ગૃહ મંત્રાલય
azadi ka amrit mahotsav

રૂપાલ ગામે વરદાયિની માતાજીના સુપ્રસિદ્ધ મંદિરે દર્શન કરી 210 કરોડ રૂપિયાના વિવિધ વિકાસલક્ષી કાર્યોનું ઇ-ખાતમુહૂર્ત, ઈ-લોકાર્પણ, ભૂમિપૂજન કરતા શ્રી અમિત શાહ


સુપ્રસિદ્ધ યાત્રાધામ રૂપાલ ખાતે વરદાયિની માતાના દર્શન કરવાનો અવસર પ્રાપ્ત થવા માટે ધન્યતા અનુભવતા હોવાનું જણાવતા શ્રી અમિત શાહ

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ રૂપાલ સ્થિત વરદાયિની માતાના મંદિરનો પ્રસાદ યોજનામાં સમાવેશ કરીને સમગ્ર ભારતના નકશા પર રૂપાલને આગવું સ્થાન મળે તે સુનિશ્ચિત કર્યું છેઃ શ્રી અમિત શાહ

વરદાયિની માતાજીના મંદિરમાં અનેકો વર્ષોથી ચાલતી પલ્લી પરંપરા સમગ્ર ગુજરાતનું ગૌરવ છેઃ શ્રી અમિત શાહ

આદર્શ ગ્રામ યોજના હેઠળ ગાંધીનગરના ત્રણ ગામ દેશમાં એક થી પાંચ ક્રમાંકમાં આવ્યા છે તે ખૂબ આનંદની વાત છે, બીલેશ્વર ગામ સમગ્ર દેશમાં પ્રથમ ક્રમાંકે છે તે ગુજરાત માટે ગર્વની વાત છેઃ શ્રી અમિત શાહ

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત દેશના દરેક જિલ્લામાં 75 તળાવ બનાવવાની પહેલ કરી ભૂગર્ભ જળ ઊંચું લાવવા, પર્યાવરણના સંવર્ધન માટે પશુ-પક્ષીને રાહત માટે તેમજ સાથે સાથે પર્યટનને વેગ આપવા માટેની શરૂઆત કરી છે

રૂપાલમાં નિર્માણ પામનાર નવું તળાવ મોર્નિંગ વોક, પિકનિક સ્પોટ, બાળકોને રમવાની વ્યવસ્થા, પર્યાપ્ત લાઇટિંગ, યોગ-વ્યાયામની સુવિધા, ફૂડ કોર્ટ તેમજ બોટિંગ સહિતની સુવિધાઓ સાથે ગામની ગતિવિધિઓનું કેન્દ્ર બનશેઃ શ્રી અમિત શાહ

ભારત સરકાર પુરસ્કૃત સખી વન સ્ટોપ સેન્ટરના 49.88 લાખના ખર્ચે તૈયાર કરાયેલ નવીન સંકુલનું ઇ - લોકાર્પણ કરતા શ્રી અમિત શાહ

Posted On: 01 JUL 2022 5:06PM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે ગાંધીનગરના રૂપાલ ગામે વરદાયિની માતાજીના સુપ્રસિદ્ધ મંદિરે દર્શન કર્યા હતા તેમજ 210 કરોડ રૂપિયાના વિવિધ વિકાસલક્ષી કાર્યોનું ઇ-ખાતમુહૂર્ત, ઈ-લોકાર્પણ, ભૂમિપૂજન કર્યું હતું. જેમાં 50 કરોડના ખર્ચે તૈયાર થનાર કલોલ-પાનસર રેલવે ઓવરબ્રિજ, ગાંધીનગર-વાવોલ-છત્રાલ રોડ પર 50 કરોડના ખર્ચે નિર્માણ પામનાર રેલવે ઓવરબ્રિજનું તેમજ એસ.જી.હાઈવેથી વિશ્વ ઉમિયાધામના રસ્તાને 17 કરોડના ખર્ચે ચારમાર્ગીય કરવાના કાર્યનું ઇ-ખાતમુહૂર્ત, રૂપાલ અને વાસણ ગામે તળાવના નવીનીકરણના કાર્યનું ભૂમિપૂજન તેમજ 85.65 કરોડના ખર્ચે ગાંધીનગર ખાતે નવનિર્મિત 'ચંદ્રશેખર આઝાદ નગર'ના 280 આવાસો, એસ.જી.હાઇવે પર તારાપુર ખાતે 7 કરોડના ખર્ચે તૈયાર થયેલ છ માર્ગીય ફ્લાયઓવર, ભારત સરકાર પુરસ્કૃત સખી વન સ્ટોપ સેન્ટરના 49.88 લાખના ખર્ચે તૈયાર કરાયેલ નવીન સંકુલના ઇ-લોકાર્પણનો સમાવેશ થાય છે.

શ્રી અમિત શાહે વધુમાં જણાવ્યું હતું કે, રૂપાલ મહાભારતના પ્રાચીન કાળથી ઇતિહાસનું સાક્ષી રહેલું ગામ છે આ જ વરદાયિની માતાના સાનિધ્યથી પાંડવોએ અધર્મીઓ પર વિજય પ્રાપ્ત કરવાના સંકલ્પ સાથે ખીજડાના વૃક્ષ નીચે અજ્ઞાતવાસનો પ્રારંભ કર્યો હતો. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ રૂપાલ સ્થિત વરદાયિની માતાના મંદિરનો પ્રસાદ યોજનામાં સમાવેશ કરીને સમગ્ર ભારતના નકશા પર રૂપાલને આગવું સ્થાન મળે તે સુનિશ્ચિત કર્યું છે. પ્રસાદ યોજનામાં સમાવેશ થવાને કારણે રૂપાલમાં વિકાસની તકો વધશે આપણા ઐતિહાસિક વારસાના સ્થાનોને સાંકળી તેમને પુનર્જીવિત કરવામાં આવશે, રોડ-રસ્તા, પાણી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધાર થશે જેનાથી આગામી સમયમાં રૂપાલ એ ગુજરાત અને દેશના સૌથી સુપ્રસિદ્ધ યાત્રાધામમાંથી એક બનશે.

આ પ્રસંગે શ્રી અમિત શાહે 50 કરોડના ખર્ચે તૈયાર થનાર કલોલ-પાનસર રેલવે ઓવરબ્રિજ, ગાંધીનગર-વાવોલ-છત્રાલ રોડ પર 50 કરોડના ખર્ચે નિર્માણ પામનાર રેલવે ઓવરબ્રિજનું તેમજ એસ.જી.હાઈવેથી વિશ્વ ઉમિયાધામના રસ્તાને 17 કરોડના ખર્ચે ચારમાર્ગીય કરવાના કાર્યનું ઇ-ખાતમુહૂર્ત, રૂપાલ અને વાસણ ગામે તળાવના નવીનીકરણના કાર્યનું ભૂમિપૂજન તેમજ 85.65 કરોડના ખર્ચે ગાંધીનગર ખાતે નવનિર્મિત 'ચંદ્રશેખર આઝાદ નગર'ના 280 આવાસો, એસ.જી.હાઇવે પર તારાપુર ખાતે 7 કરોડના ખર્ચે તૈયાર થયેલ છ માર્ગીય ફ્લાયઓવર, ભારત સરકાર પુરસ્કૃત સખી વન સ્ટોપ સેન્ટરના 49.88 લાખના ખર્ચે તૈયાર કરાયેલ નવીન સંકુલના લોકાર્પણ સહિત કુલ રૂ.210 કરોડથી વધુના વિકાસકાર્યોના કામોનું ઇ-ખાતમુહૂર્ત, ભૂમિપૂજન, ઈ-લોકાર્પણ કર્યું હતું.

શ્રી અમિત શાહે વધુમાં જણાવ્યું હતું કે, રૂપાલમાં નિર્માણ પામનાર નવું તળાવ ગામની ગતિવિધિઓનું કેન્દ્ર બનશે. તળાવ પરિસરમાં મોર્નિંગ વોક, પિકનિક સ્પોટ, બાળકોને રમવાની વ્યવસ્થા, પર્યાપ્ત લાઇટિંગ, યોગ-વ્યાયામની સુવિધા, ફૂડ કોર્ટ તેમજ બોટિંગ સહિતની વ્યવસ્થા કરવામાં આવનાર છે સાથે સાથે તળાવની આસપાસ લાંબુ આયુષ્ય ધરાવતા વૃક્ષો મારફત વનીકરણ પણ કરવામાં આવશે. વાસણ ખાતે નિર્માણ પામનાર તળાવ પણ ગામના લોકો માટે ઘણું ઉપયોગી સાબિત થશે. શ્રી શાહે જણાવ્યું હતું કે આદર્શ ગ્રામ યોજના હેઠળ ગાંધીનગરના ત્રણ ગામ દેશમાં એક થી પાંચ ક્રમાંકમાં આવ્યા છે અને તેમાં પણ આપણું બિલેશ્વર ગામ પ્રથમ ક્રમાંકે આવ્યું છે તે ખૂબ આનંદની વાત છે. તેમણે ગાંધીનગર લોકસભા મત વિસ્તારમાં ગાંધીનગર અને કલોલમાં કેન્સર જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત નાગરિકોમાં પ્રાથમિક નિરીક્ષણ અને પછી ટેસ્ટિંગના ચાલી રહેલા કાર્ય તેમજ અમદાવાદ જિલ્લા ડેરીના સહયોગથી ગાંધીનગર લોકસભા વિસ્તારમાં જરૂરિયાતમંદ સગર્ભાના તેમજ ગર્ભમાં રહેલા બાળકના પોષણ માટે 15 દિવસે મગજના લાડુના વિતરણ સહિતની જિલ્લા વહીવટી તંત્રની કામગીરીને બિરદાવી હતી. આ ઉપરાંત શ્રી શાહે રૂપાલ ગામની મહિલાઓને સ્વચ્છતા અભિયાન માટે અભિનંદન પાઠવ્યા હતા.

શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, દેશના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત દેશના દરેક જિલ્લામાં 75 તળાવ બનાવવાની પહેલની શરૂઆત કરી છે જે અંતર્ગત ગાંધીનગર જિલ્લામાં નવા ૭૫ તળાવ તેમજ સીએસઆર ફંડથી બીજા 10 તળાવ એમ કુલ 85 નવા તળાવ બનવા જઈ રહ્યા છે જેનાથી ભૂગર્ભ જળ ઊંચું આવશે પર્યાવરણનું સંવર્ધન થશે પશુ-પક્ષીને રાહત મળશે તેમજ સાથે સાથે પર્યટનને પણ વેગ મળશે.

શ્રી વરદાયિની માતા દેવસ્થાન સંસ્થાન દ્વારા એકત્રિત કરાયેલી 120 કિલો રજતનો ઉપયોગ ધાર્મિક સ્થાનોના વિકાસ માટે કરવાના નિર્ણયને આવકારી શ્રી અમિત શાહે અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીશ્રી અમિત શાહે રૂપાલ ખાતે વૃક્ષારોપણ કર્યું હતું.        

આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી, ગાંધીનગર જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી દિલીપ પટેલ, શ્રી વરદાયીની માતા દેવસ્થાન ટ્રસ્ટના ટ્રસ્ટશ્રીઓ, અગ્રણીશ્રીઓ, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મહાનુભાવોએ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીશ્રી અમિત શાહનું પુષ્પગુચ્છ અને મોમેન્ટો આપી સ્વાગત કર્યું હતું. રૂપાલ ગામની માતાઓ-બહેનોએ શ્રી અમિત શાહના ઓવારણાં લીધા હતા અને ભારતમાતાની સેવા કરવાની તેમને ઈશ્વર અપાર શક્તિ પ્રદાન કરે તેવી કામના કરી હતી.

SD/GP/JD


(Release ID: 1838608) Visitor Counter : 200