ઉપરાષ્ટ્રપતિ સચિવાલય

ઉપરાષ્ટ્રપતિશ્રી એમ. વેંકૈયા નાયડુએ સહપરિવાર ભગવાનશ્રી દ્વારકાધીશ અને શ્રી નાગેશ્વર મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી

Posted On: 06 AUG 2022 3:56PM by PIB Ahmedabad

ઉપરાષ્ટ્રપતિશ્રી એમ. વેંકૈયા નાયડુ આજે દેવભૂમિ દ્વારકા જિલ્લાની મુલાકાતે પધાર્યા છે. ઉપરાષ્ટ્રપતિ શ્રીએ ધર્મપત્ની શ્રીમતી ઉષાબહેન સાથે સપરિવાર જગત મંદિર ખાતે ભગવાન દ્વારકાધીશના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. 

 
દ્વારકા મંદિરના પૂજારી દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી ઉપરાષ્ટ્રપતિશ્રીને પૂજન - અર્ચન  સાથે સાથે પાદુકા પૂજન પણ કરાવવામાં આવ્યું હતું. તેમજ મંદિરની પ્રદક્ષિણા કરી હતી. બાદમાં દેવકીજીના મંદિરમાં દર્શન કર્યા હતા. 

આ પ્રસંગે ગુજરાતની ભાતીગળ  સંસ્કૃતિ અભિવ્યક્ત કરતા આશાપુરા રાસ મંડળી - મકનપુર દ્વારા અને કસ્તુરબાગાંધી વિદ્યાલય - આરંભડા દ્વારા પરંપરાગત સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરી સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું. તેમજ સંગઠનના મહિલાઓ દ્વારા કુમકુમ તિલક કરી ઉપરાષ્ટ્રપતિશ્રીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત ઉપરાષ્ટ્રપતિશ્રી એમ. વેંકૈયા નાયડુએ સપરિવાર નાગેશ્વર મહાદેવ જ્યોતીર્લિંગની પણ પૂજા કરી હતી. તેઓ દ્વાદશ જ્યોતિર્લીંગ પૈકી શ્રી નાગેશ્વર જ્યોતિર્લીંગના દર્શનાર્થે પધાર્યા હતા. અહીં તેઓશ્રીનું પારંપરિક વેશભૂષામાં ઉપસ્થિત સ્થાનિક લોક-કલાકારો દ્વારા વિશેષ સ્વાગત કરવામાં આવ્યું હતું.

દ્વારકાથી 14 કિ.મી. દૂર બિરાજમાન જ્યોતિર્લીંગ નાગેશ્વર મહાદેવના મંદિર ખાતે શનિવારે ઉપરાષ્ટ્રપતિશ્રી વેંકૈયા નાયડુએ ધર્મપત્ની શ્રીમતી ઉષાબહેન સાથે પવિત્ર શ્રાવણ માસમાં વિશેષ પૂજન-અર્ચન અને પ્રાર્થના કરી હતી. આ વેળાએ શ્રી હર્ષવર્ધનભાઈ અને રાધાબહેન, શ્રી રવિભાઈ તેજા અને નિહારિકા બહેન સહિતના પરિવારજનોએ નાગેશ્વર મહાદેવની આરતી કરીને સમગ્ર પરિવારે મહાદેવની કૃપા પ્રાપ્ત કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત કર્યું હતું. 

આ તકે શિક્ષણમંત્રીશ્રી જીતુભાઇ વાઘાણી, ચીફ પ્રોટોકોલ ઓફિસરશ્રી જ્વલંત ત્રિવેદી, જિલ્લા કલેકટરશ્રી એમ.એ.પંડ્યા, એસપીશ્રી નિતેશ પાંડે, ગ્રામગૃહ નિર્માણ બોર્ડના પૂર્વ ચેરમેનશ્રી મુળુભાઈ બેરા, દ્વારકા નગરપાલિકા પ્રમુખશ્રી જ્યોતિબેન સામાણી, સંગઠનના અગ્રણીશ્રીઓ, મયુરભાઈ ગઢવી, શૈલેષભાઇ કણજારીયા, વિજયભાઈ બુજડ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

SD/GP/JD
 



(Release ID: 1849112) Visitor Counter : 171