યુવા બાબતો અને રમત મંત્રાલય
azadi ka amrit mahotsav

દિલ્હીથી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ પ્રસ્થાન કરાવેલી 44મા ચેસ ઓલિમ્પિયાડ માટે ઐતિહાસિક ટોર્ચ રીલેનું SOU એકતાનગર ખાતે કરાયું ઉષ્માભર્યું સ્વાગત


દેશમાં યોજાનારા 44મા ચેસ ઓલિમ્પિયાડના અવસરે શરૂ કરાયેલી ટોર્ચ રીલે 40 દિવસમાં 75 શહેરોમાં ભ્રમણ કરશે અને હવે પછી જે દેશમાં ઓલિમ્પિયાડ રમાશે ત્યાં પણ ભારતમાંથી જ આ ટોર્ચ જશેઃ ગ્રાન્ડ માસ્ટર ધીરજ ભાગલે

Posted On: 30 JUN 2022 6:24PM by PIB Ahmedabad

દેશના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગત તા.19મી જૂને નવી દિલ્હી ખાતેથી આગામી માસમાં ચેન્નાઇ ખાતે યોજાનારી 44મા ચેસ ઓલિમ્પિયાડ માટે ઐતિહાસિક ટોર્ચ રીલેનું પ્રસ્થાન કરાવ્યા બાદ ચેસ રમતના ગ્રાન્ડ માસ્ટરશ્રી અંકિત રાજપરા અને શ્રી તેજસ બાકરે, ગુજરાત ચેસ એસોશિએશનના પ્રમુખશ્રી અને ઓલ ઇન્ડીયા ચેસ ફેડરેશનના ઉપપ્રમુખશ્રી ભાવેશ પટેલ અને ચેસના ખેલાડીઓ સાથેની આ ટોર્ચ રીલે આજે અંખડ ભારતના શિલ્પી સરદાર વલ્લભાઇ પટેલની વિશ્વની સૌથી ઉંચી અને વિરાટ પ્રતિમા SOU- એકતાનગર ખાતે આવી પહોંચ્યા બાદ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસર થઇને એકતાનગરના એકતા ઓડિટોરિયમ ખાતે આવી પહોંચતા સાંસદ ગીતાબેન રાઠવા, જિલ્લા પંચાયતના પ્રમુખ પર્યુષાબેન વસાવા, સહકારી આગેવાન ધનશ્યામભાઇ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, રાજપીપળા નહેરુ યુવા કેન્દ્રના ચંદ્રકાંત બક્ષી વગેરેની ઉપસ્થિતિમાં પરંપરાગત આદિવાસી નૃત્યની વચ્ચે ઉષ્માભર્યું સ્વાગત કરાયું હતું.

SOU-એકતાનગરના એકતા ઓડિટોરિયમ ખાતે જિલ્લા વહિવટીતંત્ર અને નહેરુ યુવા કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે આ ટોર્ચ રીલે સાથે પધારેલા ગ્રાન્ડ માસ્ટર અને ચેસ રમતના ખેલાડીઓના યોજાયેલા સન્માન-અભિવાદન સમારોહમાં ટોર્ચ રીલેના ગ્રાન્ડ માસ્ટરના હસ્તે જિલ્લા પંચાયતના પ્રમુખ પર્યુષાબેન વસાવાને ટોર્ચ રીલે અર્પણ કરાઇ હતી.

દેશના હાલના પ્રધાનમંત્રીશ્રી અને ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ વર્ષ-2010માં તેમના કાર્યકાળ દરમિયાન ગુજરાતમાં એક લાખ લોકોને એકીસાથે ચેસની રમતમાં બેસાડીને વિશ્વ વિક્રમ સર્જ્યો હતો. ચેસ એ આપણી પૈતૃક રમત છે. આ 44મા ચેસ ઓલિમ્પિયાડનું યજમાનપદ ભારત દેશને અપાવીને આઝાદીના અમૃત મહોત્સવ દરમિયાન પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી ચેસની રમતને વિશ્વના ફલક પર લઇ જઇ રહ્યાં છે ત્યારે આપણા દેશના ખેલાડીઓએ પણ ચેસની આ રમતમાં મહત્તમ મેડલ્સ મેળવીને દેશનું નામ વૈશ્વિક સ્તરે રોશન થાય તેવા સઘન પ્રયાસો હાથ ધરાયા છે

આ પ્રસંગે ગુજરાત ચેસ એસોસિએશનના પ્રમુખ અને ઓલ ઇન્ડિયા ચેસ એસોસિએશનના ઉપપ્રમુખ ભાવેશ પટેલે તેમના પ્રાસંગિક પ્રવચનમાં ચેસની રમતનું મહત્વ સમજાવી સરકારશ્રીના પ્રોત્સાહના સાથે આ રમતમાં લોકોને મહત્તમ ભાગ લેવા ખાસ અનુરોધ કર્યો હતો.

નહેરુ યુવા કેન્દ્રના ગુજરાત ખાતેના સ્ટેટ ડાયરેક્ટર મનીષાબેન શાહે તેમના પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં વર્ષોથી રાજવીઓના સમયકાળથી શતરંજના નામે ઓળખાતી આ ચેસ રમતમાં વિશેષ જાગૃત્તિ સાથે યુવાનો સુધી આ રમત પહોંચે તેવા પ્રયાસો અને પ્રોત્સાહન પણ સરકારશ્રી દ્વારા પુરુ પાડવામાં આવી રહ્યું છે, તેમ જણાવી ચેસ ઓલિમ્પિયાડમાં 188 જેટલા દેશો ભાગ લઇ રહ્યાં હોવાનું તેમણે ઉમેર્યું હતું.

આ ચેસ ટોર્ચ રીલે અંગે વધુ માહિતી આપતા ગુજરાતના ગ્રાન્ડ માસ્ટર ધીરજ ભાગલેએ જણાવ્યું હતુ કે, દેશમાં આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવાઇ રહ્યો છે ત્યારે પ્રધાનમંત્રીશ્રીએ ગત તા.19મી જૂને દેશમાં ઓલિમ્પિયાડ ટોર્ચ રીલેનો પ્રારંભ કરાવ્યો છે. સૌ પ્રથમ વખત દેશમાં 44મો ચેસ ઓલિમ્પિયાડ રમાવાનો છે તે માટે શરૂ કરાયેલી આ ટોર્ચ રીલે 40 દિવસમાં 75 શહેરોમાં ભ્રમણ કરશે અને હવે પછી જે દેશમાં ઓલિમ્પિયાડ રમાશે ત્યાં પણ ભારતમાંથી જ આ ટોર્ચ જશે. જ્યારે ઓલ ઇન્ડિયા ચેસ ફેડરેશનના ઉપ્રમુખશ્રી ભાવેશ પટેલે કહ્યું હતું કે, આપણા પ્રધાનમંત્રીનું સપનુ રહ્યું છે કે, ચેસની રમતની જાગૃતિ દરેક ઘરે ઘરે પહોંચે અને બાળકો ચેસ રમતા થાય તથા તમામ નાગરિકો ચેસની સ્પર્ધામાં જોડાય તેવો ઉદ્દેશ રહેલો છે.

એકતા ઓડિટોરિયમ ખાતે યોજાયેલા આ સન્માન-અભિવાદન કાર્યક્રમ બાદ સંસદ સભ્ય ગીતાબેન રાઠવાના હસ્તે આ ટોર્ચ રીલે ગ્રાન્ડ માસ્ટરને અર્પણ કરી તેમના આગળના નિર્ધારિત પ્રવાસના રૂટ માટે વિદાય અપાઇ હતી.

આ પ્રસંગે રાજ્ય સરકારના સંબંધિત વિભાગના ઉપસચિવશ્રીઓ, ઇન્ચાર્જ જિલ્લા રમત ગમત અધિકારીશ્રી અસારી, સિનિયર કોચશ્રી વિષ્ણુભાઇ વસાવા, જિલ્લા અગ્રણીઓ, ખેલકૂદ ક્ષેત્રની વિવિધ પ્રતિભાઓ વગેરે ઉપસ્થિત રહ્યાં હતા.

SD/GP/JD


(Release ID: 1838286) Visitor Counter : 167