ઉપરાષ્ટ્રપતિ સચિવાલય

ઉપરાષ્ટ્રપતિ શ્રી એમ. વેંકૈયા નાયડુએ પોરબંદરમાં મહાત્મા ગાંધીજીના જન્મ સ્થળ - કીર્તિ મંદિરની મુલાકાત લઇ શ્રદ્ધા સુમન અર્પણ કર્યા


કીર્તિ મંદિર પ્રવેશ દ્વાર નજીક સાંસ્કૃતિક મણિયારા રાસ રજૂ કરીને ઉપરાષ્ટ્રપતિ શ્રીનું સ્વાગત કરાયું

Posted On: 06 AUG 2022 4:10PM by PIB Ahmedabad

ઉપરાષ્ટ્રપતિ શ્રી એમ.વેંકૈયા નાયડુએ આજે પોરબંદરમાં મહાત્મા ગાંધીજીના જન્મ સ્થળ-કીર્તિ મંદિરની મુલાકાત લઈ પૂજય બાપુને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા.

ઉપરાષ્ટ્રપતિશ્રી એમ.વેંકૈયા નાયડુનું પોરબંદરની સંસ્કૃતિ એવા મણિયારા રાસથી સ્વાગત કરવામાં આવ્યું હતું. પોરબંદર કીર્તિ મંદિર ખાતે પૂજ્ય મહાત્મા ગાંધીજીના જન્મસ્થળની મુલાકાતે સહપરિવાર આવેલા ઉપરાષ્ટ્રપતિશ્રીનું પોરબંદરના જાણીતા મણીયારા રાસથી યુવાનોએ દાંડિયાના તાલ સાથે સ્વાગત કરી આવકાર આપ્યો હતો. આ તકે ઉપરાષ્ટ્રપતિશ્રીએ મણિયારા રાસના કલાકારોને પ્રોત્સાહિત કરીને પોરબંદરની આ સાંસ્કૃતિક ધરોહરને આવકારી હતી તથા મહેરરાસના કલાકારો સાથે ફોટો સેશન કરી હતી.

ઉપરાષ્ટ્રપતિશ્રીએ સહપરિવાર સૌપ્રથમ મહાત્મા ગાંધીજીના મૂળ જન્મ સ્થાન પહોંચી પૂજ્ય બાપુને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા. કીર્તિ મંદિરમાં પૂજય બાપુ અને કસ્તુરબાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ઉપરાષ્ટ્રપતિશ્રીએ સહ પરિવાર મહાત્મા ગાંધીજીના સ્મૃતિ ગેલેરી રૂમની મુલાકાત લઈ ચરખો સહિતની વસ્તુઓ અને બાપુની જીવનદર્શિની નિહાળી હતી. તેઓએ કીર્તિ મંદિર વિઝિટ બુકમાં પણ નોંધ કરી હતી.

ઉપરાષ્ટ્રપતિ શ્રીની કીર્તિ મંદિર મુલાકાત વેળાએ ધારાસભ્ય શ્રી બાબુભાઈ બોખીરીયા સહિતના અધિકારીઓ તથા પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને  ઉપરાષ્ટ્રપતિ શ્રીનું સુતરની આંટીથી શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, કલેકટર શ્રી અશોક શર્મા સહિતના મહાનુભાવોએ સ્વાગત કર્યું હતું.
   



(Release ID: 1849115) Visitor Counter : 164