સમાજીક ન્યાય અને અધિકારીતા મંત્રાલય

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સમાજના તમામ વર્ગોનો વિચાર કરીને યોજનાઓ અમલમાં મૂકાય છે: કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્યમંત્રી શ્રી રામદાસ આઠવલે


પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગુજરાતમાં 7 લાખ 57 હજાર (શહેરી )અને 3 લાખ 92 હજાર (ગ્રામીણ) આવાસોનું નિર્માણ થયું

Posted On: 13 JUL 2022 8:01PM by PIB Ahmedabad

ગુજરાતની મુલાકાતે આવેલા કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્યમંત્રી શ્રી રામદાસ આઠવલેએ અમદાવાદ ખાતે પત્રકાર પરિષદને સંબોધતા દેશભરમાં સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય દ્વારા ચાલી રહેલી વિભિન્ન જન કલ્યાણકારી યોજનાઓ અંગે જાણકારી આપી હતી. શ્રી આઠવલે જણાવ્યું હતું  કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સમાજના તમામ વર્ગોનો વિચાર કરીને યોજનાઓ અમલમાં મૂકાય છે. એક સમયે દેશમાં બહુ મોટો એવો વર્ગ હતો જે લોકો બેંકનું પગથિયું પણ ચડ્યા નહોતા. આજે પ્રધાનમંત્રી જન ધન યોજના થકી દેશના આવા કરોડો લોકોના બેંકમાં ખાતા ખૂલ્યા છે. વર્ષ 2014 થી 2022 સુધીમાં દેશમાં કુલ 45 કરોડ 90 લાખ અને ગુજરાતમાં એક કરોડ 70 લાખ 26 હજાર બેંક ખાતા પ્રધાનમંત્રી જન ધન યોજના હેઠળ ખોલવામાં આવ્યા છે. વધુમાં શ્રી આઠવલે એ જણાવ્યું કે દેશભરમાં યુવા વર્ગ અને જરૂરિયાત મંદ લોકોને પોતાનો વ્યવસાય શરૂ કરવા લોન લેવા માટે ઘણી  મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. પરંતુ પ્રધાનમંત્રી મુદ્રા યોજનાની શરૂઆત થતાં આ મુશ્કેલીનો અંત આવી ગયો છે. પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ વર્ષ 2015 થી 2022 સુધીમાં દેશમાં કુલ 35 કરોડ 86 લાખ લાભાર્થીઓને અને ગુજરાતમાં કુલ 1 કરોડ 98 લાખ 8 હજાર લાભાર્થીઓને લોન મળી છે.

પ્રધાનમંત્રી આવાસ યોજના થકી દેશના પ્રત્યેક વ્યક્તિના ઘરના ઘરનું સ્વપ્ન સાકાર થઈ રહ્યું હોવાનું જણાવી શ્રી આઠવલે એ કહ્યું હતું કે આ યોજના હેઠળ દેશભરમાં વર્ષ 2015 થી 2022 સુધીમાં શહેરી વિસ્તારમાં 61 લાખ 3 હજાર અને ગ્રામીણ વિસ્તારમાં 2 કરોડ 25 લાખ ઘરોનું નિર્માણ થઈ ચૂક્યું છે. ગુજરાત અંગે માહિતી આપતા શ્રી આઠવલે એ જણાવ્યું કે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ વર્ષ 2022 સુધીમાં ગુજરાતમાં શહેરી વિસ્તારમાં 7 લાખ 57 હજાર અને ગ્રામીણ વિસ્તારમાં 3 લાખ 92 હજાર ઘરોનું નિર્માણ થઈ ચૂક્યું છે. લોકોના સ્વાસ્થ્ય સુખાકારીને ધ્યાનમાં રાખી અમલમાં મૂકવામાં આવેલી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના-આયુષ્માન ભારત યોજના વિશે જાણકારી આપતા કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રી એ જણાવ્યું કે વર્ષ 2018 થી વર્ષ 2022 સુધીમાં દેશભરમાં આ યોજના હેઠળ 3 કરોડ 35 લાખ લાભાર્થીઓ અને ગુજરાતમાં 30 લાખ  67 હજાર લાભાર્થીઓને આ યોજનાનો લાભ મળ્યો છે.

પત્રકાર પરિષદને સંબોધન કર્યા બાદ કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રી એ ગુજરાત રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના અધિકારીગણ સાથે રાજ્યમાં ચાલી રહેલ મંત્રાલયની વિભિન્ન યોજનાઓ અંગે સમીક્ષા બેઠક કરી હતી.

SD/GP/JD



(Release ID: 1841304) Visitor Counter : 187