સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટિના લીધે પ્રાચીન પરંપરા યોગનું સમગ્ર વિશ્વમાં સન્માન થઈ રહ્યું છે. - કેન્દ્રીય સંદેશાવ્યવહાર રાજ્ય મંત્રીશ્રી દેવુસિંહ ચૌહાણ


યોગને જીવનનો એક ભાગ બનાવી દરરોજ યોગ કરવા અનુરોધ કરતા શ્રી દેવુસિંહ ચૌહાણ

Posted On: 21 JUN 2022 11:56AM by PIB Ahmedabad

8મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કર્ણાટક મૈસુરથી થઈ રહી છે ત્યારે આ કાર્યક્રમ અંતર્ગત કચ્છમાં વૈશ્વિક ધરોહર ધોળાવીરા ખાતે કેન્દ્રીય સંદેશાવ્યવહાર રાજ્ય મંત્રીશ્રી દેવુસિંહ ચૌહાણના અધ્યક્ષસ્થાને યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વિશ્વ વારસા સ્થળ ધોળાવીરા ખાતે આ કાર્યક્રમનું આયોજન ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ અને ટેલી કોમ્યુનિકેશન  દ્વારા કરવામાં આવ્યું હતું. પોસ્ટ વિભાગ દ્વારા આ પ્રસંગે વિશેષ પોસ્ટલ કવર પણ બહાર પાડવામાં આવ્યું હતું.

આ વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ "માનવતા માટે યોગ" રાખવામાં આવી છે. દેશના 75 આઇકોનીક સ્થળોએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી પૈકી કચ્છ જિલ્લામાં કેન્દ્રીય રાજ્ય સંદેશાવ્યવહાર મંત્રી દેવુસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં કરાઈ હતી.

આ પ્રસંગે કેન્દ્રીય રાજ્ય મંત્રીશ્રી દેવુસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટિને લીધે વિશ્વમાં આપણી પ્રાચીન પરંપરા એવી યોગનું સન્માન થઈ રહ્યું છે. યોગ હવે વૈશ્વિક ઓળખ બની છે. કોઈપણ જાતના ભેદભાવ વિના દુનિયાએ આપણી પરંપરા યોગને સ્વીકારી છે. પ્રધાનમંત્રીશ્રીએ માનવજાતના કલ્યાણ માટે દુનિયા સમક્ષ યોગ દિવસની ઉજવણીનો વિચાર રાખ્યો હતો જેને દુનિયાએ સ્વીકારી લીધો છે. આપણી સંસ્કૃતિમાં બધા લોકોનું કલ્યાણ કરવાની ભાવના છે. આપણે પ્રાર્થનાઓ કરીએ છીએ કે સમગ્ર વિશ્વનું કલ્યાણ થાય, બધા લોકો સુખી રહે.

મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું કે, ધોળાવીરા જેવી ઐતિહાસિક સાઈટ પર આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં સહભાગી થઈને હું ધન્યતા અનુભવી રહ્યો છું. ધોળાવીરા જેવી વિરાસત માટે તમામને ગૌરવ હોવું જોઈએ. મંત્રીશ્રીએ યોગ વિશે વિસ્તૃત માહિતી આપીને કહ્યું કે, મન અને શરીરને જોડવાની વાત યોગ કરે છે. યોગના અનેક પ્રકારો છે. તમામ યોગ મન-ચિત્તની શાંતિ માટે છે. મંત્રીશ્રીએ તમામને યોગને જીવનનો એક ભાગ બનાવી દરરોજ યોગ કરવા અનુરોધ કર્યો હતો.

ગુજરાત સર્કલના ચીફ પોસ્ટ માસ્ટર જનરલ શ્રી જીતેન્દ્ર ગુપ્તાએ સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કે, આધુનિક સમયમાં તણાવમુક્ત જીવન જીવવા માટે યોગ ખૂબ જ જરૂરી છે. વૈશ્વિક ધરોહર ધોળાવીરા મધ્યે કાર્યક્રમમાં સૌએ ઉપસ્થિત રહીને યોગાસન કર્યા હતા. કાર્યક્રમમાં કચ્છ-મોરબી સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા સાથે સંબંધિત વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, બીએસએફના જવાનો અને મોટી સંખ્યામાં નાગરિકો હાજર રહ્યા હતા.

SD/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1835784) Visitor Counter : 145