ગૃહ મંત્રાલય
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં છઠ્ઠા રાષ્ટ્રીય ખાણ અને ખનીજ સંમેલનમાં સંબોધન આપ્યું
Posted On:
12 JUL 2022 8:32PM by PIB Ahmedabad
શ્રી નરેન્દ્ર મોદી 2014માં પ્રધાનમંત્રી બન્યા ત્યારથી આજદિન સુધીમાં મોદી સરકારે હંમેશા ખાણ, ખનીજ અને કોલસા ક્ષેત્રને પ્રાથમિકતાનું ક્ષેત્ર માન્યું છે
દેશનો વિકાસ ખાણકામ ક્ષેત્ર માટે યોગ્ય નીતિઓ ઘડ્યા વગર શક્ય નથી
પ્રધાનમંત્રી બન્યા પછી, શ્રી મોદીએ આ ક્ષેત્રને પ્રાધાન્યતા આપીને, કોલસા ક્ષેત્રમાં ભારતને આત્મનિર્ભર બનાવવા અને દુનિયાનું સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર બનાવવા માટે ઘણા સફળ નીતિગત સુધારા કર્યા છે
દાયકાઓ સુધી કોલસાના ક્ષેત્રમાં થઇ રહેલા ભ્રષ્ટાચારે તેના મૂળિયા ઊંડા પ્રસરાવ્યા હતા, અગાઉની સરકારોના સમયમાં ફાળવણી અંગે કોર્ટમાં કેસ થયા હતા, CAG દ્વારા સવાલ ઉઠાવવામાં આવ્યા હતા અને ઘણી ફાળવણીઓ રદ કરવી પડી હતી
2014ની વહેલાં તે પહેલાની નીતિના બદલે મોદી સરકારે કોલ બ્લૉકની ફાળવણી માટે હરાજીનું આયોજન કર્યું
મોદી સરકારની નીતિઓને કારણે ખાણ ક્ષેત્રે સ્પર્ધા થઇ છે, અમે ફાળવણીની પ્રક્રિયાને પારદર્શક બનાવી છે તેમજ કોલસા અને ખાણ ક્ષેત્રમાં પણ જંગી રોકાણ આવ્યું છે
મોદી સરકાર પારદર્શિતા લાવી છે, અવરોધો દૂર કર્યા છે અને નીતિ ઘડતી વખતે કોલસા ક્ષેત્રને લગતી પર્યાવરણ સંબંધિત ચિંતાઓની પણ કાળજી રાખી છે
ખનીજો દેશની સંપત્તિ છે અને તેનો ઉપયોગ પારદર્શક રીતે દેશના અર્થતંત્રને વેગ આપવા માટે થવો જોઇએ, આથી તેની હરાજી થવી જોઇએ
શ્રી મોદીના નેતૃત્વમાં આ ક્ષેત્રમાં સ્પર્ધાની શરૂઆત કરવાથી મોટા ફેરફારો થયા છે જેના પરિણામો સામે આવ્યા છે
નરેન્દ્ર મોદી સરકાર દ્વારા કોલસા ક્ષેત્ર માટે નીતિઓ, સુધારાઓ અને ફેરફારોનો એકમાત્ર હેતુ એ હતો કે ભારત ખાણો, ખનીજો અને કોલસા ક્ષેત્રે આત્મનિર્ભર બને અને આ ક્ષેત્રો આપણાં અર્થતંત્રના મજબૂત આધારસ્તંભ બને
મોદી સરકારે દેશમાંથી ખનન કરવામાં આવતા ખનીજ સંસાધનોની અંતિમ ઉત્પાદનોમાં પ્રક્રિયા કરવા અને ભારતમાંથી દુનિયાના અન્ય બજારોમાં નિકાસ કરવા માટે યોગ્ય માળખાકીય સુવિધા તૈયાર કરી છે
2013-14માં કોલસાનું ઉત્પાદન 566 મિલિયન ટન હતું, જે 2021-22માં વધીને 777 મિલિયન ટન થયું હતું
પ્રવાસન અને ઉડ્ડયન ક્ષેત્ર પછી ખાણકામ ક્ષેત્ર સૌથી વધુ રોજગારીનું નિર્માણ કરતું ક્ષેત્ર છે
હું ખાણકામ ક્ષેત્ર સાથે સંકળાયેલા ઉદ્યોગપતિઓને કહેવા માંગુ છું કે, હવે માત્ર તેમની કંપનીઓના કદ સુધી સિમિત રહેવાના બદલે વ્યાપક ફેલાવો કરવાનો સમય આવી ગયો છે. શ્રી મોદીએ કોલસા ક્ષેત્રમાં તમારા માટે અપાર સંભાવનાઓ ખુલ્લી કરી દીધી છે
ડિસ્ટ્રિક્ટ મિનરલ ફંડ (DMF)ની સ્થાપના કરીને, શ્રી મોદીએ ખાણ ક્ષેત્રોમાં રહેતા લોકોને અધિકારો આપ્યા છે. આનાથી તે ક્ષેત્રોનો સમાવેશી વિકાસ થશે. અત્યાર સુધીમાં DMF હેઠળ ₹63,800 કરોડ કરતાં વધુ આપવામાં આવ્યા છે
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહે આજે નવી દિલ્હી ખાતે યોજાયેલા છઠ્ઠા રાષ્ટ્રીય ખાણ અને ખનીજ સંમેલનમાં સંબોધન આપ્યું હતું. આ કાર્યક્રમમાં કેન્દ્રીય ખાણ, કોલસા અને સંસદીય બાબતોના મંત્રી શ્રી પ્રહલાદ જોશી અને કેન્દ્રીય ખાણ, કોલસા અને રેલવે રાજ્ય મંત્રી રાવસાહેબ પાટીલ દાન્વે સહિત ઘણા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
કેન્દ્રીય ગૃહમંત્રીએ આ પ્રસંગે આપેલા પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, દેશના આર્થિક વિકાસમાં ખાણ, ખનીજ અને કોલસા ક્ષેત્રનું મોટું યોગદાન છે. કોઇપણ દેશમાં તેની ખાણો અને ખનીજો માટે યોગ્ય નીતિઓ વિના તેના વિકાસની કલ્પના કરી શકાતી નથી. તેથી જ 2014માં શ્રી નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બન્યા ત્યારથી લઇને આજદિન સુધીમાં, શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકારે હંમેશા તેને પ્રાથમિકતાનું ક્ષેત્ર માન્યું છે. ભારત સરકારે પારદર્શિતા લાવવા, અવરોધો દૂર કરવા અને તેને ઘણી રીતે ખાનગી ક્ષેત્ર માટે ખોલવાનું કામ કર્યું છે, તેમજ આ ક્ષેત્ર માટે નીતિ ઘડતી વખતે તેની સાથે સંકળાયેલી પર્યાવરણને લગતી ચિંતાઓને ધ્યાનમાં લીધી છે. તેમણે ઉમેર્યું હતું કે, જો જમીનમાંથી કાઢવામાં આવતી ખનીજોનો ઉપયોગ બહુવિધ હેતુઓ માટે ના કરવામાં આવે અને તેનો ઉપયોગ ઔદ્યોગિક પ્રવૃત્તિ અને દેશની નિકાસ વધારવા માટે ના કરવામાં આવે, તો તે વ્યક્તિગત લાભ માટે થતી પ્રવૃત્તિ બની જશે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે એવી રીતે નીતિઓ ઘડી છે કે આ સુધારાઓ અને ફેરફારો સાથે ભારત ખાણો, ખનીજો અને કોલસા ક્ષેત્રમાં આત્મનિર્ભર બની શકે અને આ ક્ષેત્રો આપણાં અર્થતંત્રના મજબૂત આધારસ્તંભ બને.
શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, દાયકાઓથી કોલસા ક્ષેત્રે થઇ રહેલા ભ્રષ્ટાચારે તેના મૂળિયાં ઊંડે સુધી ફેલાવી દીધા હોવાથી અગાઉની સરકારો દરમિયાન ફાળવણી બાબતે કોર્ટમાં કેસ થયા હતા, CAG દ્વારા સવાલો ઉઠાવવામાં આવ્યા હતા અને ઘણી ફાળવણી રદ કરવી પડી હતી. તેમણે આગળ ઉમેર્યું હતું કે, ખનીજ એ દેશની સંપત્તિ છે અને તેની હરાજી એવી રીતે થવી જોઇએ કે તેનાથી દેશના અર્થતંત્રને વેગ આપવા માટે ખનીજોનો પારદર્શક રીતે ઉપયોગ કરી શકાય. માત્ર આવક જ નહીં, પરંતુ તેના ઉપયોગના હેતુ પર પણ ધ્યાન આપવું જોઇએ અને નાના તેમજ મધ્યમ વેપારીઓને તેમના વ્યવસાયનું પ્રમાણ વધારવાની તક મળવી જોઇએ. આમ કરવાથી જ સ્પર્ધા થશે અને તેના પરિણામો મળશે. આ તમામ પાસાઓને સમાવીને પ્રધાનમંત્રી શ્રી મોદીના નેતૃત્વમાં આ ક્ષેત્રમાં ઘણું મોટું પરિવર્તન આવ્યું છે, અને તેના ખૂબ સારાં પરિણામો પણ મળ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે, એક અનુમાન પ્રમાણે જો ખાણ ક્ષેત્રમાં એક ટકાનો વધારો થાય તો આપણાં ઔદ્યોગિક ઉત્પાદનમાં અઢી ટકાનો વધારો થાય છે અને તેથી જ તે આ ક્ષેત્ર પ્રાથમિકતાએ હોવું જોઇએ. 130 કરોડ લોકોની વસ્તી ધરાવતા આપણાં દેશમાં રોજગારનું ખૂબ મહત્વ છે અને આ એક એવું ક્ષેત્ર છે જેમાં એક પ્રત્યક્ષ નોકરીથી દસ પરોક્ષ નોકરીઓનું સર્જન થાય છે. શ્રી શાહે જણાવ્યું હતું કે, ઉડ્ડયન અને પર્યટન પછી ખાણ અને ખનીજ ક્ષેત્ર સૌથી વધુ રોજગારીનું સર્જન કરનારું ક્ષેત્ર છે.
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ જણાવ્યું હતું કે, ખનીજો એ ઉત્તરોત્તર ઘટતું જતું સંસાધન છે અને જો આપણે ઇતિહાસ પર નજર કરીએ તો ઘણાં સામ્રાજ્યોનાં પતનનું કારણ ખનીજોના યોગ્ય ઉપયોગનો અભાવ હતો. આપણે પણ આ અંગે જાગૃત રહીને વિકાસમાં ખનીજોનો સંતુલિત ઉપયોગ કરવો પડશે.
આપણે માત્ર કાચા માલની નિકાસ પૂરતા સિમિત ના રહેવું જોઇએ, પરંતુ દેશમાં જે ખનીજ સંસાધનોનું ખનન કરવામાં આવે છે તેમાંથી બનાવેલી પ્રોડક્ટ્સનું ઉત્પાદન પણ ભારતમાં થવું જોઇએ અને અહીંથી તે અંતિમ પ્રોડક્ટ્સ તરીકે દુનિયાના બજારોમાં જવી જોઇએ. છેલ્લા 8 વર્ષમાં, શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકારે આ માટે યોગ્ય નીતિ અને યોગ્ય માળખાકીય સુવિધાઓનું સર્જન કર્યું છે. ખનીજોના ખાણકામમાં વૃદ્ધિ કરવાની સાથે સાથે તેમના ઉપયોગને બહુપરિમાણીય બનાવવાની અને દેશની તિજોરીમાં તેના ઉપયોગની મહત્તમ કિંમત લાવવાની જરૂર છે. આપણી પાસે કોલસાનો ખૂબ જ મોટો જથ્થો હોવા છતાં, આપણે કોલસાના સૌથી મોટા આયાતકારો પૈકી એક હતા, પરંતુ આજે શ્રી પ્રહલાદ જોશીના નેતૃત્વ હેઠળ, આપણે કોલસાની આયાતને લઘુતમ સ્તર સુધી ઘટાડવામાં સફળ રહ્યા છીએ. શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકારની નીતિઓને પરિણામ સ્વરૂપે ખાણકામ ક્ષેત્રમાં સ્પર્ધા થઇ છે જેના કારણે ફાળવણીની પ્રક્રિયામાં પારદર્શકતા આવી છે અને કોલસા તેમજ ખાણ ક્ષેત્રમાં પણ જંગી રોકાણ ખેંચવામાં સફળતા મળી છે. અમે આ નીતિઓ હેઠળ આ તમામ પાસાઓ બદલ્યા છે. અમે કોલસાના લિંકેજની રચના કરી છે જેની અગાઉ કોઇએ કલ્પના પણ નહોતી કરી.
શ્રી અમિત શાહે આગળ જણાવ્યું હતું કે, ખાણ અને ખનીજ ક્ષેત્ર વગર ભારતને આત્મનિર્ભર બનાવવાનું શક્ય નથી. કોલસા અને ખાણ ક્ષેત્રમાં કરવામાં આવેલા સુધારા અને આ ક્ષેત્રોની આત્મનિર્ભરતા એ ભારતને આત્મનિર્ભર બનાવવાની પાયાની શરત છે. તેમણે ઉમેર્યું હતું કે, શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકારે છેલ્લા આઠ વર્ષ દરમિયાન ખાણ ક્ષેત્રે સંખ્યાબંધ ફેરફારો કર્યા છે. 2014ની વહેલાં તે પહેલાની નીતિના બદલે શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકારે કોલ બ્લૉકની ફાળવણી માટે હરાજીનું આયોજન કર્યું છે. આ ક્ષેત્રમાં દાયકાઓથી થઇ રહેલા ભ્રષ્ટાચારે તેના મૂળિયા ઊંડા સુધી ફેલાવી દીધા હતા પરંતુ, શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકારે આ ક્ષેત્રમાં થતા ભ્રષ્ટાચારને જડમૂળથી નાબૂદ કરી દીધો છે. 2015 થી 2020 દરમિયાન, 10 હરાજી શ્રૃંખલા હાથ ધરવામાં આવી હતી, 35 કોલ બ્લૉક્સની સફળતાપૂર્વક હરાજી કરવામાં આવી હતી. 440 મિલિયન ટનની ઉત્પાદન ક્ષમતા સાથે કુલ 85 બ્લૉકની ફાળવણી કરવામાં આવી હતી. જૂન 2020માં, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કોમર્શિયલ ધોરણે કોલસાનું ખાણકામ શરૂ કરી અને નવા યુગની શરૂઆત કરી હતી. કોલસા ક્ષેત્રમાં 100 ટકા FDIને મંજૂરી આપવામાં આવી છે, આવકના શેરિંગમાં વહેલા ખાણકામ પર 50 ટકા નફો આપવામાં આવે છે, તેમજ સરકારે કોલ ગેસિફિકેશન, ત્યજી દેવાયેલી ખાણોને પુનર્જીવિત કરવી, PSUમાંથી બિનઉપયોગી બ્લૉક્સ સોંપવા અને ખાનગી કંપનીઓ માટે ખોલવા જેવા સંખ્યાબંધ નીતિગત ફેરફારોને મંજૂરી આપી છે.
ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે 2013-14માં કોલસાનું ઉત્પાદન 566 મિલિયન ટન હતું જે 2021-22માં વધીને 777 મિલિયન ટન પર પહોંચ્યું છે અને ઉપાડ 572 મિલિયન ટન હતો જે વધીને 818 મિલિયન ટન સુધી પહોંચી ગયો છે. બંધિયાર ખાણો પણ 50 ટકા સુધી વેચાણ માટે ખુલ્લી મુકવામાં આવી છે, તેના પરિણામ સ્વરૂપે કોલસાની આયાત કરવાના બદલે હવે દેશની અંદર જ ખનન કરવામાં આવે છે. ઉત્પાદન ખર્ચ નીચો રાખવા માટે, કોલ ઇન્ડિયા કોલસા ઉદ્યોગો, લઘુ, મધ્યમ ઉદ્યોગોને 82 ટકા છૂટ આપીને આયાત કરાયેલો કોલસો પૂરો પાડવાની કામગીરી કરે છે, જેના કારણે તેઓ આજે વૈશ્વિક બજારમાં આત્મનિર્ભર બનવા માટે સક્ષમ બન્યા છે. તેમણે જણાવ્યું હતું કે જિલ્લા ખનન ભંડોળ (DMF)ની સ્થાપના કરીને, શ્રી નરેન્દ્ર મોદીએ ખનન વિસ્તારોમાં વસી રહેલા લોકોને અધિકારો આપ્યાં છે, જે આ વિસ્તારોના સર્વગ્રાહી વિકાસ તરફ દોરી જશે. અત્યાર સુધી આ વિસ્તારોને DMF અંતર્ગત રૂ. 68,800 કરોડથી વધારે આપવામાં આવ્યાં છે.
શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે આપણે પર્યાવરણની પણ કાળજી રાખવી પડશે અને આ ક્ષેત્રમાં પણ શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકારે ઘણી કામગીરી કરી છે. તેમણે જણાવ્યું હતું કે, ખનીજ અને ખનન ક્ષેત્રની સાથે સાથે, શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકારે સમગ્ર વ્યવસ્થાતંત્ર ઊભું કર્યું છે કારણ કે ખાણોમાંથી ખનીજ અને કોલસાને વેચવા માટે બજારની જરૂર છે. આથી, PLI યોજના હેઠળ 14 ક્ષેત્રોને ઉમેરવામાં આવ્યાં હતા, જેમાંથી ભારત ઉત્પાદનનું મોટું કેન્દ્ર બનશે અને આ 14 ક્ષેત્રમાં PLI મારફતે આશરે રૂ. 2.34 લાખ કરોડના રોકાણની સંભાવનાઓ તપાસવામાં આવી રહી છે અને શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકારે પાયાના સ્તરે તે કામગીરી હાથ ધરી છે. હું માનું છુ કે, દેશના અર્થતંત્રના વ્યાપ જેટલો વધારે હશે તેટલા જ પ્રમાણમાં દરેક ક્ષેત્રને લાભો પ્રાપ્ત થશે. ભારત સરકારે મોબાઇલ અને ઇલેક્ટ્રોનિક વિનિર્માણ, તબીબી ઉપકરણો, ઑટોમોબાઇલ્સ અને ઑટો કમ્પોનન્ટ, દવા અને ફાર્મા, સ્પેશિયલ સ્ટીલ, ટેલિકોમ અને નેટવર્કિંગ પ્રોડક્ટ્સ, ઇલેક્ટ્રોનિક્સ, સફેત ચીજ-વસ્તુઓ, ખાદ્ય પેદાશો, કાપડ પેદાશો, અદ્યતન કેમિસ્ટ્રી સેલ્સ અને ડ્રોન્સ સહિત અનેક PLI યોજનાઓ રજૂ કરી છે.
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ જણાવ્યું હતું કે, અમે નવી ડ્રોન નીતિ, આરોગ્ય નીતિ, વ્યાવસાયિક કોલસા ખનન નીતિ, રાષ્ટ્રીય ઇલેક્ટ્રોનિક્સ નીતિ, મેક ઇન ઇન્ડિયા નીતિ, કૌશલ્ય ભારત નીતિ, દરેક ગામડામાં નેટવર્ક કનેક્ટિવિટી લઇ જવા ડિજિટલ ઇન્ડિયા, ઉડાન દ્વારા અદ્યતન ઉડ્ડયન ક્ષેત્ર અંગે વિવિધ નીતિઓ રજૂ કરી છે. વધુમાં આત્મનિર્ભર ભારત અને વૉકલ ફોર લોકલ દ્વારા દેશને વિનિર્માણ કેન્દ્ર બનાવવાનો પ્રયત્ન કર્યો છે અને ગ્રીન ઇન્ડિયા મિશન મારફતે પર્યાવરણીય પારિસ્થિતિક તંત્રનું પણ સંરક્ષણ કર્યુ છે. આજે સમગ્ર વિશ્વ તે જોઇને આશ્ચર્યચકિત છે કે કેવી રીતે આટલા વિશાળ અને વિવિધતા ધરાવતાં દેશમાં આટલી સરળતાથી GSTનું અમલીકરણ કરવામાં આવ્યું છે. આજે ભારત 2022માં 8.2 ટકાના દર સાથે વિશ્વમાં સૌથી ઝડપથી વૃદ્ધિ પામી રહેલું અર્થતંત્ર છે. અત્યારે સૌથી વધારે GSTનો સંગ્રહ જોવા મળી રહ્યો છે અને તેણે રૂ. 1.62 લાખ કરોડનો આંકડો ઓળંગી લીધો છે અને સારા વ્યાવસાયિકો માટે વેપારના એક સુગમ અને સરળ માહોલનું સર્જન કરવામાં આવ્યું છે. ભારતની સ્વતંત્રતાથી આજદિન સુધીમાં, આપણે ક્યારેય તેટલી નિકાસ કરી નહોતો જેટલી આપણે 2022માં કરી છે. આપણે કરેલા 421 બિલિયન ડોલરના નિકાસમાંથી 254 બિલિયન ડોલરના મૂલ્યની સેવાઓની નિકાસ કરવામાં આવી છે. આ ભારતના મહત્વાકાંક્ષી યુવાનોની ઉદ્યમિતાનો સંકેત છે. 2022માં ભારતમાં સૌથી વધારે 81 બિલિયન ડોલરનું FDI આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, આપણો વૃદ્ધિ દર 8.2 ટકા છે, જ્યારે અમેરિકાનો 3.7 ટકા, જર્મનીનો 2.1 ટકા, ચીનનો 4.4 અને બ્રાઝિલનો 0.8 ટકા વૃદ્ધિ દર છે. 2014માં ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસમાં, આપણે તેના સૂચકાંક પર 142માં ક્રમ પર હતા, આજે આપણે 63માં ક્રમ ઉપર છીએ. 2014માં જ્યારે શ્રી નરેન્દ્ર મોદીએ સ્ટાર્ટઅપ ઇન્ડિયા યોજના શરૂ કરી હતી ત્યારે દેશમાં કોઇ સ્ટાર્ટઅપ નહોતા, પરંતુ આજે આપણે ભારતમાં 100થી વધારે યુનિકોર્ન સ્ટાર્ટઅપ ધરાવીએ છીએ. આ ભારતના યુવાનોની ક્ષમતાનો પુરાવો છે. આપણે વૈશ્વિક સ્પર્ધાત્મક સૂચકાંકમાં 71માં ક્રમ પર હતા, જ્યારે અત્યારે આપણે 43મા ક્રમ પર છીએ.
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1841066)
Visitor Counter : 286