સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય

નડિયાદ સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ ખાતે ‘સાંસદ ખેલ સ્પર્ધા’નો સમાપન સમારંભ યોજાયો


જિલ્લાના 4800 યુવાનોએ ‘સાંસદ ખેલ સ્પર્ધા’માં ભાગ લઈ પોતાની ટેલેન્ટ પ્રદર્શિત કરી

કબડ્ડી, વોલીબોલ સ્મેશિંગ, વોલીબોલ, રસ્સાખેંચ, કેરમ, સૂર્યનમસ્કાર, ચેસ અને સ્કેટિંગ જેવી 8 રમતોની સ્પર્ધાના વિજેતાઓને પુરસ્કાર આપવામાં આવ્યા

Posted On: 18 JUN 2022 2:40PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ લોકસભા તથા રાજ્યસભાના સભ્યોને પોતાના રાજ્યમાં પોતાના મતવિસ્તારમાં 'સાંસદ ખેલ સ્પર્ધા' નું આયોજન કરવાનું આહ્વાન કર્યું હતું. જે અંતર્ગત દેશના તમામ સાંસદો પોતાના મતવિસતારમાં 'સાંસદ ખેલ સ્પર્ધા' નું આયોજન કરી રહ્યા છે. ખેડા જિલ્લાના સાંસદ એવા કેન્દ્રીય સંચાર મંત્રીશ્રી દેવુસિંહ ચૌહાણ દ્વારા ખેડા જિલ્લામાં 'સાંસદ ખેલ સ્પર્ધા' અંતર્ગત મંડળ અને તાલુકાથી માંડીને જિલ્લા સ્તર સુધીની ખેલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

તા. 17 જૂન 2022ના રોજ આ સાંસદ ખેલ સ્પર્ધાનો સમાપન સમારોહ યોજાયો હતો. આ સમાપન સમારંભમાં રાજ્યના પૂર્વ કેબિનેટ શિક્ષણ મંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ ચુડાસમા, કેન્દ્રીય મંત્રીશ્રી દેવુસિંહ ચૌહાણ, કેબિનેટ મંત્રીશ્રી અર્જુનસિંહ ચૌહાણ, ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડકશ્રી પંકજભાઇ દેસાઇ, નડિયાદ નગરપાલિકા પ્રમુખશ્રી રંજનબા વાઘેલા સહિત જિલ્લાના અગ્રણીઓ હજાર રહ્યા હતા.

આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલ સાંસદ ખેલ સ્પર્ધાના આ આહવાન અંતર્ગત ગુજરાત સરકારના સુશાસનના આઠ વર્ષની ઉજવણીના ઉપલક્ષમાં ખેડાના સાંસદ શ્રી દેવુસિંહ ચૌહાણ દ્વારા ગત 5મી જૂનથી સાંસદ ખેલ સ્પર્ધા યોજવામાં આવી હતી. આ સ્પર્ધામાં જિલ્લાના 4800 યુવાનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. શહેર-તાલુકા મંડળની ટીમો બાદ જિલ્લાકક્ષાની ટીમો વચ્ચે કબડ્ડી, વોલીબોલ સ્મેશિંગ, રસ્સાખેચ, વોલીબોલ, કેરમ, સૂર્યનમસ્કાર, ચેસ, અને સ્કેટિંગ એમ ૮ રમતોની સ્પર્ધા યોજાઇ હતી. ખેલ સ્પર્ધાના સમાપન પ્રસંગે આઠેય સ્પર્ધાની વિજેતા ટીમોને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા ઇનામ વિતરણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે સાંસદ સ્પર્ધાના આયોજનને બિરદાવતા કહ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશનું ભવિષ્ય એવી યુવા પેઢીની શારીરિક અને માનસિક પ્રતિભાને વિકસાવવા અને તેઓમાં રહેલી શક્તિ અને ટેલેન્ટને પ્રદર્શિત કરવા માટે અનેક તકો પૂરી પાડી છે. સ્ટાર્ટ અપ, ડિજિટલ ઇન્ડિયા, મેક ઈન ઇન્ડિયા, વગેરે જેવા વિવિધ કાર્યક્રમો દ્વારા કેન્દ્ર સરકારે દેશનો યુવાન દુનિયાના યુવાન સાથે આંખથી આંખ મિલાવીને જોઇ શકે તેઓ સક્ષમ બનવાની તક પૂરી પાડી છે.

આ પ્રસંગે વિધાનસભાના મુખ્ય દંડક શ્રી પંકજભાઈ દેસાઈએ રાજ્યના અતિઆધુનિક સ્પોર્ટ્સ સંકુલમાંથી એક એવા નડિયાદ સ્પોર્ટ્સ સંકુલમાં 300 બોયઝ અને 300 ગર્લ્સની હોસ્ટેલ સહિત વિવિધ આધુનિક ખેલ ઈક્વિપમેન્ટ સાથેની સુવિધાઓને બિરદાવતા જિલ્લા સ્તરે આવી સ્પર્ધાનું આયોજન કરી જિલ્લાના યુવાનોની આવડતને નિખારવાની એક તક પૂરી પાડવા બદલ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી અને સાંસદ સ્પર્ધાના આયોજકોનો આભાર વ્યક્ત કર્યો હતો.

સાંસદ ખેલ સ્પર્ધા પ્રસંગે ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના કેબિનેટ મંત્રીશ્રી અર્જુનસિંહ ચૌહાણે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના મુખ્યમંત્રી કાળના સમયને યાદ કરતાં 'રમશે ગુજરાત, જીતશે ગુજરાત' થી લઈ ને 'ખેલો ઇન્ડિયા' સુધીના રમત-ગમતના આયોજનોની ઝાંખી આપી હતી. ગુજરાતના ગૌરવ અને ડાંગ એકસપ્રેસ તરીકે ઓળખાતા સરિતા ગાયકવાડને યાદ કરી શ્રી અર્જુનસિંહ દ્વારા ગરમીમાં પણ ઉત્કૃષ્ટ પ્રદશન કરવા બદલ તમામ રમતવીરોનો આભાર માનવામાં આવ્યો હતો અને તમામ ખેલાડીઓ રમતના તમામ સ્તરે ગુજરાત અને ભારતનું નામ રોશન કરે એવી શુભેચ્છાઓ આપવામાં આવી હતી.

કેન્દ્રીય મંત્રી શ્રી દેવુસિંહ ચૌહાણે કહ્યું હતું કે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર ભાઈ મોદી જ્યારે રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી હતા ત્યારે જે પ્રમાણે ખેલ મહાકુંભનો પ્રારંભ કર્યો હતો તે જ વિચારને મોટું સ્વરૂપ આપી ભારતમાં ખેલો ઇન્ડિયા કાર્યક્રમની શરૂઆત કરી હતી. ખેલો ઇન્ડિયાના આહ્વાનમાં મોટી સંખ્યામાં યુવાનો જોડાય તથા તેમના માતા-પિતા પણ તેમને સહકાર આપે અને આ યુવાનોની ટેલેન્ટ યોગ્ય રીતે બહાર નીકળે તે માટે તેમને પુરતું માર્ગદર્શન મળી રહે તેના માટે કોચની સુવિધા પૂરી પાડવા તથા યોગ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર પુરુ પાડવા માટે તેઓએ સાંસદોને પોતાના જિલ્લાના મતવિસ્તારોમાં સાસંદ સ્પર્ધાનું આયોજન કરવા આહ્વાન કર્યું હતું. ખેડા જિલ્લાના ૪૮૦૦ યુવાનોએ અતિ ઉત્સાહભેર આ ખેલ સ્પર્ધામાં જોડાઈ પોતાની ટેલેન્ટને એક આગવા સ્તરે લઈ જવાનો પ્રથમ પગથિયું ભર્યું છે. આ યુવાનો રાજ્ય તથા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની પ્રતિભા વિકસાવે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.

આ પ્રસંગે સાંસદ ખેલ સ્પર્ધાનું સુપેરે આયોજન કરનાર સંયોજક શ્રી મનોજ ત્રિવેદીએ સ્વાગત પ્રવચન કર્યું હતું. આ સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે રાજ્યના પૂર્વ કેબિનેટ શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા ઉપસ્થિત રહ્યા હતા તથા કાર્યક્રમમાં કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી અને ખેડાના સાંસદશ્રી દેવુસિંહ ચૌહાણ, કેબીનેટ મંત્રીશ્રી અર્જુનસિંહ ચોહાણ, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી વિપુલભાઈ પટેલ, દસક્રોઈના ધારાસભ્યશ્રી બાબુભાઈ પટેલ, માતરના ઘારાસભ્યશ્રી કેસરીસિંહ સોલંકી, નડિયાદ નગરપાલિકા પ્રમુખશ્રી રંજનબા વાઘેલા, નડિયાદ તાલુકા પંચાયત પ્રમખશ્રી સંજયસિંહ મહિડા ગુજરાત પ્રદેશ ભાજપના શ્રી જાહ્નવીબેન વ્યાસ, જિલ્લા સ્પોર્ટ્સ અધિકારીશ્રી મનસુખભાઈ તવેથિયા, ડૉ. પ્રિતેશભાઈ પટેલ, વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.  

SD/GP/JD



(Release ID: 1835281) Visitor Counter : 175