સંરક્ષણ મંત્રાલય

ભારતીય વાયુસેનાએ શૈક્ષણિક સહકાર માટે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી સાથે MOU કર્યા

Posted On: 10 AUG 2022 7:12PM by PIB Ahmedabad

ચીફ ઓફ એર સ્ટાફ, એર ચીફ માર્શલ વી. આર. ચૌધરીએ આજે ગાંધીનગર ખાતે આવેલી પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન, પારસ્પરિક હિતના વિશિષ્ટ ક્ષેત્રોમાં R&D ને પ્રોત્સાહન આપવા ઉપરાંત, ભારતીય વાયુસેના (IAF) ના કર્મીઓ વિવિધ સમકાલીન વિષયોમાં શૈક્ષણિક વિદ્વતાને આગળ વધારી શકે તે માટે IAF દ્વારા RRU સાથે એક સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

MoU પર આસિસ્ટન્ટ ચીફ ઓફ એર સ્ટાફ (શિક્ષણ) એર વાઇસ માર્શલ રાજીવ શર્મા અને RRUના પ્રો-વાઈસ ચાન્સેલર પ્રો.આનંદ કુમાર ત્રિપાઠી દ્વારા વાઇસ ચાન્સેલર પ્રો. (ડૉ.) બિમલ એન પટેલની ઉપસ્થિતિમાં હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

IAF અને RRU વચ્ચેનો આ સહયોગ IAF કર્મીઓને સંરક્ષણ અને વ્યૂહાત્મક અભ્યાસ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને સાયબર સુરક્ષા, એપ્લાઇડ સાયન્સ, એન્જિનિયરિંગ અને ટેકનોલોજી તેમજ વિદેશી ભાષાઓના વિવિધ અભ્યાસક્રમો હાથ ધરવા માટે સુવિધા પૂરી પાડશે. આ MoU રાષ્ટ્રીય અને આંતરિક સુરક્ષાના ક્ષેત્રમાં સંશોધન અને વિકાસ (R&D)ને પ્રોત્સાહન આપશે. યુનિવર્સિટી દ્વારા IAF તાલીમ સંસ્થાઓને માન્યતા પણ આપવામાં આવશે.

આ પ્રસંગે સંબોધન કરતા, ચીફ ઓફ એર સ્ટાફે એ બાબત પર પ્રકાશ પાડ્યો હતો કે, સંરક્ષણ ક્ષેત્રમાં ટેકનોલોજીકલ પ્રગતિના પગલે, સૈન્ય અને શિક્ષણ સંસ્થાઓ વચ્ચે સહયોગ એ એક વિકલ્પ નથી, પરંતુ એક આવશ્યકતા છે. તેમણે આશાવાદ વ્યક્ત કર્યો હતો કે આ MoU આવનારા વર્ષોમાં સંરક્ષણ ટેકનોલોજીના ક્ષેત્રમાં ઘણી નવી સંયુક્ત પહેલ અને તાલમેલ તરફ દોરી જશે.      

SD/GP/JD



(Release ID: 1850615) Visitor Counter : 193


Read this release in: English