ગૃહ મંત્રાલય

કેન્દ્રીય ગૃહ તેમજ સહકારિતા મંત્રીશ્રી અમિત શાહના વરદ હસ્તે ગાંધીનગર લોકસભાની ધુમાડારહિત ગામ યોજના અંતર્ગત લાભાર્થીઓને રાંધણ ગેસ કીટનું વિતરણ, રેડક્રોસ સોસાયટી અંતર્ગત થેલેસેમિયા જાગૃતિ અભિયાનની શરૂઆત તેમજ સરખેજ - રાજકોટ ધોરી માર્ગ પરના સાત જેટલા છ માર્ગીય ફ્લાય ઓવરનો ઇ - લોકાર્પણ કાર્યક્રમ સાણંદ તાલુકાના મોડાસર ખાતે યોજાયો


મોડાસરના બાણગંગા તળાવના નવીનીકરણ અને બ્યુટીફિક્શનના કાર્યનું ખાતમુહૂર્ત કરતા શ્રી અમિત શાહ

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે દરેક ઘરમાં વીજળી, પાણી, ગેસ, શૌચાલય જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવીને સાચા અર્થમાં લોકાભિમુખ સરકારની પ્રતીતિ કરાવી હોવાનું જણાવતા શ્રી અમિત શાહ

2024 સુધીમાં પ્રત્યેક ગરીબને પોતીકું ઘર મળે તે દિશામાં પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી નિરંતર પ્રયાસો કરી રહ્યા હોવાનું જણાવતા શ્રી અમિત શાહ

દેશની માતાઓ, બહેનો, બાળકોનું સ્વાસ્થ્ય રસોઈના ધુમાડાથી ન બગડે તેની ચિંતા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ કરી અને 13 કરોડ જેટલી મહિલાઓને નિશુલ્ક ગેસ સિલિન્ડર આપ્યા - શ્રી અમિત શાહ

બાણગંગા તળાવના નવીનીકરણ માટેના ભગીરથ કાર્ય બદલ શ્રી પંકજભાઈ પટેલ અને ઝાયડસ પરિવારનો આભાર વ્યક્ત કરતા શ્રી અમિત શાહ

કેન્દ્ર સરકારે ગુજરાતમાં શાંતિ - સલામતી અને સુરક્ષા સુનિશ્ચિત કરી છે: શ્રી અમિત શાહ

Posted On: 01 JUL 2022 9:16PM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહ તેમજ સહકારિતા મંત્રીશ્રી અમિત શાહના વરદ હસ્તે  ગાંધીનગર લોકસભાની ધૂમાડા રહીત ગામ યોજના અંતર્ગત વિવિધ કંપનીઓના સીએસઆરમાંથી બાકી રહેલ લાભાર્થીઓને રાંધણ ગેસ કીટનું વિતરણ, રેડક્રોસ સોસાયટી અંતર્ગત થેલેસેમિયા જાગૃતિ અભિયાનની શરૂઆત તેમજ સરખેજ - રાજકોટ ધોરી માર્ગ પરના સાત જેટલા છ માર્ગીય ફ્લાય ઓવરનું ઇ - લોકાર્પણ કાર્યક્રમ સાણંદ તાલુકાના મોડાસર ખાતે યોજાઇ ગયો હતો.

શ્રી શાહે આ તબક્કે અત્રેશ્વર મહાદેવ મંદિર ખાતે આશીર્વાદ મેળવી મોડાસરના બાણગંગા ગામ તળાવના નવીનીકરણ અને બ્યુટીફિક્શનના કાર્યનું ખાતમુહૂર્ત પણ કર્યું હતું.

શ્રી અમિત શાહે બાણગંગા તળાવના નવીનીકરણના ભૂમિપૂજન કરવાનું સૌભાગ્ય મળ્યું તે માટે આનંદ વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે બાણગંગા તળાવના નવીનીકરણના કારણે મોડાસર અને આ ધાર્મિક સ્થળ વિખ્યાત બનવાની સાથે સાથે અનેક પેઢીઓ સુધી લોકોની આસ્થાનું કેન્દ્ર બનશે. આ ઉપરાંત આ નવીનીકરણની પ્રક્રિયાને કારણે સંપૂર્ણ ક્ષેત્રમાં પાણીના સ્તર ઉપર આવશે અને નદીઓ પણ સજીવન થશે. તેઓએ રૂ. 11 કરોડના ખર્ચે બાણગંગા તળાવના નવીનીકરણ માટેના ભગીરથ કાર્ય બદલ શ્રી પંકજભાઈ પટેલ અને ઝાયડસ પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો.

શ્રી શાહે કહ્યું કે આ તળાવ આસપાસ પિકનિક સ્પોટ, બાળકોને રમવા માટેની વ્યવસ્થા, સિનિયર સિટીઝન માટે બેઠક વ્યવસ્થા, ફૂડ કોર્ટ, ઘાટોનું નિર્માણ, વોકિંગ ટ્રેક, ઓપન એર થિયેટર, બોટીંગની વ્યવસ્થા જેવી અનેક પ્રકારની સુવિધાઓના કારણે તે ગામનું ધબકતું સ્થાન બનશે. આ તળાવ આસપાસ 100 વર્ષ આયુષ્ય હોય તેવા વૃક્ષોના વાવેતરથી સમગ્ર વાતાવરણ શુદ્ધ અને આહ્લાદક બનશે.

શ્રી શાહે ધુમાડા રહિત યોજનાનો ઉલ્લેખ કરતાં કહ્યું કે દેશની માતાઓ બહેનો, બાળકોનું સ્વાસ્થ્ય રસોઈના ધુમાડાથી ન બગડે તેવી ચિંતા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કરી અને 13 કરોડ જેટલી મહિલાઓને નિશુલ્ક ગેસ સિલિન્ડર આપવામાં આવ્યા. ગાંધીનગર સંસદીય ક્ષેત્રમાં પણ બાકી રહેલ 13 હજાર જેટલી બહેનોને ઓ.એન.જી.સી.ના માધ્યમથી ગેસના ચૂલા અને સિલિન્ડર વિના મૂલ્યે આપવામાં આવ્યા છે.

શ્રી શાહે કહ્યું કે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે દરેક ઘરમાં વીજળી, પાણી, ગેસ, શૌચાલય જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવીને સાચા અર્થમાં લોકાભિમુખ સરકારની પ્રતીતિ કરાવી છે. 2024 સુધીમાં પ્રત્યેક ગરીબને પોતીકું ઘર મળે તે દિશામાં પણ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી નિરંતર પ્રયાસો કરી રહ્યા છે. દેશના 60 કરોડ લોકોને 5 લાખ સુધીની સારવારનો ખર્ચ આયુષ્યમાન ભારત યોજનાના માધ્યમથી આપીને અનેક પરિવારોને જીવન કવચ પૂરું પાડ્યું છે.

શ્રી શાહે જણાવ્યું હતું કે કોરોના મહામારી દરમ્યાન વિશ્વના અનેક દેશો ઘૂંટણિયે પડી ગયા હતા ત્યારે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની દૂરંદેશી અને મક્કમ નિર્ણયોના કારણે સ્વદેશી રસી પણ બની અને તે મફત આપીને લોકોના જીવનનું રક્ષણ પણ કર્યું. આ કોરોના કાળમાં જ અનેક લોકોના ધંધા રોજગાર પડી ભાંગ્યા, દેશનો એકપણ વ્યક્તિ ભૂખ્યો ન સુવે તેની ચિંતા શ્રી મોદીજીએ કરી અને 80 કરોડ લોકોને બે વર્ષ સુધી પ્રતિ વ્યક્તિ પાંચ કિલો અનાજ પ્રતિ મહિને નિશુલ્ક આપ્યું..

શ્રી શાહે કહ્યું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારે ઉભી કરેલી વ્યવસ્થાના પરિણામે આજે ગ્રામ પંચાયતોને ગ્રાન્ટની રકમ કોઈપણ વચેટિયા વિના સીધા તેના ખાતામાં મળી રહી છે.

શ્રી શાહે થેલેસેમિયા નાબૂદી માટે જાગૃતિ અભિયાનની શરૂઆત કરવા બદલ રેડક્રોસના ચેરમેન શ્રી અજયભાઈ પટેલ અને સમગ્ર રેડક્રોસ સોસાયટીનો આભાર વ્યક્ત કર્યો હતો. તેઓએ કહ્યું કે રૂ. 137 કરોડના ખર્ચે સરખેજ - રાજકોટ વચ્ચે સાત જેટલા છ માર્ગીય ઓવરબ્રિજનું નિર્માણ થયું છે જેનું લોકાર્પણ આજે થઈ રહ્યું છે. આ ઓવરબ્રિજથી આવાગમન ઝડપી અને સુરક્ષિત બનશે સાથે સાથે અકસ્માતોની સંખ્યા ઘટાડવામાં પણ મહત્વના પુરવાર થશે.

શ્રી શાહે ઉમેર્યું હતું કે આજે રમખાણો અને કરફ્યુ ભૂતકાળ બન્યા છે. સરકારે ગુજરાતમાં શાંતિ અને સલામતી અને સુરક્ષા નિશ્ચિત કરી છે. તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં રાજ્યની સરકારે રાજ્યનો ચૌમુખી અને સર્વસ્પર્શી - સર્વ સમાવેશક વિકાસનો પથ કંડાર્યો જે શ્રી મોદીજીએ ઊભી કરેલ વ્યવસ્થાને પરિણામે આજે પણ આપમેળે થયાં કરે છે.

આ કાર્યક્રમમાં રાજ્યના મંત્રી શ્રી કિરીટસિંહ રાણા, પૂર્વ મંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, સાંસદ શ્રી કિરીટભાઇ સોલંકી, ધારાસભ્યો રેડક્રોસના ચેરમેનશ્રી અજયભાઈ પટેલ, ઝાયડસ, ઓએનજીસી, બીપીસીએલ પરિવારના સભ્યો, લાભાર્થીઓ, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1838730) Visitor Counter : 163