કૃષિ મંત્રાલય

૮ વર્ષના શાસનકાળમાં કેન્દ્ર સરકારે ગરીબ કલ્યાણ, સેવા અને સુશાસન સાથે તમામ વર્ગ માટે સુખાકારીનું કામ કર્યું છે: કૈલાશ ચૌધરી


ભુજમાં ૮ વર્ષના શાસનકાળની ઉપલબ્ધિના સંવાદમાં વિવિધ યોજનાઓના ગ્રામીણ અને શહેરી વિસ્તારના લાભાર્થીઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉપર ઓળઘોળ

કેન્દ્રીય રાજ્ય મંત્રી કૈલાશ ચૌધરી અને સાંસદ વિનોદ ચાવડાની ખાસ ઉપસ્થિતિ

Posted On: 14 JUN 2022 8:20PM by PIB Ahmedabad

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજ્ય મંત્રીશ્રી કૈલાશ ચૌધરીની ઉપસ્થિતિમાં ભુજ ખાતે કેન્દ્ર સરકારની ૮ વર્ષની ઉપલબ્ધિઓ અંગે લાભાર્થીઓ સાથે સીધો સંવાદ યોજાઈ ગયો. સાંસદ વિનોદ ચાવડા અને રાજકીય પદાધિકારીઓ તેમ જ અધિકારીઓની ઉપસ્થિતિમાં કચ્છ જિલ્લાના ગ્રામીણ અને શહેરી વિસ્તારના લાભાર્થીઓએ પોતાના પ્રતિભાવો આપ્યા હતા. પ્રધાનમંત્રી આવાસ યોજના, આયુષ્યમાન ભારત યોજના, મુદ્રા યોજના, કિસાન સન્માન નિધિ, શૌચાલય, ઉજ્જવલા ગેસ યોજના સહિતની અન્ય વિવિધ યોજનાઓના અલગ અલગ લાભાર્થીઓએ આ લોક કલ્યાણકારી યોજનાઓ થકી તેમના અને તેમના પરિવારના જીવનમાં બદલાવ આવ્યો હોવાનું જણાવ્યું હતું. કેન્દ્રીય મંત્રીશ્રી કૈલાશ ચૌધરી અને સાંસદ વિનોદ ચાવડા સાથેના સીધા સંવાદમાં લાભાર્થીઓએ યોજનાઓની ધનરાશિ સીધી જ એમના બેંક ખાતાઓમાં જમા થઈ ગઇ હોવાનું જણાવી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી. 

લોકોની અભિવ્યક્તિનો પ્રતિભાવ આપતાં કેન્દ્રીય મંત્રી શ્રી કૈલાશ ચૌધરીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ૮ વર્ષના શાસનકાળમાં ગરીબ કલ્યાણ, સેવા અને સુશાસન અને સમાજના તમામ વર્ગો માટે કલ્યાણકારી યોજનાઓ સરકારનું મુખ્ય કાર્ય રહ્યું છે. આજે સરકારી યોજનાઓનો પૈસો સીધો જ લાભાર્થીના બેંક ખાતામાં જમા થાય છે. આજે અંત્યોદય એટલે કે, છેવાડાના માનવી સુધી સરકારી યોજનાઓ પહોંચી રહી છે. અનેકવિધ યોજનાઓના લાભ થકી આજે લોકોના જીવનમાં બદલાવ આવ્યો છે. 

કેન્દ્રીય મંત્રીશ્રીએ આ સિવાય ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં પણ પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના, દીન દયાળ ગ્રામ જ્યોતિ યોજના, નલ સે જલ, અમૃત યોજના સહિત અન્ય યોજનાઓ દ્વારા માળખાગત સુવિધાઓ સતત વિકાસ થઈ રહ્યો હોવાનું જણાવ્યું હતું. ગરીબ, કિસાન, મહિલા અને યુવાનોના આર્થિક ઉત્થાન અર્થે મહિલાઓનું સખી મંડળ, ખેડૂતો અને પશુપાલકો માટે કિસાન ક્રેડિટ કાર્ડ, યુવાનો માટેની સ્ટાર્ટ અપ, મુદ્રા યોજના સહિતની અનેક યોજનાઓ લોકોને સ્વાવલંબી બનાવી રહી છે. 

કેન્દ્રીય મંત્રી શ્રી કૈલાશ ચૌધરીએ જણાવ્યું હતું કે, આજે સરકારની યોજનાઓ નીચે સુધી પહોંચી રહી છે. તેમણે સબ કા સાથ, સબ કા વિકાસ, સબ કા વિશ્વાસ અને સબ કા પ્રયાસ સાથે આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે તમામ નાગરિકોને દેશના વિકાસ માટે કામ કરવા આહવાન કર્યું હતું. કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી શ્રી કૈલાશ ચૌધરી અને સાંસદ વિનોદ ચાવડાને હસ્તે સખી મંડળ સહિત અન્ય લાભાર્થીઓને ચેક તેમ જ કીટનું વિતરણ કરાયું હતું.

SD/GP/JD



(Release ID: 1834035) Visitor Counter : 147