાં આવ્યું છે, તેમ કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી શ્રી દેવુસિંહ ચૌહાણે નડિયાદ ખાતે ઇપ્કોવાલા હોલમાં એક સમારંભમાં પ્રદર્શન ખુલ્લું મુકતા જણાવ્યું હતું.

વધુમાં તેમણે જણાવ્યું કે આજની પેઢી ખાસ આ પ્રદર્શન નિહાળે અને યાદ કરે એ દિવસોએ આમ પ્રજાએ કેટલા સંઘર્ષ કરી દુઃખ વેઠી સ્થળાંતર કર્યું હતું. આ ઘટના બહુ મોટી હતી. લાખોની સંખ્યામાં સ્થળાંતર થયું હતું. અનેક પ્રકારની યાતના દુઃખ અને સંઘર્ષ સાથે મોટું સ્થળાંતર થયું હતું તે ઘટના આજની પેઢી ન ભૂલે, તેને સમજે અને યાદ કરે તે માટે આ પ્રદર્શન ગોઠવાયુ છે.

તેમણે વધુમાં જણાવ્યું કે ભારત પાકિસ્તાનના ભાગલા વખતે લાખો ભાઈ બહેનોએ પીડા અને દુઃખ સહન કર્યા હતા. તત્કાલીન સરકારોએ આ દિવસને ભૂલવાનો અને ભુલાવવાનો પ્રયત્ન કર્યો છે. પરંતુ પ્રધાનમંત્રી શ્રી મોદીના નેતૃત્વવાળી સરકારે આ દિવસને વિભીષિકા સ્મૃતિ દિન તરીકે ઉજવવાનું નક્કી કર્યુ અને સમગ્ર ભારતમાં અનેક જગ્યાઓ પર પ્રદર્શન ગોઠવાયા છે. તે અંતર્ગત ખેડા જિલ્લાના નડિયાદ ખાતે આવેલ ઇપ્કોવાલા હોલ તેમજ પીપલગ પાસે આવેલ રુડ સેટ ઇન્સ્ટિટયૂટ ખાતે પણ પ્રદર્શન ગોઠવાયું છે. રુડસેટ ઇન્સ્ટિટ્યુટ ખાતે ગોઠવાયેલા પ્રદર્શનમાં state bank of india તેમજ bank of baroda ના મેનેજર અમિત સિંહા, મિશ્રા, ભરતકુમાર, રુડ શેટ ઇન્સ્ટિટ્યુટના નિયામક અજય પાઠક ઉપસ્થિત રહી વરિષ્ઠ નાગરિકોને સન્માનિત કર્યા હતા તેમજ પ્રદર્શન પણ નિહાળ્યું હતું.

જ્યારે બીજા સમારંભમાં કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી શ્રી દેવુસિંહ ચૌહાણ, પંકજભાઈ દેસાઈ, રંજનબેન વાઘેલા, મ્યુનિસિપલ કાઉન્સિલરો તેમજ અગ્રણીઓ, નડિયાદના નાગરિકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. 

SD/GP/JD



(Release ID: 1851794) Visitor Counter : 161