પશુ સંવર્ધન, ડેરી અને મત્સ્ય ઉછેર મંત્રાલય

પશુ ચિકિત્સામાં આયુર્વેદ દવાઓના ઉપયોગની વિચારણા : કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી શ્રી પરશોત્તમ રૂપાલા


પશુઓના ડોક્ટર્સને પણ માન-સન્માન આપો તેને ઢોરના ડોક્ટરની ઉપમા ન આપો

Posted On: 08 JUL 2022 8:46PM by PIB Ahmedabad

રાજકોટ શહેરમાં જુનોસીસ ડેની ઉજવણીના ભાગરૂપે સૌરાષ્ટ્રના અબોલ જીવોના ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અનેક પશુઓના ઓપરેશન તેમજ તેમનું નિદાન કરવામાં આવ્યું હતું. કરુણા ફાઉન્ડેશન, એનિમલ હેલ્પ લાઇન તેમજ સમસ્ત મહાજન ગ્રુપના સહયોગથી આ કેમ્પ યોજાયો હતો જેમાં કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી શ્રી પરશોત્તમ રૂપાલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

કેન્દ્રીય મંત્રી શ્રી પરશોત્તમ રૂપાલા એ આ તકે જણાવ્યું હતું કે પ્રાણીઓના ડોક્ટર્સને પણ અન્ય ડોક્ટર્સની જેમ વિશેષ માન મળવું જોઈએ પશુ ચિકિત્સકોનું મહત્વ વધવું જ જોઈએ. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના સહયોગને કારણે પશુઓ માટે એમ્બ્યુલન્સ સરકાર ચલાવી રહી છે.

શ્રી રૂપાલાએ વધુમાં જણાવ્યું હતું કે આપણી સારવારની પદ્ધતિઓમાં આયુર્વેદનું સેન્ટર આપી જામનગરમાં મંજૂરી મળી તે ગૌરવનો વિષય છે. પશુ ચિકિત્સામાં આગામી દિવસોમાં કેન્દ્ર સરકાર હવે આયુર્વેદ દવાઓનો ઉપયોગ કરવા વિચારણા કરી રહી છે. વન હેલ્થનો કન્સ્પેપ્ટ આપણા દેશમાં ઘણો આગળ વધી રહ્યો છે. પશુઓના સ્વાસ્થ્યની ચિંતા કરવી એ આપણી ફરજ છે. પશુઓ દ્વારા જે રોગો થાય છે તે માણસમાં પ્રવેશે નહીં તે માટે પશુઓની કાળજી રાખવી ખૂબજ જરૂરી છે. દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પશુઓને વેક્સિનેશન માટે 13,000 કરોડ જેટલી માતબર રકમની વ્યવસ્થા કરી પશુપાલન માટે ખૂબ ચિંતા કરી છે.

પશુઓની કાળજી વિશે તકેદારી રાખતા તેમજ તેમનું નિદાન કરતા પશુ ડોકટર્સને કેન્દ્રીય મંત્રી શ્રીએ અભિનંદન આપી તેઓને સન્માનિત પણ કર્યા હતા.

SD/GP/JD



(Release ID: 1840215) Visitor Counter : 218