સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય
azadi ka amrit mahotsav

કેન્દ્રીય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં હર ઘર તિરંગા અભિયાન સમારોહ અને સ્વતંત્ર સેનાનીઓના પરિવારજનોના સન્માન કાર્યક્રમ યોજાયો


મંત્રીશ્રીની આગેવાનીમાં ખેડા તાલુકાના નવાગામ ખાતે કલમબંધી હાઇસ્કુલથી ગાંધીસ્મૃતિ હોલ સુધી તિરંગા રેલી યોજાઇ

કેન્દ્રીય મંત્રીશ્રીનો માતૃભૂમિ નવાગામ ખાતેથી ઉદઘોષ - ' આઝાદીના 75મા વર્ષે હવે દેશ માટે જીવવાનો સમય આવી ગયો છે '

Posted On: 13 AUG 2022 3:23PM by PIB Ahmedabad

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત કેન્દ્રીય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણની ઉપસ્થિતીમાં હર ઘર તિરંગા અભિયાન સમારોહ ખેડા તાલુકાના નવાગામ ખાતે યોજાયો. આ કાર્યક્રમ અંતર્ગત કલમબંધી હાઇસ્કુલથી ગાંધી સ્મૃતિ હોલ સુધી તિરંગા રેલી પણ યોજવામાં આવી અને નવાગામના સ્વતંત્ર સેનાનીઓના પરિવારજનોનું સન્માન કરવામાં આવ્યું હતું.

કેન્દ્રીય સંચાર મંત્રીની આગેવાનીમાં તિરંગા નવાગામ ખાતે કલમબંધી હાઇસ્કુલથી ગાંધી સ્મૃતિ હોલ સુધી તિરંગા રેલી કાઢવામાં આવી હતી. જેમાં ખેડા જિલ્લા વિકાસ અધિકારી, ખેડા મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, તાલુકા પ્રમુખ, પોસ્ટ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સહિત અન્ય અધિકારીઓ, પદાધિકારીઓ, આગેવાનો, શિક્ષકો અને કલમબંધી શાળાના વિદ્યાર્થીઓ જોડાયા હતા.

શ્રી દેવુસિંહ ચૌહાણે આ પ્રસંગે નવાગામ ખાતે પોતાના જીવન સંસ્મરણો યાદ કરતા ગાંધીજીની દાંડી માર્ચની ચળવળ, આઝાદી અને વર્તમાન ભારતમાં દેશ માટે પ્રત્યેક નાગરિકની જવાબદારી વિશે વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે દેશમાં નિર્માણ કરવામાં આવેલી વ્યવસ્થાઓનું જતન કરવું એ પ્રત્યેક નાગરિકની જવાબદારી છે. તેમણે નવાગામ ગ્રામજનો પાસેથી પાણીનો અને વીજળીનો સપ્રમાણ ઉપયોગ કરવાનો સંકલ્પ કરાવ્યો હતો. મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે જનભાગીદારીથી જ દેશપ્રેમ અને વિકાસ શક્ય બને છે. તેમણે ભારતીય ધ્વજનો ટુંકો ઐતિહાસિક પરિચય આપી ધ્વજનું મહત્વ સમજાવ્યું હતું અને ધ્વજની ઉત્સવની જેમ ઉજવણી કરવા સમગ્ર રાષ્ટ્રીય સ્તરે તક આપવા માટે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર માન્યો હતો.

કાર્યક્રમમાં ગુજરાત સર્કલ મુખ્ય પોસ્ટ માસ્ટર જનરલ શ્રી જીતેન્દ્ર ગુપ્તાએ ઉપસ્થિત સર્વેને આવકાર્યા હતા અને દક્ષિણ ગુજરાત પ્રદેશ, પોસ્ટ માસ્ટર જનરલ, વડોદરા, શ્રીમતી પ્રીતિ અગ્રવાલ દ્વારા પોસ્ટ વિભાગની વિવિધ કામગીરીનો ટુંકો પરિચય આપવામાં આવ્યો હતો.         

આ પ્રસંગે શ્રી દેવુસિંહ ચૌહાણે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા ત્યાંની શાળાઓની મુલાકાત લીધી હતી અને આઝાદીના અમૃત મહોત્સવનું મહત્વ સમજાવ્યું હતું. તેમજ મંત્રીશ્રીએ કલમબંધી વિદ્યાલય ખાતે મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ પણ અર્પણ કરી હતી.

શ્રી દેવુસિંહ ચૌહાણે ખેડા સત્યાગ્રહ અને દાંડી સત્યાગ્રહ દરમિયાન શહીદો/સ્વતંત્ર સેનાનીઓને દેશ માટે આપેલા બલિદાનને યાદ કરીને શ્રદ્ધાંજલિ અર્પિત કરીને અને તેમના પરિવારના સભ્યો સાથે સ્નેહમિલન કર્યું. તેમજ ત્યાંના ગામડાના લોકોમાં ધ્વજનું વિતરણ કર્યું અને નવાગામ ખાતે ગ્રામજનોના ઘર પર ધ્વજ ફરકાવ્યા અને લોકોને હર ઘર તિરંગા અભિયાનમાં સક્રિયપણે ભાગ લેવા માટે પ્રોત્સાહિત કર્યા.         

ઉલ્લેખનિય છે કે બ્રિટિશ રાજ દરમિયાન મહાત્મા ગાંધી દ્વારા ૧૯૧૮ના ખેડા સત્યાગ્રહ અને ૧૯૩૦ના દાંડી સત્યાગ્રહ આયોજિત કરવામાં આવ્યા હતા તે દરમિયાન નવાગામનો હંમેશા મહત્વનો ભાગ રહ્યો છે. નવાગામનું ઐતિહાસિક મૂલ્ય હોવાથી માનનીય MoSC એ હર ઘર તિરંગા મહોત્સવની ઉજવણી માટે આ સ્થળ પસંદ કર્યું છે.

SD/GP/JD


(Release ID: 1851523) Visitor Counter : 209