પશુ સંવર્ધન, ડેરી અને મત્સ્ય ઉછેર મંત્રાલય
azadi ka amrit mahotsav

નવસારીનું ઐતિહાસિક દાંડી નીમક સત્યાગ્રહ સ્મારક બન્યું તિરંગામય


કેન્દ્રીય મંત્રી શ્રી પરશોત્તમ રૂપાલાના અધ્યક્ષતામાં યોજાઈ ભવ્યતાથી ભવ્ય તિરંગા પદયાત્રા

દાંડી સ્મારકના પ્રાંગણમાં ‘તિરંગા પદયાત્રા’ યોજાયા બાદ ગાંધીજીના સ્મારક પાસે કેન્દ્રીય મંત્રીશ્રી પરશોત્તમ રૂપાલાના હસ્તે રાષ્ટ્ર ધ્વજ ફરકાવવામાં આવ્યો

આઝાદીના અમૃત મહોત્સવ ૭૫ વર્ષની ઉજવણી બાદ દેશ અમૃતકાળમાં પ્રવેશ કરશે ત્યારે રાષ્ટ્રના દરેક ભારતીયોએ સ્વ-સંકલ્પ કરી શ્રેષ્ઠ ભારતના નિર્માણમાં યોગદાન આપેઃ કેન્દ્રીય મંત્રીશ્રી પરશોત્તમ રૂપાલા

Posted On: 12 AUG 2022 4:54PM by PIB Ahmedabad

દેશની એકતા, અખંડિતતા અને ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ના પ્રતિક તિરંગાને દેશના તમામ ઘરોમાં લહેરાવવાના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કરેલા આહ્વાનને ઝીલી લઈને દેશના 20 કરોડ ઘરો પર તિરંગો લહેરાવવા ભારત સરકાર સંકલ્પબદ્ધ છે. આઝાદીના ૭૫ વર્ષની રાષ્ટ્રભાવના સાથે ઉજવણી અંતર્ગત ‘હર ઘર તિરંગા’ અભિયાનના ભાગરૂપે ભારતની આઝાદીની ચળવળના મુખ્ય કેન્દ્ર સ્થાન એવા રાષ્ટ્રના 75 ઇતિહાસ સ્થળો પર રાષ્ટ્ર ધ્વજ ફરકવાનું નક્કી કરવામાં આવ્યું છે. જે અંતર્ગત આજે નવસારીના નેશનલ સોલ્ટ મેમોરિયલ દાંડી ખાતે પશુપાલન અને ડેરી મંત્રાલય દ્વારા આયોજિત ‘તિરંગા પદયાત્રા’ કેન્દ્રીય ફિશરીઝ ,પશુપાલન અને ડેરી ઉધોગના કેન્દ્રીય મંત્રીશ્રી પુરૂષોત્તમ રૂપાલાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી તેમની સાથે  નવસરીના કલેકટર શ્રી અમિત પ્રકાશ યાદવ અને સુમુલ ડેરીના ચેરમેન માનસિંહ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

કેન્દ્રીય મંત્રી શ્રી ‘તિરંગા પદયાત્રામાં ગ્રામજનો સાથે પગપાળા ચાલીને સહભાગી થયા હતા. જેમાં સાંસ્કૃતિક નૃત્ય સાથે રાષ્ટ્રભાવનાના ગીતો, ભારતમાતા કી જયની ગુંજ સાથે તિરંગા યાત્રામાં દરેક લોકોમાં દેશ દાઝની ભાવના  ઉમળી હતી, તિરંગાયાત્રાની સમાપ્તિ બાદ નેશનલ સોલ્ટ સ્મારકમાં ગાંધીજીની પ્રતિમા પાસે કેન્દ્રીયમંત્રીના હસ્તે રાષ્ટ્ર ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો.          

કેન્દ્રીય મંત્રીશ્રી પરશોત્તમ રૂપાલા નેશનલ સોલ્ટ સ્મારક દાંડી  ખાતે આયોજિત સમારોહને સંબોધતા જણાવ્યું હતું કે, આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે સમગ્ર દેશ આઝાદીના અમૃત્ત મહોત્સવની ઉજવણી કરી રહ્યો છે, ત્યારે રાજ્યના પ્રત્યેક નાગરિકોમાં રાષ્ટ્રભાવ જગાવવા દાંડીની તિરંગા પદયાત્રા પ્રેરણારૂપ બનશે. કેન્દ્રીય મંત્રીશ્રી  પ્રત્યેક રાજ્યના તમામ નાગરિકો ઘર પર તિરંગો લહેરાવે અને રાષ્ટ્રભાવનાના આ યજ્ઞમાં ઉત્સાહભેર જોડાઈને મા ભારતીનું ગૌરવ વધારે એવી અપેક્ષા વ્યક્ત કરી હતી. તેમણે આ અવસરે આઝાદીના નવા તીર્થસ્થાનોમાં ગુજરાતના નવસારીનું દાંડી ,રાજસ્થાન અને ગુજરાતની બોર્ડર પર આવેલ માનગઢ અને કચ્છમાં શ્યામજી કૃષ્ણ વર્માનું જન્મ સ્થળ માંડવીમાં લંડન હાઉસનો વિશેષ ઉલ્લેખ કરી આઝાદીના ક્રાંતિકારીઓને યાદ કર્યા હતા અને નવી પેઢીમાં આઝાદીના ક્રાંતિકારીઓએ આપેલ બલિદાનોની  પ્રેરણા લઈ ઘરે ઘરે તિરંગો લહેરાવી રાષ્ટ્રચેતનાની આ પહેલમાં યોગદાન આપે એવી આકાંક્ષા પણ વ્યક્ત કરી તેમણે તિરંગા યાત્રાના સુદ્રઢ આયોજન અને વિશેષ નવસારીના દાંડી સત્યાગ્રહમાં બલિદાન અને યોગદાન  આપનારા સ્વતંત્રતા સેનાનીના પરિવારોને વિશેષ  ઉપસ્થિતિ રાખ્યા તે બદલ જિલ્લા વહીવટી તંત્ર અને આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા.

આ પ્રસંગે અમિત પ્રકાશ યાદવે પ્રાસંગિક સંબોધન કરી હાજર રહેલા લોકોનો પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે, દાંડી સ્મારકમાં યોજાયેલ તિરંગા યાત્રાએ દેશભરમાં તિરંગા યાત્રા મારફત દેશના ખૂણે ખૂણે રાષ્ટ્રવાદનો સંદેશ પહોંચાડવામાં યોગદાન આપશે. નવસારીમાં 13 થી 15 ઓગસ્ટ દરમિયાન 4 લાખથી વધુ ઝંડા ફરકાવાના છે જે માટે અહીંના લોકોનો ઉત્સાહ અનેરો છે.       

 

આ પ્રસંગે  સુમુલ ડેરીના ચેરમેન માનસિંહભાઈ પટેલે ઉપસ્થિત લોકોના દેશભક્તિના જોમ જુસ્સાને બિરદાવ્યો હતો. તેમણે જણાવ્યું કે, યુવાનો, ક્રાંતિકારીઓ, આઝાદીના લડવૈયાઓના બલિદાનના પ્રતાપે આજે દેશવાસીઓ મુક્તપણે રાષ્ટ્રધ્વજ ફરકાવી શકે છે. ડેરી ક્ષેત્રમાં દક્ષિણ ગુજરાતના પશુપાલન ખેડૂતોમાં થયેલ પ્રગતિના સંધર્ભમાં જણાવ્યું હતું કે આજે દૈનિક પશુપાલકોના ખાતામાં 12 કરોડથી વધુ આવક દૂધના ઉત્પાદનની જમા થાય છે જે આઝાદીના અમૃત મહોત્સવમાં ગર્વ લઈ શકાય તેવી બાબત છે . 

આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી અને મહાનુભવોએ સ્વતંત્રસેનાનીના પરિવારોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું સાથે દેશભક્તિ ગીતો પર કલા રજૂ થઈ હતી. પદયાત્રામાં દાંડીના ગ્રામજનોપશુપાલકો, સામાજિક સંસ્થા અને ધાર્મિક  સંગઠનોના પ્રતિનિધિઓ અને રાષ્ટ્રપ્રેમી નાગરિકો દેશભક્તિભર્યા માહોલમાં ઉત્સાહભેર પદયાત્રામાં જોડાયા હતા.

તિરંગાયાત્રામાં જલાલપોરના ધારાસભ્યશ્રી આર.સી.પટેલ, નિવાસી અધિક કલેકટરશ્રી કેતન જોષી, નવસારીના પ્રાંત અધિકારીશ્રી બોરડ, સુમુલડેરીના એમ.ડી, વસુધરા ડેરીના એમ.ડી, જલાલપોરના તાલુકા વિકાસ અધિકારીશ્રી, જલાલપોર તાલુકા પંચાયત પ્રમુખશ્રી સહિત જિલ્લા વહીવટીતંત્ર અને પાલિકાના અધિકારીઓ, યુવાનો, નાગરિકો જોડાયા હતા.

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1851278) Visitor Counter : 203