ગૃહ મંત્રાલય

અમદાવાદના જગન્નાથ મંદિરમાં મંગળા આરતીમાં સહભાગી બની મહાપ્રભુ જગન્નાથજીના આશીર્વાદ લઈને સમગ્ર ગુજરાત અને દેશવાસીઓના કલ્યાણ માટેની શ્રી અમિત શાહે પ્રાર્થના કરી


કેન્દ્રીય ગૃહ તેમજ સહકારિતા મંત્રી શ્રી અમિત શાહના વરદ હસ્તે કલોલ ખાતે સ્વામિનારાયણ યુનિવર્સિટીનું લોકાર્પણ અને 750 બેડની પ્રેમસ્વરૂપસ્વામી મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલનું ખાતમુહૂર્ત યોજાઇ ગયું

શ્રી મોદીજીએ 60 કરોડ લોકોને આયુષ્યમાન ભારત કાર્ડ દ્વારા ગરીબોને પણ ધનવાન જેવી જ સ્વાસ્થ્ય સુવિધા મળે તે સુનિશ્ચિત કરી તેના સ્વાસ્થ્ય માટેના ખર્ચની ચિંતા દૂર કરી હોવાનું જણાવતા શ્રી અમિત શાહ

આયુર્વેદ શીખવા વિશ્વના લોકો ભારત આવે, આયુર્વેદને સમગ્ર વિશ્વ સ્વીકારે તેવી વ્યવસ્થાઓ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ઉભી કરી છેઃ શ્રી અમિત શાહ

અષાઢી બીજનાં પાવન દિવસે કચ્છી માડુઓને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવતા શ્રી અમિત શાહ

ભગવાન નીલકંઠે સમાજ સુધારણાના કરેલા અનન્ય સેવા કાર્યોની સરવાણી આજ દિન સુધી દેશ અને દુનિયામાં પ્રસરી રહી છેઃ શ્રી અમિત શાહ

"સર્વ જીવ હિતાય" અને "જન સેવા હિ પ્રભુસેવા " ના ઉપદેશને કેન્દ્રમાં રાખીને બની રહેલ આ હોસ્પિટલ સમગ્ર ઉત્તર ગુજરાત અને રાજસ્થાન સરહદના વિસ્તારો માટે આશીર્વાદરૂપ પુરવાર થશેઃ શ્રી અમિત શાહ

Posted On: 01 JUL 2022 4:57PM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહ તેમજ સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે અમદાવાદના જગન્નાથ મંદિરમાં મંગળા આરતીમાં સહભાગી બની મહાપ્રભુ જગન્નાથજીના આશીર્વાદ લીધા હતા અને સમગ્ર ગુજરાત અને દેશવાસીઓના કલ્યાણ માટેની પ્રાર્થના કરી હતી. તેઓએ રથયાત્રાના શુભ પ્રસંગમાં સમ્મિલિત થવું અને મહાપ્રભુની આરાધના કરવી એ વિશિષ્ટ આધ્યાત્મિક અનુભવ હોવાની લાગણી વ્યક્ત કરી હતી. શ્રી શાહે અષાઢી બીજનાં પાવન દિવસે કચ્છી માડુઓને નવા વર્ષની શુભેચ્છાઓ પણ પાઠવી હતી.

            

બાદમાં કલોલ ખાતે કેન્દ્રીય ગૃહ તેમજ સહકારિતા મંત્રીશ્રી અમિત શાહના વરદ હસ્તે સ્વામિનારાયણ યુનિવર્સિટીનું લોકાર્પણ અને 750 બેડની પ્રેમસ્વરૂપસ્વામી મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલનું ખાતમુહૂર્ત યોજાયું હતું.

શ્રી અમિત શાહે  રથયાત્રાના પાવન દિવસે લોકોની સુખાકારી અને સ્વાસ્થ્યની કાળજી માટેના આ ઉમદા કાર્ય માટે શાસ્ત્રી શ્રી પ્રેમસ્વરૂપદાસજી અને સમગ્ર સંત ગણને સાધુવાદ પાઠવ્યા હતા. તેઓએ કહ્યું કે ભગવાન સ્વામિનારાયણનો છપૈયામાં જન્મ થયો અને બાદમાં સમગ્ર દેશભરમાં તીર્થ સ્થાનોએ વિચરણ કરીને ગુજરાતની ધરતીને પાવન કરવાનો નિર્ણય કર્યો. ગુજરાતના દરેક ગામમાં તેઓએ વિચરણ કરી શિક્ષણ, સંસ્કાર સિંચન, વ્યસન મુક્તિ, ધર્મ અને ભક્તિ જેવા સમાજ સુધારણાના કરેલા અનન્ય સેવા  કાર્યોની  સરવાણી આજ દિન સુધી દેશ અને દુનિયામાં પ્રસરી રહી છે.

શ્રી શાહે જણાવ્યું હતું કે સ્વામિનારાયણ સંપ્રદાય અને બીજી અન્ય સંસ્થાઓના શિક્ષણની યાત્રામાં પૂરક બની તેના પરિણામે શિક્ષણ ક્ષેત્રે આગળ વધી શક્યા છીએ. આ સંસ્થાઓએ દુર સુદુર ગુરુકુળની સ્થાપના કરી આદિવાસી બાળકોના ઘડતરમાં એક આદર્શ નાગરિક બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. કોઈપણ કુદરતી આપત્તિ હોય સ્વામિનારાયણ સંપ્રદાયની સંસ્થાઓ રાહત પહોચાડવામાં હંમેશા અગ્રેસર હોય છે અને તે ખ્યાતિ આજે સમગ્ર વિશ્વમાં ફેલાયેલી છે. બાળકો, યુવાઓ, મહિલાઓ અને સમગ્ર પેઢીને સંસ્કારો અને સદવિચારના રસ્તે લઈ જવાનું કાર્ય આ સંસ્થાઓએ કર્યું છે.

શ્રી શાહે કહ્યું હતું કે "સર્વ જીવ હિતાય" અને "જન સેવા હિ પ્રભુસેવા "ના ઉપદેશને કેન્દ્રમાં રાખીને આ હોસ્પિટલનું નિર્માણ થઇ રહ્યું છે. જે સમગ્ર ઉત્તર ગુજરાત અને રાજસ્થાન સરહદના વિસ્તારો માટે આશીર્વાદરૂપ પુરવાર થશે. ભવનોનું નિર્માણ થાય પણ તેમાં ભાવના આરોપણ ન થાય તો સેવા ન થાય, આ ભાવનાઓના આરોપણનું કાર્ય સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા થયું છે.

શ્રી શાહે ઉમેર્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ છેલ્લા આઠ વર્ષમાં ભારતને દરેક ક્ષેત્રે સર્વોત્તમ બનવવાનું કાર્ય કર્યું છે. શ્રી નરેન્દ્રભાઇ મોદી પ્રધાનમંત્રી બન્યા પહેલા મેડિકલ કોલેજો 307 હતી આજે તે 603 છે. આઝાદી પછીનાં 70 વર્ષ સુધી 51341 ડોક્ટર્સ તૈયાર થતા હતા તે આજે 89875 થયા છે.  પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ 22 જેટલી એઈમ્સ, 75 જેટલી સરકારી મેડિકલ કોલેજો અને 57 મેડિકલ કોલેજોમાં સીટનો વધારોઆયુષ્યમાન ભારત હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રકચર, સી.એચ.સી. - પી.એચ.સી.નું આધુનિકીકરણ કરી સમગ્ર સ્વાસ્થ્ય સેવાઓનું ક્લેવર બદલવાનું ઐતિહાસિક કાર્ય કર્યું છે. શ્રી મોદીજીએ 60 કરોડ લોકોને આયુષ્યમાન ભારત કાર્ડ દ્વારા ગરીબોને પણ ધનવાન જેવી જ સ્વાસ્થ્ય સુવિધા મળે તે સુનિશ્ચિત કરી તેના સ્વાસ્થ્ય માટેના ખર્ચની ચિંતા દૂર કરી છે. આ ઉપરાંત આપણી પરંપરાગત ચિકિત્સા પદ્ધતિના સંવર્ધન, સંરક્ષણ માટે પણ આયુષ મંત્રાલયને મજબૂત કરવાનું કાર્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ કર્યું છે. તે પ્રકારે આયુર્વેદમાં અનુસંધાન, પ્રયોગો, સર્ટિફિકેશન માટે પ્રયોગશાળાઓ જેવી વ્યવસ્થાના માધ્યમથી આયુર્વેદ શીખવા વિશ્વના લોકો ભારત આવે, આયુર્વેદને સમગ્ર વિશ્વ સ્વીકારે તેવી વ્યવસ્થાઓ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ઉભી કરી છે.

શ્રી શાહે અંતમાં કહ્યું હતું કે વિદ્વાનોની પૂજા અનેક યુગો સુધી થાય છે અને સર્વત્ર ગૌરવ અને માન મળે છે. વિદ્યા સર્વત્ર પૂજાય છે. તેઓએ ઉપસ્થિત વિદ્યાર્થીઓને ગુરુકુળમાં શિક્ષણ સાથે સંસ્કાર, સંસ્કૃતિ, ધર્મ અને ભાષા ન વિસરાઈ તેની કાળજી લેવા હિમાયત કરી હતી.

કલોલ ખાતેના કાર્યક્રમમાં રાજ્ય સરકારના મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી, શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, શાસ્ત્રીશ્રી પ્રેમસ્વરૂપદાસજી, સાંસદશ્રી હસમુખભાઈ પટેલ, બનાસ ડેરીના ચેરમેનશ્રી શંકરભાઈ ચૌધરી, ઇફકોના ચેરમેનશ્રી દિલીપભાઈ સંઘાણી સહિત ધારાસભ્યશ્રીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1838606) Visitor Counter : 153